રાજકોટ: રાત્રી કરફ્યુને પગલે શહેરમાં 20% રેસ્ટોરન્ટ મરણ પથારીએ, વાંચો આ ખાસ અહેવાલ

આજે રાત્રે 9 વાગ્યાથી કરફયુનો અમલ થવા જઈ રહ્યો છે. ત્યારે અગાઉથી જ મુશ્કેલી વેઠી રહ્યા રેસ્ટોરન્ટ સંચાલકોને ફરી મોટો ફટકો પડયો છે. તેઓનો ધંધો રાતના સમયનો જ હોય છે. આ સમયમાં જ કરફયુ લાગી જતો હોય તેઓની હાલત કફોડી બની છે. અંદાજે 20 ટકા જેટલા રેસ્ટોરન્ટો બંધ થવાની તૈયારીમાં હોવાનું હાલ જાણવા મળ્યું છે.


ટીમ ‘અબતક’ દ્વારા રેસ્ટોરન્ટની હાલની સ્થિતિની વિગતો મેળવવા વિવિધ રેસ્ટોરન્ટની મુલાકાત લેવામાં આવી હતી જેમાં સોનાલી રેસ્ટોરન્ટનાં શેખરભાઈ મહેતા, ભગવતી રેસ્ટોરન્ટના આકાશભાઈ ચાવડા અને જસ્સી દે પરોઠાનાં અંકુશ કુમારે જણાવ્યું કે આશરે 1500-2000 જેટલ રેસ્ટોરન્ટ રાજકોટમાં ચાલી રહ્યા છે. ત્યારે અગાઉ રાત્રીનાં 10 વાગ્યાથી કરફયુ લાગી જતો હતો એ સમય પણ કઠીન હતો આજ રાતથી 9 વાગ્યાથી સવારે 6 સુધી કરફયુ લાગુ થવાનો છે. ત્યારે રેસ્ટોરન્ટનાં માલીકોને ખૂબ મોટો માર લાગ્યો છે. લોકડાઉન દરમિયાન ઘણા રેસ્ટોરન્ટ બંધ થયા છે.ત્યારે હજી 20% જેટલા રેસ્ટોરન્ટ બંધ થવાની તૈયારીમાં છે. પોતાના કામમાંથી ફ્રી થઈને માંડ હજી લોકો 8 વાગ્યે રેસ્ટોરન્ટમાં જાય ત્યાં 9 વાગ્યા તો બંધ કરવાનો ટાઈમ થઈ જાય છે.આનાથી ધંધામાં મોટો ફટકો પડયો છે. સાથે જ બેરોજગારીની શકયતા વધી જાય છે. આર્થિક સ્થિતિ પણ કથળી રહી છે.કોરોના મહામારીને રોકવા માટે ફરીથી લોકોની ચહલપહલ ઉપર કેટલાક નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે. આજથી રાત્રે નવ વાગ્યા બાદ લોકડાઉનની અમલવારી થશે. કર્ફ્યૂ દરમિયાન વેપાર-ધંધા બંધ રાખવા પડશે. જેની વધુ અસર ખાણીપીણીના ધંધાર્થીઓને થશે. નાની રેકડીથી લઇ મસમોટી હોટલમાં ગ્રાહકો ઉપર રોક લાગી ગઈ હોવાથી સંચાલકોને ખુબ પરેશાનીનો સામનો કરવો પડશે. આજરોજ અબતકની ટીમ દ્વારા સંચાલકોની સ્થિતિ અંગે અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. મોટાભાગના સંચાલકોનું કહેવું છે કે, રાત્રે નવ વાગ્યા બાદ કર્ફ્યુ લાદી દેવાના નિયમના કારણે ધંધામાં નુકસાન થશે.