Abtak Media Google News

ઢોર ડબ્બે ગાયો માટે પૂરતી મેડિકલ સુવિધા રાખવાની જીવદયાપ્રેમીઓની માંગણી

 

અબતક, રાજકોટ

રાજમાર્ગો પર રખડતા-ભટકતા અને ટ્રાફીકને નડતરરૂપ થતાં પશુઓને પકડી કોર્પોરેશન દ્વારા ઢોર ડબ્બે રાખવામાં આવે છે. જ્યાં અપૂરતી વ્યવસ્થાને કારણે રોજ 5 થી 6 ગાયોના મોત નિપજે છે. ઢોર ડબ્બા પર પૂરતી મેડીકલ સુવિધા માંગણી સાથે આજે જીવદયાપ્રેમીઓ દ્વારા મ્યુનિ.કમિશનરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

જેમાં ગૌ રક્ષકો, જીવદયાપ્રેમીઓ, ગૌ ભક્તો દ્વારા એવી માંગણી કરવામાં આવી હતી કે હાલ ડબ્બાની અંદર જેટલી ગૌમાતા છે તેમને પૂરતી મેડીકલ સહાય મળે. ડોક્ટરો દરેક ગાય માતાની ઉપર દેખરેખ રાખે. ગાય પકડવામાં માનવતા દાખવે, પશુ ક્રૂરતા ન થવી જોઇએ. બિમાર, અશક્ત, નાના વાછરડુંને અન્યોથી અલગ રાખવામાં આવે.

દુઝણી, નાના વાછરડું ઘરે છે તેવી ગાય માતાને યોગ્ય કાર્યવાહીથી છોડી મુકવામાં આવે અથવા તેમને અંદર દૂધ દોહવા દેવાની પરમીશન આપવામાં આવે. ગર્ભવતી ગૌમાતાની ઉપર પૂરતી દેખરેખ રાખવામાં આવે. ગાયને બે વખત ઘાસ નાખવામાં આવે. ઘાસ સાવ હલકી કક્ષાનું હોય છે તેની ક્વોલીટી સુધારવામાં આવે. ગાય માતા મૃત્યુનું કારણ જાણવામાં આવે તો જવાબદાર અધિકારી ઉપર પગલા લેવામાં આવે. જ્યાં સુધી અંદરની વ્યવસ્થા ન સુધરે ગાય માતાને પકડવાનું બંધ કરી વ્યવસ્થા ઉપર ધ્યાન દેવામાં આવે.

આ અમારી માંગણીઓ જલ્દીથી સ્વીકારવા વિનંતી છે, નહીંતર ગૌરક્ષકો, ગૌપ્રેમી, જીવદયાપ્રેમીઓ મોટું જનઆંદોલન કરવું પડશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.