રાજકોટઃ જિલ્લામાં 53 ટીમોએ ખેતીને થયેલા નુકશાનનો સર્વે હાથ ધર્યો

તાઉતે વાવાઝોડાના પગલે રાજકોટ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પણ ખાબકયો હોય ખેતીને ભારે નુકશાન થયું છે જેના માટે 53 ટીમોને ખેતીને થયેલા નુકશાનના સર્વેની કામગીરી સોપવામાં આવી છે. વધુમાં જિલ્લા વહીવટી તંત્રએ વાવાઝોડાથીથયેલા નુકશાનનો અહેવાલ પણ રજૂ કર્યો છે.આ અહેવાલમાં જિલ્લામાં 157 વૃક્ષો ધરાશાય થયેલા હોવાનું દર્શાવાયું છે. જોકે જિલ્લામાં નેશનલ હાઈવે સ્ટેટહાઈવે કે પંચાયતના કોઈ રસ્તાનેનુકશાન થયેલુ નથી પરંતુ વાવાઝોડાથી 48 જેટલા રસ્તાઓ બંધ થઈ ગયા હતા. જેમાં ત્રણ નેશનલ હાઈવે 20 સ્ટેટ હાઈવે અને 25 પંચાયતના રસ્તાઓનો સમાવેશ થાય છે.વૃક્ષો પડવાથી બંધ થયેલા 48 રસ્તાઓને જિલ્લા વહીવટી તંત્ર, ફોરેસ્ટ આરએન્ડબીની ટીમ દ્વારા મોટેરેબલ કરવામા આવ્યા હતા.

વધુમાં જિલ્લા વહીવટી તંત્રએ જાહેર કરેલી વિગતો મુજબ શહેરમાંથી 2011 અને ગ્રામ્યમાંથી 10439 મળી કુલ 12450 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત વાવાઝોડાથી જિલ્લામાં 843 જેટલા વિજપોલ ધરાશાય થઈ ગયા હતા. તદઉપરાંત 208 ગામોમાં વિજ પૂરવઠો ખોરવાઈ જવા પામ્યો હતો. હાલ આ તમામ ગામોમાં વિજ પૂરવઠો કાર્યરત કરવામાં આવ્યો છે.વધુમાં વાવાઝોડા દરમ્યાન આગમચેતીના પગલા લીધેલા હોવાથી 9 ઓકિસજન પ્લાન્ટમાં વિજ પૂરવઠો કાર્યરત રહ્યો હતો.

નુકશાન પામેલી ઈમારતની વિગતોમાં વહીવટી તંત્રએ જાહેર કર્યું છે કે જસદણમાં 8, વિછીયામાં 10,ગોંડલમાં 3, જામકંડોરણામાં 1, પડધરીમાં 1 અને ધોરાજીમાં 2 મળી કુલ 25 કાચા મકાનો અને ઝુપડાઓને નુકશાન થયું છે. આ સાથે જેતપૂર તાલુકાના સરધારપૂર ગામે વાવાઝોડાને કારણે કાચા મકાનની દિવાલ ધરાશાય થતા રાજ રાહુલભાઈ હઠીલા નામના 3 વર્ષના બાળકનું મૃત્યુ થયું હતુ. આ સાથે ઉપલેટાના ઈશરા ગામે એક ગાયનું મોત નિપજયું હતુ. વાવાઝોડા સંદર્ભે ખેતીવાડીમાં નુકશાનનો સર્વે કરવા જિલ્લામાં 53 ટીમોની રચના કરવામાં આવી છે. જેમાંથી 6 ડીમો રાજકોટમાં, 4 ટીમો પડધરીમાં, 6 ટીમો જસદણમાં, 3 ટીમો વિંછીયામાં , 5 ડીમો જેતપૂરમાં, 4 ટીમો ધોરાજીમાં, 5 ટીમો ઉપલેટામાં, 6 ડીમો જામકંડોરણામાં, 8 ટીમો ગોંડલમાં, 4 ટીમો કોટડાસાંગાણીમાં અને બે ટીમો લોધીકામાં સર્વેની કામગીરી હાથ ધરશે.

જિલ્લાને કેટલુ નુકશાન થયું

  • 1 બાળકનું મોત, એક ગાયનું મોત
  • 157 વૃક્ષો જમીનદોસ્ત થયા
  • 48 રસ્તાઓ બંધ થયા
  • 843 વિજપોલ ધરાશાઈ થયા
  • 208 ગામોમાં વિજ પૂરવઠો ઠપ્ત થયો
  • 25 કાચા મકાનો તથા ઝુંપડાઓ પડી ગયા

કયાં કેટલો વરસાદ થયો

  • ઉપલેટા – અર્ધો ઈંચ
  • કોટડાસાંગાણી – દોઢ ઈંચ
  • ગોંડલ – સવા બે ઈંચ
  • જેતપૂર – પોણાબે ઈંચ
  • જસદણ – અઢી ઈંચ
  • જામકંડોરણા – દોઢ ઈંચ
  • ધોરાજી – દોઢ ઈંચ
  • પડધરી – પોણો ઈંચ
  • રાજકોટ શહેર – પોણા બે ઈંચ
  • લોધીકા – અઢી ઈંચ
  • વિંછીયા – અઢી ઈંચ