Abtak Media Google News

સ્યુસાઈડ નોટના આધારે પિતા-પુત્રી સામે આત્મહત્યાની ફરજ પાડવાનો નોંધાતો ગુનો

મહિલાઓ અને બાળકોની મદદ માટે ચાલતી ખિલખિલાટ ગાડીના ચાલકે બે દિવસ પહેલા ભગવતીપરા પાસે ઓવરબ્રીજ નીચે ટ્રેન નીચે પડતુ મુકી કરેલા આપઘાત અંગે મૃતકના પિતા ભુપતભાઈ કોરડીયાએ ચોટીલાના મોલડી ગામે રહેતી ધરાર  પ્રેમીકા જુલીબેન  ખોરાણી અને તેનાપિતા  વલ્લભ રામા ખોરાણીના ત્રાસથી  આપઘાત કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા બી.ડીવીઝન પોલીસે પિતા પુત્રી સામે આત્મહત્યાની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મૃતક વિક્રમ ભુપતભાઈ કોરડીયા (ઉ.વ.32) ના પિતા ભુપતભાઈએ બી-ડીવીઝન પોલીસને ફરિયાદમાં તેના પુત્ર વિક્રમના આપઘાતના આરોપીમાં મૃતકની પ્રેમિકા જુલા વલ્લભ ખીરણી અને તેના પિતા વલ્લભ રામા ખોરાણી ના નામો આપ્યા હતા જેના તેને જણાવ્યું હતું કે,તેના પુત્ર વિક્રમના લગ્ન 2011માં થયા હતા. પત્નીનું નામ માનુબેન છે અને સંતાનમાં બે પુત્રી છે. 2011માં તે થાનનાં નળખંભા ગામે સંબંધીના ઘરે લગ્ન પ્રસંગમાં ગયો હતો. જયાંથી પ્રસંગ પુરો કરી મકાનની ચાવી વિક્રમ પાસે હોવાથી અને તે મૂળીમાં ફરજ બજાવતો હોવાથી મૂળી સરકારી હોસ્પિટલમાં બાઈક લઈને ચાવી લેવા ગયા હતા.

અંદર જતાં એક કારમાં તેનો દિકરો અને એક યુવતી બેસેલા જોયા હતા. ત્યારબાદ તે ચાવી લઈને ઘરે જતા રહ્યા હતા. ઘરના સભ્યોને આ અંગે જાણ કરતા કોઈએ તેના પર વિશ્વાસ કર્યો ન હતો. થોડા સમય બાદ બંનેની મિત્રતાની જાણ તેના અધિકારીને કરતાં દિકરાની બદલી કચ્છ-ભુજ કરી હતી. ત્યારબાદ તેણે પોતાની રીતે તપાસ કરતા. તે યુવતી કે જે 108 ઈ.એમ.ટી. તરીકે ફરજ બજાવતી હોય તેની પણ બદલી રાજકોટ શહેર ખાતે કરી દેવાયાનું જાણવા મળ્યું હતું.

દરમિયાન એક દિવસ વિક્રમે તેને ‘મારી તથા યુવતીની બંનેની ભૂલ હોય, મારી બદલી દૂર કેમ કરેલી ?” તેમ કહેતા તેણે “તારા લગ્ન થઈ ગયા છે, હવે બહારની કોઈ વ્યકિત સાથે સંબંધ ન રખાય.” તેમ સમજાવ્યું હતું. તેમજ વિક્રમ સાથેની યુવતી કે જેનું નામ જુલા અને પિતાનું નામ વલ્લભભાઈ હોય 6 માસ પહેલાં તેના મોટા દિકરા દશરથને વિક્રમે જાણ કરી હતી કે જુલા અન્ય સમાજની હોય તેમ છતાં પોતાની ઓળખ છૂપાવી પોતે અન્ય સમાજની હોવાનું જણાવી પોતાને પ્રેમજાળમાં ફસાવ્યો છે.

જેથી દશરથે આ અંગે તેના પિતાને જાણ કરી હતી.આ અગાઉ 6 માસ પહેલાં દશરથને આરોપી વલ્લભે ફોન કરી ચોટીલા બાયપાસ ખાતે બોલાવેલ હતો. જયાં આરોપીને મળી તેણે આરોપીની દિકરી કે જે અપરિણીત હોય તેની સાથે સંબંધ નહી રાખવા બાબતે સમજાવ્યો હતો. આમ છતાં યુવતીએ વિક્રમ સાથે પ્રેમ સંબંધ જાળવી રાખ્યો હતો. એટલું જ નહીં તેણે વિક્રમ વિરૂધ્ધ ચોટીલા અને વડોદરા ખાતે ખોટી ફરિયાદો પણ કરી હતી.

બીજી તરફ આરોપી વલ્લભે તેને અવાર-નવાર ધમકીભર્યા ફોન કરી “અમે તમારા દિકરાને કંઈક કરી નાખીશું” તેવી ધમકી આપતા તેનો દિકરો ગુમસુમ રહેતો હતો. ત્યારબાદ ગઈ તા.8ના એટલે કે 2 દિવસ પહેલા વિક્રમ કહ્યા વગર વહેલી સવારે નીકળી ગયા બાદ,રાજકોટમાં ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. મૃતકના પાકીટમાં તપાસ કરતા એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં પોતે જુલા અને તેના પિતા વલ્લભભાઈબંનેનો હાથ હોવાનું અને પોતાને પ્રેમજાળમાં ફસાવ્યાનું અને મરવા પાછળ આ બંનેનો હાથ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.