રાજકોટ: ફર્નિચરના ગોડાઉનમાં આગ ભભુકી, અડધા કરોડની મત્તા બળીને ખાક

ગોડાઉનની બાજુમાં આવારતત્વોએ કચરાનો ઢગલો સળગાવતા સર્જાઈ દુર્ઘટના: છ ફાયર ફાઇટર ઘટના સ્થળ પર

રાજકોટના ગીચ વિસ્તાર એવા મોટી ટાકી ચોક પાસે આવેલા ભીલવાડા ચોક નજીક ફર્નિચરના ગોડાઉનમાં આગ ભભુકી ઉઠતા નાસભાગ મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગના કાફલો તુરંત દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથધર્યા હતા.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં મોટી ટાંકી ચોક પાસે મેટ્રો પ્લાઝા સામેની શેરીમાં આવેલા ભીલવાડા ચોક પાસે આવેલા હર્ષદ ફર્નિચર માર્ટ નામના ગોડાઉનમાં વહેલી સવારે આગ લાગતા આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં મુખ્ય ફાયર વિભાગ, રેલનગર, બેડીપરા સહિતના ફાયર મથકના જવાનો છ બંબા લઈને ઘટના સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી રહ્યા છે.

છેલ્લા એક કલાકથી ફાયર વિભાગના જવાનો પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. આ આગની ઘટનામાં હાલ કોઈ પણ જાનહાનિ થઈ નથી પરંતુ તેમાં રહેલો અડધા કરોડથી પણ વધુનો સામાન બળીને ખાક થઈ ગયો છે. હાલ ફાયર વિભાગના જવાનો આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે.

આ અંગે ગોડાઉનના માલિકે જણાવ્યું હતું કે ગોડાઉનની બહાર લોકોને ના પાડી હોવા છતાં કચરાનો ઢગલો કરતા હોય જેમાં ગત રાતે કોઈ આવારાતત્વો આ કચરાના ઢગલામાં આગ લગાવી હોય જે આગ ગોડાઉન સુધી પહોંચતા પૂરું ગોડાઉન ભડકે બળ્યું હતું. આ અંગે ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો અને પંચનામુ કરી વધુ તપાસ હાથધરી હતી