રાજકોટ: કોઠારીયા રોડ પર મિનિ હોસ્પિટલ ટાઇપ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બનશે

લેબોરેટરી, ડિલીવરી રૂમ, મેલ-ફિમેલ રૂમ, ઇમરજન્સી રૂમ, નર્સિંગ સ્ટેશન સહિતની સુવિધા: રૂ.1.42 કરોડનો ખર્ચ મંજૂર કરતી સ્ટેન્ડિંગ

શહેરના વોર્ડ નં.18માં કોઠારીયા મેઇન રોડ પર મિની હોસ્પિટલ ટાઇપ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બનાવવામાં આવશે. જ્યાં ઇમરજન્સી વોર્ડ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે. આ કામ માટે આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂ.1.42 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું કે સરકારી હોસ્પિટલ પર ભારણ ઘટે તે પ્રકારના આરોગ્ય કેન્દ્રોનું નિર્માણ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી તાકીદની અમલવારી રાજકોટ મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવી છે. શહેરના વોર્ડ નં.18માં કોઠારીયા મેઇન રોડ પર શહેરનું પ્રથમ મિની હોસ્પિટલ ટાઇપ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બનાવવામાં આવશે. 551 ચોરસ મીટર ક્ષેત્રફળમાં બનનારા આ સીએચસીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર મેડિકલ ઓફિસરનો રૂમ, ક્ધસલ્ટીંગ રૂમ, લેબોરેટરી, ડિલેવરી રૂમ, મેલ તથા ફિમેલના અલગ-અલગ બોર્ડ, ઇમરજન્સી રૂમનું નિર્માણ કરવામાં આવશે. જ્યારે ફર્સ્ટ ફ્લોર પર મેડિકલ ઓફિસરનો રેસ્ટ રૂમ, ક્ધસલ્ટીંગ રૂમ, મેલ-ફિમેલ વોર્ડ અને નર્સિંગ સ્ટેશન બનાવવામાં આવશે. આ સીએચસીનું નિર્માણ થવાથી કોઠારીયા અને આસપાસના વિસ્તારોમાં વસવાટ કરતા 35 હજાર લોકોને આરોગ્યની હાલ પ્રાપ્ત થતી સુવિધામાં વધારો થશે. કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બનાવવાના કામનું મૂળ એસ્ટીમેટ રૂ.1.22 કરોડ હતું.

દરમિયાન ભૂમિ ક્ધસ્ટ્રક્શન દ્વારા આ કામ 16.65 ટકા ઓન સાથે રૂ.1,42,19,635 કરી આપવાની ઓફર આપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આજે આ ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વોર્ડ નં.17માં કોઠારીયા રોડ પર હુડકો આરોગ્ય કેન્દ્રને રિ-ડેવલપ કરવા માટે રૂ.1.40 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.