રાજકોટ: શાંતિનગરના યુવાને દેણુ વધી જતાં રંગપર ડેમમાં ઝંપલાવી કર્યો આપઘાત

Suicide
Suicide

બે દિવસથી લાપતા સોની યુવાનનો મૃતદેહ ડેમમાંથી મળી આવતા પરિવારમાં કલ્પાંત

શહેરના રામાપીર ચોકડી પાસે શાંતિનગરમાં રહેતા અને સાડીના શો રૂમમાં કામ કરતા યુવાને રંગપર ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લેતા પરિવારમાં આક્રંદ છવાયો છે. મૃતક શનિવારના કામે જવાનું કહી નીકળ્યા બાદ ડેમ પાસે બાઈક અને મોબાઈલ મળી આવ્યા બાદ મૃતદેહ પણ મળી આવતા પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ ગોંડલમાં રહેતા અને છેલ્લા છ માસથી રાજકોટ રામાપીર ચોકડી પાસે શાંતિનગર -3માં રહી સાડીના શોરૂમમાં કામ કરતા કિશનભાઇ રમેશભાઈ મોડાસરા નામના 29 વર્ષના યુવાનનો મૃતદેહ રંગપર ન્યારી ડેમ -2માંથી મળી આવતા પડધરી પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક કિશનભાઇ મોડાસરા મૂળ ગોંડલના હોવાનુ અને છેલ્લા છ માસથી રાજકોટ રહેવા આવ્યા હોવાનું સામે આવ્યું છે. મૃતક કિશનભાઇના પરિવારજનોના જણાવ્યા મુજબ યુવાન શનિવારના રોજ કામે જવાનું કહીને ઘરેથી નીકળી ગયા હતા. ત્યાર બાદ ઘરે પરત ન આવતા શોધખોળ હાથધરી હતી અને પોલીસમાં ગુમ નોંધ લખાવી હતી.

ત્યાર બાદ પોલીસને કિશનભાઇનું બાઈક અને મોબાઈલ શહેરના ભાગોળે આવેલા ન્યારી ડેમ -2 એટલે કે રંગપર ડેમ પાસેથી મળી આવ્યું હતું. જેથી પોલીસે ફાયર જવાનોની મદદ લઈ ડેમમાં શોધખોળ હાથધરી હતી. તેમ છતાં મૃતદેહનો કોઈ પત્તો લાગ્યો ન હતો. તે દરમિયાન આજરોજ વહેલી સવારે મૃતદેહ પાણીમાંથી બહાર આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી અને ફાયરના જવાનોએ મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે ખસેડ્યો હતો.

પરિવારજનોના જણાવ્યા મુજબ યુવાન કિશનભાઇ છેલ્લા ઘણા સમયથી આર્થિકભીંસથી પીડાતા હોય અને તેમાંય દેણુ વધી જતાં આપઘાત કર્યાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.