Abtak Media Google News

ગાંધીધામમાં શનિવારે બનેલી ઘટના; પોલીસે ગણત્રીના કલાકોમાં અપહૃત યુવાનને શોધી કાઢ્યો; આકરી પૂછપરછમાં મિત્રની મદદથી અપહરણની ખોટી સ્ટોરી ઉભી કરી હોવાની કબુલાત

ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટ અને કોલસાની ટ્રેડીંગ કરતા યુવાનને ખરાબ સોબતના કારણે ધંધામાં નુકશાની જતા 20 થી 25 લાખનું દેણુ થઈ ગયું હતુ જે ભરપાઈ કરવા માટે યુવાને પોતાના મિત્રની મદદથી અપહરણનું નાટક કરી પિતા પાસે 25 લાખની ખંડણી પડાવવાનું કાવત્રુ ઘડયું હતુ. પરંતુ પોલીસે ગણત્રીના કલાકોમાં અપહરણનો ભેદ ઉકેલી નાખી ભોગ બનનાર યુવાનને વાંકાનેરથી શોધી કાઢી પૂછપરછ કરતા પિતા પાસે પૈસા પડાવવા અપહરણનું નાટક કર્યું હોવાનું જણાવ્યું હતુ.

આ ઘટના અંગેની પોલીસ દફતરેથી જાણવા મળતી વિગત મુજબ ગાંધીધામ ગળપાદર ભવાનીનગરમાં રહેતા વેપારી ભીખાભાઈ શંકરભાઈ ગોહિલ ઉ.46 એ એ.ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે અજાણ્યા શખ્સોના નામ આપ્યા હતા. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી વેપારીને તેના મોબાઈલ પર વોઈસ રેકોર્ડીંગ આપ્યું હતુ જેમાં તેના પુત્ર જયદીપ ઉર્ફે રવિનું અજાણ્યા શખ્સોએ અપહરણ કરી તેને જીવતો જોવો હોય તો 25 લાખની ખંડણી માંગી હતી. ટ્રાન્સપોર્ટ અને કોલસાનું ટ્રેડીંગ કરતા યુવાન વેપારી પુત્ર જયદીપ ઉર્ફે રવિ લાપતા હોય અને તેના મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ આવતા હોય પુત્રનું અપહરણ થયાની અને અપહરણકારોએ 25 લાખની ખંડણી માંગી હોવાની પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આ ઘટનાની જાણ થતા ગાંધીધામ એ. ડીવીઝન પી.આઈ. એમ.એમ.જાડેજા સહિતના સ્ટાફે સઘન તપાસ હાથ ધરતા અપહૃત યુવાન મોરબીના વાંકાનેરમાંથી મળી આવ્યો હતો. જેની સઘન પૂછપરછ કરતા જયદીપ ઉર્ફે રવિએ પોલીસ સમક્ષ વટાણા વેરી નાખ્યા હતા.

ખરાબ સોબતના કારણે જયદીપ ઉર્ફે રવિને ધંધામાં રૂ.20 થી 25 લાખની નુકશાની ગઈ હતી અને લેણદારો રકમ મેળવવા દબાણ કરતા હોય જયદીપ દેણુ ભરપાઈ કરવા અપહરણનું નાટક કર્યું હતુ. જેમાં વાંકાનેર રહેતા મિત્ર સચીન નાનજી ઝીંઝુવાડીયાની મદદ લીધી હતી.

વેપારી યુવાન જયદીપે પોતાના મોબાઈલ સ્વીચ ઓફ કરી વાંકાનેર મિત્ર પાસે જતો રહ્યો હતો. અને મિત્રનાઅવાઝમાં ધમકી ભર્યા મેસેજ પિતાને કરી તમારા પુત્રનું અપહરણ થયેલ છે અને તેના બદલામાં 25 લાખની ખંડણી માંગી ધમકી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.