રાજકોટ: કોર્ટમાં પોલીસને લઘુશંકાનું બહાનું કરી ખૂનની કોશિશના આરોપીઑ રફુચક્કર

ફરી જેલમાં જવાના ડરના કારણે લઘુશંકાનું બહાનું કરી થયા રફુચક્કર

રાજકોટ કોર્ટમાં કસ્ટડીમાં રહેલા ખૂનની  કોશિશના ગુનાના બે આરોપી પૈકી એક લઘુશંકા જવાનું બહાનું બતાવી પોલીસને પછાડી દઇ ભાગી ગયો છે. જયારે બીજો આરોપી નજર ચુકતા નાસી જતા બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધાઇ છે. આ અંગે પ્રદ્યુમ્નનગર પોલીસ મથકના પીઆઇ એલ.એલ.ચાવડાએ આપેલી માહિતી મુજબ, પોલીસ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા એએસઆઇ ડી.એ.બામટા આજે છઠ્ઠા એડિ.સેશન્સ જજ પ્રશાંત જૈનની કોર્ટમાં ફરજમાં હતા.

આ સમયે વીંછિયા ગામે 2018માં હત્યાની કોશિશનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં સંડોવાયેલા સાયલાના નાગડકા ગામના દિલીપ જીલુ જેબલિયા અને પ્રદીપ બહાદુર ખાચર નામના આરોપી કોર્ટમાં મુદતે હાજર રહેતા ન હોય તેમના વિરૂધ્ધ અદાલતે બિન જામીનલાયક વોરંટ ઇશ્યુ કર્યું હતું. જે વોરંટના આધારે બંને આરોપી આજે સવારે કોર્ટમાં હાજર થયા હતા.

ત્યારે મુદતમાં હાજર ન રહેનાર બંને આરોપી સામે જજે કોર્ટ કસ્ટડીમાં લેવાનો મૌખિક હુકમ કરી ફરજ પર રહેલા પોલીસ હવાલે કર્યા હતા. દરમિયાન કોર્ટ કસ્ટડીમાં રહેલા આરોપી દિલીપ જેબલિયાએ પોતાને લઘુશંકા લાગી હોવાની એએસઆઇને વાત કરી હતી.

જેથી એએસઆઇ આરોપી દિલીપને તેને બાથરૂમે લઇ ગયા હતા. ત્યારે આરોપી દિલીપ જેબલિયાએ એએસઆઇ બામટાને ધક્કો મારી પછાડી દઇ ત્યાંથી નાસી ગયો હતો.નાસી ગયેલા આરોપીની ભાળ નહીં મળતા એએસઆઇ પરત કોર્ટમાં આવતા કસ્ટડીમાં રહેલો બીજો આરોપી પ્રદીપ ખાચર પણ જોવા મળ્યો ન હતો.

બીજા આરોપી અંગે તપાસ કર્યા બાદ કોર્ટમાં પૂછપરછ કરતા તે કોઇને કહ્યા વગર કોર્ટમાંથી નાસી ગયો હોવાનું જાણવા મળ્યું હતુ. કોર્ટમાં રહેલા બે આરોપી નાસી ગયાના બનાવમાં  પ્રદ્યુમ્નનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.