Abtak Media Google News

અમરેલી અને ગિરસોમનાથ જિલ્લામાં સમારકામ માટે 400 વીજ કર્મીઓની ફૌજ વાહનો સાથે આવી

અબતક, રાજકોટ: ગિરસોમનાથ અને અમરેલી જિલ્લામાં તાઉતે વાવાઝોડાએ કહેર મચાવ્યા બાદ વીજ પુરવઠો પૂર્વવત કરાવવા બહારથી સ્ટાફ બોલાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાંથી વિજકર્મીઓ અને જરૂરી સાધન સામગ્રીના પરિવહન માટે રો-રો ફેરીની મદદ લેવામાં આવી હતી.

ગીરસોમનાથ અને અમરેલી જિલ્લામાં પીજીવીસીએલને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. હાલ ત્યાં યુદ્ધના ધોરણે સમારકામ ચાલી રહ્યું હોય બહારથી સ્ટાફ મંગાવીને સમારકામને ઝડપી બનાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન બન્ને જિલ્લાઓ માટે દક્ષિણ ગુજરાતની વીજ કંપનીમાંથી 400 જેટલા વીજ કર્મચારીની ફૌજ બોલાવવામાં આવી છે. આજે આ વીજ કર્મચારીઓની ફૌજ વાહનો તેમજ જરૂરી સાધન સામગ્રી સાથે દહેજથી ઘોઘા રો- રો ફેરી મારફત આવી પહોંચી હતી.

આ ટીમે આવતા વેંત જ પહેલા જરૂરી સાધન સામગ્રી ઠેકાણે પાડવાની કામગીરી હાથ ધરી છે. આ કામગીરી પૂર્ણ થયે તેઓ તુરંત જ સમારકામમાં લાગી જશે. ઉલ્લેખનીય છે કે હાલ જ્યોતિગ્રામ અને ઔદ્યોગિક ફીડરોનું સમારકામ ચાલી રહ્યું છે. જે પૂર્ણ થયે બીજા ફેઝમાં ખેતીવાડી ફીડરનું સમારકામ હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.