Abtak Media Google News

5 થી 7 જેટલા મકાન ધારકોને નજીકના વિસ્તારમાં જગ્યા અપાશે

રાજકોટથી ચોટીલા હાઈ – વે પર બામણબાર નજીક નિમાર્ણ પામી રહેલા ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનાં પ્રોજેકટ માટે હીરાસર ગામનું સ્થળાંતર કરવામાં આવશે. અંદાજે દસેક દિવસમાં આ સ્થળાંતરની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવનાર છે.

રાજકોટ તાલુકાની ભાગોળે નવા ઇન્ટરનેશનલ એરપોર્ટની કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે. જેમાં એરપોર્ટ માટે પસંદ કરાયેલી હિરાસર ગામની જમીન સંપાદન કરવાની જ રહી ગયાની વિગતો અગાઉ પ્રકાશમાં આવી છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ હિરાસર ગામની જગ્યા પણ ભવિષ્યમાં નવા એરપોર્ટ માટે જરૂર પડશે તેમ જણાવતા વહીવટી તંત્ર તેની જમીન સંપાદન કરતા જ ભૂલી ગયાનો છબરડો બહાર આવ્યો હતો.

છેલ્લા એકાદ વર્ષથી આંતરરાષ્ટ્રીય એરપોર્ટનાં આ મહાત્વાકાંક્ષી પ્રોજેકટનું કામ ચાલી રહયુ છેે. રન – વે નું આશરે 60 ટકા જેટલુ કામ પુરૂ થયુ હોવાનું તંત્ર જણાવી રહ્યું છે.આ અગાઉ જૂના હીરાસર ગામનું સ્થળાંતર કરવામાં આવશે તેવો નિર્ણય લેવામા આવ્યો હતો.

જે અનુસાર ગાંધીનગરના સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે અંદાજે દસેક દિવસમાં જુના હીરાસર ગામના સ્થળાંતરની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવનાર છે. જેમાં 5થી 7 જેટલા મકાનો આવેલા છે. આ મકાનો માટે અન્ય નજીકના સ્થળે જગ્યા આપવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.