રાજકોટ: જન્માષ્ટમીના લોકમેળા માટે કલેક્ટરના હસ્તે 244 સ્ટોલ્સની ફાળવણી

કમ્પ્યુટરમાં સોફ્ટવેર મારફત ડ્રો સિસ્ટમથી સ્ટોલ અપાયા: લોકો મેળો માણી શકે તે માટે સુચારુ વ્યવસ્થા ગોઠવવા કલેક્ટરે તંત્રને માર્ગદર્શન આપ્યું

રાજકોટના જન્માષ્ટમીના લોકમેળા માટે જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુના હસ્તે, આજરોજ કમ્પ્યુટરાઇઝ્ડ સોફ્ટવેરના માધ્યમથી ડ્રો કરીને 244 સ્ટોલ્સની ફાળવણી કરવામાં આવી છે. મેળા માટે પાંચ કેટેગરીમાં 1749 અરજીઓ આવી હતી. જેની સામે 244 સ્ટોલ્સ ફાળવાયા છે. જ્યારે મોટી યાંત્રિક રાઇડ્સ માટે આવતીકાલે હરરાજી કરવામાં આવશે, તેમ જાહેર કરાયું હતું.

રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષ અને પ્રાંત અધિકારીની કચેરી ખાતે, કમ્પ્યુટરાઇઝ સોફ્ટવેરના માધ્યમથી સ્ટોલ્સની ફાળવણી માટેના ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકમેળા સમિતિના અધ્યક્ષ જિલ્લા કલેક્ટરશ્રી અરુણ મહેશ બાબુ, નિવાસી અધિક કલેક્ટરશ્રી કેતન ઠક્કર, પ્રાંત અધિકારી કે.જી. ચૌધરી, પ્રાંત અધિકારી ડો. સંદીપ વર્મા, ગ્રામીણ પ્રાંત અધિકારી વિરેન્દ્ર દેસાઈ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ, સ્ટોલ્સ માટે અરજી કરનારા અરજદારો, પત્રકારો વગેરેની હાજરીમાં કમ્પ્યુટરાઈઝ સોફ્ટવેરથી ડ્રો કરવામાં આવ્યો હતો.

લોકમેળામાં પાંચ કેટેગરીમાં સ્ટોલ્સની ફાળવણી કરવામાં આવી છે. સૌથી વધુ 1563 અરજીઓ રમકડાં માટેની બી-કેટેગરીમાં આવી હતી. જેમાં 178 સ્ટોલ્સ ફાળવાયા છે. નાની ખાણીપીણી માટેની સી-કેટેગરીમાં 77 અરજીઓ સામે 14 સ્ટોલ્સ ફાળવાયા છે. મધ્યમ ચકરડી માટેની જે-કેટેગરીમાં 48 અરજીઓ સામે ચાર સ્ટોલ્સ ફાળવાયા છે. નાની ચકરડી માટેની કે-કેટેગરીમાં 39 અરજીઓ સામે 28 સ્ટોલ્સ ફાળવાયા છે. જ્યારે નાની ચકરડી2-2 માટેની કે-કેટેગરીમાં 22 અરજીઓ સામે 20 સ્ટોલ્સ ફાળવાયા છે.

ડ્રો પૂર્વે જિલ્લા કલેક્ટરએ લોકમેળા અમલીકરણ સમિતિ પાસેથી મેળાના આયોજન, સ્ટોલ્સ ફાળવણી સહિતની વિગતો જાણીને સમીક્ષા કરી હતી, તેમજ લોકો લોકમેળાનો આનંદ માણી શકે તે માટે સુચારુ વ્યવસ્થા ગોઠવવા વહીવટી તંત્રને માર્ગદર્શન આપ્યું હતું. આ તકે કલેક્ટરએ જણાવ્યું હતું કે, કેન્દ્ર તથા રાજ્ય સરકારના સ્ટોલ્સની ફાળવણી હવે પછી થશે. જ્યારે મોટી યાંત્રિક રાઇડ્સ માટે આવતીકાલે હરરાજી કરવામાં આવશે. લોકમેળાના નામકરણ અંગે તેમણે કહ્યું હતું કે, નામ બાબતે ગઈકાલ સુધીમાં 700થી વધુ અરજીઓ આવી છે. જેની ચકાસણી ચાલી રહી છે. સંપૂર્ણપણે લોકભાગીદારીથી અને લોકોનો અભિપ્રાય લઈને મેળાનું નામ રખાશે.