Abtak Media Google News

રાજકોટને શર્મસાર કરતી સિવિલ કોવિડ હોસ્પિટલમાં થયેલી દુષ્કર્મની ઘટનામાં ભોગ બનનાર પ્રૌઢાએ ગઈ કાલે સારવારમાં દમ તોડતા પરિવારમાં ગમગીની છવાઈ છે. મહિલાનો ફોરેન્સિક રિપોર્ટ આવે તે પહેલાં જ દમ તોડ્યો હતો. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના સિવિલના કોવિડ વોર્ડમાં દાખલ પ્રૌઢા પર હોસ્પિટલના એટેન્ડન્ટે દુષ્કર્મ આચર્યાની ઘટનાએ રાજ્યભરમાં રાજકોટ સિવિલ હોસ્પિટલને શર્મસાર કરી હતી. પોલીસે આરોપીની ઓળખ મેળવી લઇ તેની ધરપકડ કરી હતી. જેમાં કોવિડ હોસ્પિટલમાં મહિલાનું મૃત્યુ થયું છે. જેથી પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો.

આજથી ૧૪ દિવસ પહેલા શહેરની કોવિડ હોસ્પિટલમાં પ્રોઢા સાથે હોસ્પિટલમાં જ કામ કરતા અટેન્ડન્ટે બળાત્કાર ગુજાર્યાની પોલીસ ફરિયાદ નોંધાય હતી. જોકે પોલીસે ભોગ બનનાર મહિલાની પૂછપરછ કરતા અટેન્ડન્ટ પોતે કરેલા પાપની કબૂલાત આપી હતી. હાલ આરોપી પોલીસની સકંજામાં છે. ઘટના બાદ પોલીસે આરોપીના મેડિકલ ચેકઅપ અને ભોગ બનનાર મહિલાનો ફોરેન્સિક રિપોર્ટ કરાવ્યો હતો. પરંતુ રિપોર્ટ આવે તે પહેલાં જ મહિલાએ દમ તોડ્યો છે.

પોલીસના કહેવા પ્રમાણે ભોગ બનનાર મહિલાનો કોરોના રિપોર્ટ નેગેટિવ હતો. પરંતુ તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. જેના કારણે તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ત્યારે જ હિતેષ નામનો શખ્સ તેની પાસે આવ્યો અને કેમ જાગો છો તેવું કહીને તેની મદદ કરવા માટે આગળ આવ્યો હતો. જોકે ત્યારબાદ અટેન્ડન્ટે લાઇટ બંધ કરીને તેના પર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.