Abtak Media Google News

અબતક,રાજકોટ

રાજકોટ શહેરને વ્યાજખોરોએ અજગર ભરડો લીધો છે. પોલીસ તંત્ર વ્યાજખોરોના દુષણને ડામવા લોકદરબાર યોજી અસરકારક કામગીરી કરી રહી છે. આમ છતા વ્યાજખોરોનું દુષણ કાબુમાં આવતુ નથી ત્યારે વાણીયાવાડીમાં રહેતા વણીક વેપારીને પાનના ધંધાર્થીએ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી ચેક લખાવી લીધાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ વાણીયાવાડી શેરી નં.1/6માં રહેતા અને કાપડ, જમીન મકાન, અને શેર બજારનાં ધંધાર્થી રાજીવ મુળજીભાઈ કોઠારી ઉ.51 નામના વણીક વેપારીએ ભકિતનગર પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે કોલેજીયન પાનવાળા ભરતભાઈ પરમારનું નામ આપ્યું છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વણીક વેપારીએ ધંધાર્થે ત્રણ વર્ષ પહેલા કટકે કટકે 9 લાખ રૂપીયા બે ટકાના વ્યાજે આરોપી પાસેથી લીધા હતા જેનું સમયસર વ્યાજ નહી ચૂકવી શકતા વેપારીને ભકિતનગર સર્કલ પાસે આવેલ કોલેજીયન પાન પર બોલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી ચેક લખાવી લીધા હતા.

કોલેજીયન પાનવાળા સામે મનીલેન્ડ એકટ સહિતની કલમો હેઠળ નોંધાતો ગુનો

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વણીક વેપારીએ વ્યાજે લીધેલા નાણા પેટે સીકયુરીટીમાં 2300 શેર સર્ટીફીકેટ આરોપીના ડીમેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા. આ ઉપરાંત 2 લાખ 5 લાખના પોતાના ચેક અને 5 લાખનો મિત્ર સંદીપ અને 2 લાખનો મિત્ર કૌશીકના એકાઉન્ટનો ચેક આપ્યો હતો.

છેલ્લા ત્રણ માસથી ધંધો બરોબર ચાલતો ન હોય વ્યાજ સમયસર ચૂકવી નહી શકતા વણીક વેપારીને આરોપીએ દુકાને બોલાવી મિત્રની હાજરીમાં બેફામ ગાળો દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી વ્યાજની પઠાણી ઉઘરાણરી કરી હતી.

કોલેજીયન પાનવાળાની ધમકીથી ગભરાઈ જઈ વણીક વેપારીએ શેઠ હાઈસ્કુલ સામે બગીચામાં દવાનો ઓવરડોઝ લઈ આત્મહત્યાનો પ્રયાસ કયો હતો જેને સારવાર અર્થે પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ પોલીસે ગુનો નોંધ્યો હતો.આ બનાવની તપાસ ભકિતનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.એન. હાથલીયા ચલાવી રહ્યા છે. અને આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.