Abtak Media Google News

લાઈનમેનની બેદરકારીએ લીંબડીના આશાસ્પદ યુવકનો ભોગ લીધો: પરિવારમાં આક્રંદ

ભોગ બનનાર પરિવારને અનેક ધક્કા ખવડાવ્યા: રાજકીય દબાણ બાદ પોલીસે ફરિયાદ નોંધી

રાજકોટના ભાગોળે આવેલા તરધડિયા ગામે દોઢ માસ પહેલા વાડીમાં વીજશોક લાગતા લીંબડીના આશાસ્પદ યુવાનનું મોત નિપજ્યું હતું. લાઇનમેનની બેદરકારીએ લીંબડીના યુવાનનો ભોગ લેતાં પોલીસે લાઈન મેન સામે બેદરકારીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે. પરંતુ બનાવના દોઢ માસ વિતી ગયા છતાં પોલીસે ફરિયાદ નોંધી ન હતી આખરે ભોગ બનનાર પરિવારજનોએ રાજકીય આગેવાનનો સહારો લેતા પોલીસે દબાણમાં આખરે ગુનો નોંધ્યો હોવાનુ જાણવા મળ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લીંબડીના ઉટડી ગામે મારૂતિનગરમાં રહેતા અને કુવાડવા ગામ ખાતે પીજીવિસીએલ વિભાગમાં એપ્રેન્ટીન્સ કરતા મેહુલ ઘનશ્યામભાઈ માળી નામનો 22 વર્ષીય યુવાન ગત તા.28મી માર્ચના રોજ તરધડિયા ગામે ખીમજીભાઇની વાડીમાં ટી.સી.ના ફોલ્ટનું કામ કરવા જતાં તેને વીજશોક લાગતા તેનું મોત નિપજ્યું હતું.

જેમાં પોલીસે લાઈન મેન એ.સી.જેઠવા નામના કર્મી સામે 11 કેવિની રૈયારાજ વાળો પાવર સપ્લાય બંધ કરવાને બદલે અન્ય પાવર સપ્લાય બંધ કરતા કોઈ પણ પ્રકારની સેફ્ટી રાખ્યા વગર મેહુલ માળીને થાંભલે ચડાવતા વીજશોક લાગતા મોત નિપજતા બેદરકારી સામે આવી હોવાની ફરિયાદ નોંધી છે.

આ બનવા અંગે જાણ થતાં પીજીવિસીએલના ડી.એન.પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. ત્યાર બાદ મૃતક યુવકના પરિવારજનોએ જણાવ્યું હતું કે બેદરકારીનો ગુનો દાખલ કરવા અંગે પોલીસ દ્વારા અનેક વખત ધક્કા ખવડાવ્યા હતા. આખરે ભોગ બનનાર પરિવારજનોએ રાજકીય આગેવાનનો સહારો લીધા બાદ પોલીસે ફરિયાદ દાખલ કરી હતી.

મૃતક મેહુલ માળીના પિતા ઘનશ્યામભાઈ લીંબડીમાં ઇલેક્ટ્રિકની દુકાન ધરાવે છે. મેહુલના મોટા ભાઈ પણ માનસિક અસ્થિર હોવાનુ અને ઘરનો દારોમદાર મેહુલ પર હોવાનુ જાણવા મળ્યુ હતું. પરંતુ આશાસ્પદ યુવાન બેદરકારીનો ભોગ બનતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

રાજકીય આગેવાનના દબાણ બાદ પોલીસે ફરિયાદ નોંધી

મૃતક મેહુલ માળીના પિતા ઘનશ્યામભાઈ માળીએ જણાવ્યું હતું કે ઘટનાને અનેક દિવસો વીતી ગયા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જ્યારે પણ પોલીસ ફરિયાદ નોંધવા માટે ભોગ બનનાર પરિવારજનો જતા હતા ત્યારે હાલ ફરિયાદ નહિ થઈ શકે જેવા અને બહાના બતાવી પોલીસે પરિવારજનોને લીંબડીની અનેક ધક્કા ખવડાવ્યા હોવાનું પણ જણાવ્યું હતું. આખરે આશાસ્પદ યુવાનના પરિવારજનોએ રાજકીય આગેવાનનો સહારો લીધો હતો અને આખરે પોલીસે બેદરકારીનો ગુનો દાખલ કર્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.