રાજકોટ: અટલ સરોવર ડેવલપમેન્ટની કામગીરી ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થવાની સંભાવના

મેયર ડો.પ્રદિપ ડવ સહિતના પદાધિકારીઓએ અટલ સરોવરની મુલાકાત લઇ કર્યું વૃક્ષારોપણ

શહેરને કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સિટીમાં સમાવેશ કરવામાં આવેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયા વિસ્તારમાં ટી.પી.સ્કીમ નં.32માં સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટની કામગીરી ચાલુ છે. આજ વિસ્તારમાં શહેરના નગરજનોને ફરવાનું નવું નજરાણું મળે તે માટે અટલ સરોવર ડેવલોપમેન્ટની કામગીરી ચાલી રહી છે. જેના અનુસંધાને તેની સ્થળ મુલાકાત તેમજ ત્યાં ખાતે વૃક્ષારોપણ કરતા મેયર ડો.પ્રદિપ ડવ, રાજકોટ શહેર ભાજપ કમલેશભાઈ મિરાણી, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, ડે.કમિશ્નર સી.કે.નંદાણી, સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટના અધિકારી વાય.કે.ગોસ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અટલ સરોવરનું કુલ ક્ષેત્રફળ 2,93,457 ચો.મી. છે.

જેમાં વોટર બોડીનો કુલ વિસ્તાર 92,837 ચો.મી. છે. આશરે 136 કરોડના ખર્ચે ડેવલોપ કરવામાં આવી રહ્યુ છે અને એજન્સી દ્વારા 15 વર્ષ સુધી અટલ સરોવરની નિભાવ મરામતની જવાબદારી રહેશે. જેમાં, ગાર્ડન, લેન્ડસ્કેપિંગ, બોટોનિકલ ગાર્ડન, બોટોનિકલ ક્લોક, સાઈકલ ટ્રેક, પાર્કિંગ એરિયા, વોલ્ક-વે, પાર્ટી પ્લોટ, ટોય ટ્રેઇન, ફેરીસવ્હીલ, એમ્ફીથીયેટર, પાર્ટી લોન, ફૂડ કોર્ટ, ગ્રામ હાટ, મોન્યુમેન્ટલ ફ્લેગ વગેરે જેવી અનેક સુવિધા ઉપલબ્ધ કરાશે. અટલ સરોવર ડેવલોપમેન્ટથી રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારના લોકોને હરવા ફરવા માટેનું એક નવું સ્થળ મળી રહેશે.60% થી વધુ કામગીરી થઈ ગયેલ છે.

આગામી ઓક્ટોબર-2022 સુધીમાં અટલ સરોવર ડેવલોપમેન્ટની કામગીરી પૂર્ણ થશે. કામગીરી ઓક્ટોબર પહેલા પૂર્ણ થાય તે માટે પદાધિકારીઓએ અધિકારીઓને તાકીદ કરી હતી. સ્માર્ટ સિટી એરિયા એવા રૈયા વિસ્તારમાં અટલ સરોવર ઉપરાંત અન્ય બે સરોવર પણ આવેલા છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટની પસંદગી સ્માર્ટ સિટી તરીકે કરવામાં આવી હોય કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે અલગ-અલગ વિકાસ કામો ચાલી રહ્યા છે. અટલ સરોવર ડેવલોપમેન્ટનું કામ પૂર્ણ થયા બાદ રાજકોટવાસીઓને એક નવું જ ફરવા લાયક સ્થળ મળી રહેશે. અહીં રેસકોર્ષ-2 પણ નિર્માણ પામી રહ્યું છે. અબજો રૂપિયાના ખર્ચે અલગ-અલગ વિકાસ કામોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આજે મેયર ડો.પ્રદિપ ડવ સહિતના પદાધિકારીઓએ અટલ સરોવરની સાઇટ વિઝીટ લીધી હતી અને અહીં વૃક્ષારોપણ કર્યું હતું. નિયત સમય મર્યાદામાં ઓક્ટોબર પહેલા કામગીરી પૂર્ણ થાય તેવી પણ તાકીદ કરવામાં આવી છે.