Abtak Media Google News

મુસાફર રિક્ષાની ઓળખ મેળવી શકે તેવી વ્યવસ્થા કરાતા ગુનાખોરી અટકશે

રિક્ષામાં મુસાફરનો કિંમતી માલ-સામાનની ચોરી થવાની અને નજર ચુકવી સેરવી લેવાની ઘટના અવાર નવાર પ્રકાશમાં આવતી હોવાથી ચોરીના બનાવ અટકાવવા બી ડિવિઝન પોલીસ દ્વારા નિર્ભય સવારી શરૂ કરાવી છે. મુસાફર રિક્ષા અને ચાલકને સરળતાથી ઓળખી શકે અને રિક્ષા ચાલકો પણ ગુનાખોરીથી દુર રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના ગ્રીનલેન્ડ ચોકડી, સંત કબીર રોડનું નાલુ, પારેવડી ચોક અને બેડી ચોકડી ખાતેથી મુસાફરો રિક્ષામાં પોતાના નિવાસ સ્થાને જતા હોય છે અને કામના સ્થળે જતા હોવાથી પીક-અપ સ્ટેન્ડ પર ઉભી રહેતી રિક્ષાની પાછળ પોલીસ સ્ટેશનનું નામ, રિક્ષા ચાલકનું નામ અને સરનામું લખવાથી મુસાફરો રિક્ષા અને ચાલકને ઓળખી શકે છે.

તમામ રિક્ષા ચાલકો બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ રહેતા હોવાથી તેની ઓળખ થઇ શકે તે માટે પોલીસ મથકે એક રજીસ્ટર પણ રાખવામાં આવ્યું હોવાથી માલ સામાનની ચોરીની ઘટના ઉપરાંત મહિલાની છેડતી અને ચેનસ્નેચીંગના બનાવ અટાવી શકાય તેમ હોવાનું બી ડિવિઝન પોલીસ મથકના પી.આઇ. એમ.બી.ઔસુરાએ જણાવ્યું છે.

છેલ્લા ઘણા સમયથી રિક્ષામાં સવાર મુસાફરોને ટાર્ગેટ બનાવી ગઠીયાઓ તેમના ખિસ્સા હળવા કરતા હોવાની અનેક ફરીયાદો સામે આવી હતી જેના કારણે હવે પોલીસે વધુ એક સતર્કતાનું પગલું માંડયું છે.

જેના કારણે હવે મુસાફર કઇ રિક્ષામાં બેસે છે તેની તમામ જાણકારીથી પોતે વાકેફ રહી શકશે અને રિક્ષામાં બેસતા મુસાફરોના ખિસ્સા હળવા કરતા ગઠીયાઓમાં પણ ભયનો માહોલ દેખાય રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.