રાજકોટ: બેંક કર્મીનો 70 લાખનો પ્લોટ બારોબાર ચાઉં કરી જનારા ભૂમાફિયા ભોંય ભેગા, મહિલા સહિત 3ની ધરપકડ

અન્યોની જમીન પર પોતાનો ગેરકાયદે કબ્જો જમાવી માલિક બનવાના પ્રયાસમાં રાચતા ભૂમાફિયાઓ વધ્યા છે. એમાં પણ રાજકોટમાં ભૂમાફિયાઓ જાણે ફૂલ્યા ફાટયા હોય તેમ કેસ નોંધાઈ રહ્યા છે. શહેરના યુનિવર્સીટી પોલીસ મથક તો જાણે લેન્ડ ગ્રેબિંગ કેસનું મોટું મથક બની ગયું હોય તેમ ફરિયાદો વધી છે. રાજકોટમાં છેલ્લા 6 દિવસમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ચોથી ફરિયાદ નોંધાઇ છે. એમાં પણ આ ૪માંથી ૩ ફરિયાદ તો યુનિવર્સીટી પોલીસ મથકમાં નોંધાઇ છે. રંગીલા રાજકોટમાં જમીન પચાવી પાડવામાં પણ મહિલાઓ અગ્રેસર છે તે આ ખોટા કુલમુખત્યારનામાના આધારે બોગસ દસ્તાવેજના કૌભાંડમાં સાબિત થઈ છે. બેંક અધિકારીનો 70 લાખનો પ્લોટ પચાવી પાડનાર એક મહિલા સહિત 4 ભૂમાફિયાઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબીગ એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો છે. ગાંધીગ્રામ પોલીસે આ મહિલા સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે હજુ એક આરોપીની અટકાયત માટે શોધખોળ ચાલુ છે.

મૃતક મહિલાના નામનું કુલમુખત્યારનામું બનાવી આચર્યુ જમીન કૌભાંડ

રાજ્ય સરકાર દ્વારા લેન્ડ ગ્રેબીંગ અંગેના કાયદો કડક બનાવી ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા આદેશ જારી કરાયા છે. જેના પગલે જિલ્લા કલેકટર દ્વારા બનેલી કમિટીમાં જરૂરી તપાસમાં વધુ એક જમીન કૌભાંડ બહાર આવ્યું છે. છેલ્લા છ દિવસમાં ચાર ગુના જમીન કૌભાંડ અંગે પોલીસમાં નોંધાયા છે. સૌરષ્ટ્ર યુનિર્વસિટી કર્મચારી સોસાયટીના કરોડોની કિંમતના જમીનના બોગસ દસ્તાવેજ બનાવી મહિલા સહિત ચાર શખ્સોએ બારોબાર વેચી નાખ્યા અંગેની કલેકટર કચેરીમાં કરેલી અરજીની કમિટી દ્વારા તપાસના અંતે 3 ભુમાફિયાની ધરપકડ થઈ છે જ્યારે 1એક આરોપીની શોધખોળ ચાલુ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદમાં બોડકદેવ વિસ્તારમાં આવેલી સ્નેહ સૃષ્ટી એપાર્ટમેન્ટમાં રહેતા અને એચ.એસ.બીસી બેન્કમાં ફરજ બજાવતા વિશાલ અમૃતભાઇ કોઠારીએ ઉદયનગરમાં રહેતા પ્રજ્ઞાબેન આશિષભાઇ રાવલ, ત્રંબા ગામે રહેતા અરજણ નાથા માટીયા, સુખરામનગરમાં રહેતા અશોક મસા માટીયા અને ઠેબચડાના ખોડા રાઘવ બાંભવા નામના શખ્સો સામે યુનિર્વસિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

વિશાલભાઇ કોઠારીના માસી પ્રફુલાબેનની માલીકીનો રૈયા સર્વે નંબર 26ની સૌરાષ્ટ્ર યુનિર્વસિટી કર્મચારી કો.ઓ.હાઉસીંગ સોસાયટીના પ્લોટ નંબર 12ની 200 ચોરસ મીટર જમીનના પ્લોટ આવ્યો છે. તા.20-5-97ના રોજ પ્રજ્ઞાબેન આશિષભાઇ રાવલના નામનુ બોગસ કુલમુખત્યારનામું બનાવી દસ્તાવેજમાં ચેક ચાક કરી 1-5-2019ના રોજ સબ રજીસ્ટાર ઓફિસમાં સોગંદનામું રજુ કર્યુ હતું. પરંતુ પ્રફુલાબેનનું તા.2-9-2008ના રોજ અવસાન થયુ હતું. આ બોગસ દસ્તાવેજમાં અરજણ નાથા માટીયાને વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. વેચાણ દસ્તાવેજમાં અશોક માટીયા અને ખોડા બાંભવાએ ખોટી ઓળખ આપી સાક્ષીમાં સહી કરી હતી.

પફુલાબેનના માલિકીના પ્લોટનું વિશાલભાઇ કોઠારીને કુલમુખત્યારનામું આપ્યું હતું. જેના આધારે કલેકટર કચેરીના અરજી કરી હતી. કાયદા હેઠળ નિમાયેલી સમતીએ ગુનો નોંધવા ભલામણ કરતા યુનિર્વસિટી પોલીસમાં ચારેય સામે જમીન કૌભાંડ અંગેનો ગુનો નોંધાયો હતો. 3ની ધરપકફ કરી પશ્ર્ચિમ વિભાગના એસીપી પી.કે.દિયોરાએ વધુ તપાસ હાથધરી છે.