રાજકોટ ભાજપ અગ્રણીના પૂત્ર સહિત ચાર રૂ. 1.96 લાખના ડ્રગ્સ સાથે ઝડપાયા

મલાતજ નજીક એમ.ડી ડ્રગ્સ સાથે પાર્ટી યોજવા જતા હોવાની પોલીસને શંકા

સોજિત્રાના મલાતજથી ડભોઇ જવાના રોડ પરથી આણંદ એસઓજીએ બાતમીના આધારે રાજકોટ તાલુકા ભાજપના મંત્રીના પુત્ર સહિત ચાર શખ્સને રૂપિયા 1.96 લાખની કિંમતના 19.680 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી પોલીસે તમામની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.ચારેય શખ્સો મલાતજમાં ડ્રગ્સ પાર્ટી કરવા જતાં હોવાનું પોલીસને શંકા જતા તેને તે દિશામાં તપાસ હાથધરી છે.

વિગતો મુજબ આણંદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર જી.એન. પરમાર સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતાં તે દરમિયાન બાતમી મળી હતી કે, સોજિત્રાના મલાતજથી ડભોઉ જવાના રસ્તેથી પસાર થઈ રહેલી ગાડી નં.જીજે 03 એલબી 0034માં ચારેક જેટલા શખસ એમડીએમએ, મેથા એમફેટામાઇન, એમ્ફેટામાઇન ડેરીવેટીવ્સ ડ્રગ્સ લઇને આવવાના છે.

આ બાતમી આધારે એસઓજીએ મલાતજથી ડભોઉ જવાના રોડ ઉપર આવેલા પેટ્રોલ પંપ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ગાડી આવતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ગાડીને કોર્ડન કરી રોકી હતી. આ ગાડીની તલાસી લેતા તેમાં ચાર શખસ પાસેથી અલગ અલગ પ્રમાણમાં પાર્ટી ડ્રગ્સ 19.680 ગ્રામ જેટલું મળી આવ્યું છે. જેની કિંમત રૂ.1,96,800 જેટલી થવા જાય છે.

આ ગાડીમાં સવાર ચાર શખસની પુછપરછ કરતાં તે તુષાર ઉર્ફે ભુરો જીવરાજ સાંગાણી, રોહન શૈલેષ વસોયા, મોહિત ઉર્ફે ટકો હંસરાજ પરસાણા અને રોહન સુરેશ રૈયાણી (તમામ રહે. રાજકોટ) હોવાનું જણાવ્યું હતું. આ અંગે સોજિત્રા પોલીસ મથકે ચારેય સામે ગુનો નોંધી વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. જ્યારે સમગ્ર કેસમાં ડ્રગ્સ, મોબાઇલ, કાર સહિત કુલ રૂ.5.22 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.