રાજકોટ: આવતીકાલે શહેરના તમામ 991 બૂથમાં ભાજપનો ભગવો લહેરાશે

17 કરોડ સભ્યો સાથે વિશ્ર્વની સૌથી મોટી રાજકીય પાર્ટીના 42મા સ્થાપના દિવસની ઉજવણી કરવા શહેર ભાજપમાં અનેરો થનગનાટ

આવતીકાલે ભારતીય જનતા પાર્ટીનો 42મો સ્થાપના દિવસ છે ત્યારે પ્રદેશ ભાજપની યોજના અનુસાર અને રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષ્ સી.આર. પાટીલજીનાં માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતભરમાં વિવિધ સેવાકીય કાર્યક્રમોનાં માધ્યમથી ઉજવણી કરવામાં આવનાર છે તે અંતર્ગત આવતીકાલે શહેર ભાજપ દ્વારા શહેરનાં તમામ 991 બુથમાં ભાજપનાં કાર્યર્ક્તાઓ દવારા પોતાના ઘર પર ભાજપનો ભગવો લહેરાવી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે.

આ અંતર્ગત વધુ માહિતી આપતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, શહેર મહામંત્રી જીતુ કોઠારી તથા કિશોર રાઠોડે જણાવ્યુ હતું કે છઠી એપ્રિલ 1980નાં રોજ મુંબઈનાં સમતાનગર ખાતે અટલ બીહારી વાજપેયીજીનાં નેતૃત્વમાં 11 સભ્યોથી સ્થપાયેલી ભારતીય જનતા પાર્ટી આજે નરેન્દ્રભાઈ મોદી, અમીતભાઈ શાહ અને જે.પી નડ્ડાનાં નેતૃત્વમાં 17 કરોડ સભ્યો સાથે વિશ્ર્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે ત્યારે તેનાં પાયામાં સંઘ અને જનસંઘની વિચારધારા તેની અર્પણ, તર્પણ અને સમર્પણની ભાવનાઓ અને તપ ત્યાગ અને બલીદાનોનાં  સિંચાયેલી પાર્ટી આજે વટવૃક્ષ્ બની છે ત્યારે દેશમાં નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં તથા અન્ય રાજયોમાં ભારતીય જનતા પાર્ટીની સરકારો દ્વારા સર્વાંગી વિકાસની સાથે વિશ્ર્વમાં દેશનું ગૌરવ વધી રહયું છે.

ભાજપના સ્થાપના દિનની પ્રજાજનો-કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવતા રાજુ ધ્રુવ

બીજમાંથી વટવૃક્ષ બનવું એટલે શું, એની કોઇ વ્યાખ્યા પૂછે તો સીધો જવાબ એ મળે કે ભારતીય જનતા પાર્ટી. આજથી 4ર વર્ષ પહેલાં એક વિચારબીજ, રાષ્ટ્રીય ભાવનાથી તરબતર, દેશભક્તિથી છલોછલ એક વિચાર દેશભક્ત નેતાઓએ વાવ્યો અને આજે એ દુનિયાભરમાં ફેલાઇ ચૂક્યો છે. દેશમાં વસતા લાખો કાર્યકર્તા અને વિદેશમાં વસતા હજારો હિતેચ્છુઓ માટે 6 એપ્રિલ મહત્વનો દિવસ છે. ભારતીય જનતા પાર્ટીનો આ સ્થાપના દિવસ છે. કોઇ રાજકીય પક્ષ સામાજિક ઉત્કર્ષના ઉદ્દેશ્ય સાથે દાયકાઓ સુધી કામ કરે અને એમાં સફળ પણ થાય. જેના માટે સત્તા તદ્દન ગૌણ, સમરસતા જ મુખ્ય એવો એક પક્ષ ફૂલેફાલે એ પક્ષના સ્થાપકોની સિદ્ધિ છે અને લાખો કાર્યકર્તાઓના પરિશ્રમ અને પ્રેમનું પરિણામ છે એવું ભાજપના સૌરાષ્ટ્રના પ્રવક્તા રાજુભાઇ ધ્રુવે જણાવ્યું હતું.

રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું છે કે, દરેક ધર્મ,સંપ્રદાય અને સમાજ માટે સમભાવ તેમજ રાષ્ટ્ર માટે સેવાભાવ રાખનાર ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર હોવાનું ગૌરવ એ દેશહિત માટે જીવન સમર્પિત કરવાનું ગૌરવ છે. ભાજપની પંચનિષ્ઠાઓ  સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ,લોકતંત્ર, એકાત્મ માનવદર્શન, સર્વધર્મ સમભાવ અને મુલ્ય આધારિત રાજનીતિએ ભારતની ઐતિહાસિક,અને સાંસ્કૃતિક ધરોહરનો વિશ્વને પરિચય આપ્યો છે.