રાજકોટ: ભેંસનું દૂધ-ફેટ સ્પ્રેડનો નમૂનો ફેઇલ: નોનવેજ રેસ્ટોરન્ટમાંથી વાસી ખોરાક મળ્યો

ખાદ્ય સામગ્રીના નમૂના ફેઇલ જતાં વેપારી-ઉત્પાદક પેઢીઓને 1.15 લાખનો દંડ: નોનવેજના નમૂના લેવાયાં

કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા જે-તે સમયે લેવામાં આવેલા ફેટ સ્પ્રેડ અને ભેંસના દૂધના નમૂના લેવામાં આવ્યા હતા. જે પરિક્ષણ દરમિયાન સબ સ્ટાન્ડર્ડ જાહેર થતાં વેપારીઓ અને ઉત્પાદક પેઢીઓને આકરો દંડ ફટકારવામાં આવ્યો છે. નોનવેજ રેસ્ટોરન્ટમાં ચેકીંગ હાથ ધરવામાં આવતા વાસી ખોરાકનો જથ્થો મળી આવ્યો હતો.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા ભક્તિનગર સ્ટેશન પ્લોટ-5માં કિશોર એન્ડ કંપનીના કેન્કો હાઉસમાંથી માઇક્રો લાઇટ પ્રિમિયમ ફેટ સ્પ્રેડનો નમૂનો લેવામાં આવ્યો હતો. જે પરિક્ષણ દરમિયાન સબ સ્ટાન્ડર્ડ જાહેર થતાં નમૂનો આપનાર પેઢીના માલિક રશ્મિકાંત કિશોરકાંત ગોડાને રૂ.10 હજાર, ઉત્પાદક પેઢીના નોમિની મહેન્દ્રભાઇ છોટાભાઇ પટેલને રૂ.10 હજાર અને ઉત્પાદક પેઢી ગગ્ગર ફૂડ પ્રાઇવેટ લીમીટેડને રૂ.50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત 150 ફૂટ રીંગ રોડ પર ગોવર્ધન ચોકમાં ક્રિષ્ના કોમ્પ્લેક્સમાં શ્રીજી ડેરી ફાર્મમાંથી લૂઝ ભેંસના દૂધનો નમૂનો લેવામાં આવ્યો હતો. લેબોરેટરી રિપોર્ટ દરમિયાન ફોરેન ફેટની હાજરી મળી આવતા નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો છે અને ડેરીના માલિક દિપેશ કુમાર મેઘપરાને રૂ.5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ભાવનગર રોડ પર ચુનારાવાડ ચોકમાં મુબારક નોનવેજ રેસ્ટોરન્ટમાં ચેકીંગ દરમ્યાન 8 કિલો નોનવેજ ફૂડનો નમૂનો મળી આવતા તેનો નાશ કરી હાઇજેનીંક ક્ધડીશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી છે. જ્યારે પેડક રોડ બાલક હનુમાન ચોકમાં વિષ્ણુ ખમણ પેઢીમાં ચેકીંગ દરમિયાન બે કિલો વાસી ઇડલીનો જથ્થો મળી આવતા તેનો નાશ કરી નોટિસ આપવામાં આવી છે. સદર બજારમાં વિનોદ બેકરીની સામે બિસ્મીલ્લાહ રેસ્ટોરન્ટમાંથી બોનલેસ ચીકન મસાલા સબ્જી અને હુસેની કેટરર્સમાંથી ચીકન બિરીયાનીનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકવામાં આવ્યો છે.

ફૂડ સેફ્ટી ઓન વ્હીકલ વાન સાથે નહેરુનગર અને 50 ફૂટ રોડ પર અલગ-અલગ 17 પેઢીઓમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. 9 નમૂનાઓનું સ્થળ પર ચેકીંગ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જય મંદિર કોલ્ડ્રીંક્સ, જય કોલ્ડ્રીંક્સ, ખોડીયાર કોલ્ડ્રીંક્સ, એસએસ દાળ પકવાન, સદ્ગુરૂ કોલ્ડ્રીંક્સ, ભવાની ફરસાણ, શિવ ફરસાણ, બાપા સિતારામ ટી સ્ટોલ અને ખોડિયાર પાનને નોટિસ ફટકારવામાં આવી હતી.