Abtak Media Google News

આર્થિક કારણોસર ઉચ્ચ અભ્યાસ  અટકશે નહિ: શૈલેષભાઈ ઠાકર

સામાજિક ઉત્તરદાયિત્વ સાથે કાર્ય કરતી, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા માર્ચ 2022માં ધો. 12ની પરીક્ષામાં ઉર્તીણ વિદ્યાર્થીઓનાં ઉચ્ચ અભ્યાસ માટે મદદરૂપ થવા સ્કોલરશીપ (આર્થિક સહાય) યોજના શરૂ છે.

આ અંગે બેંકના ચેરમેન શૈલેષભાઇ ઠાકર અને વાઇસ ચેરમેન જીમ્મીભાઇ દક્ષીણીની સંયુક્ત યાદી જણાવે છે કે, ‘આજનાં સમયમાં આર્થિક કારણોસર અનેક તેજસ્વી વિદ્યાર્થીઓના અભ્યાસમાં વિટંબણા આવે છે. આ નિવારવા ઉચ્ચ અભ્યાસ અર્થે બેંકની સ્કોલરશીપ (આર્થિક સહાય) યોજના શરૂ છે.’

યોજનાની વિસ્તૃત વિગત જણાવીએ તો, સભાસદ કે તેમનાં સંતાનો કે જે માર્ચ 2022માં લેવાયેલ ધો. 12ની પરીક્ષામાં ઉર્તીણ થયેલા હોય, તેવા વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી શકશે. સામાન્ય કેટેગરીમાં એ-1 અને એ-2 ગ્રેડ મેળવેલ વિદ્યાર્થીઓ અને આર્થિક પછાતની કેટેગરીમાં એ-1, એ-2, બી-1 અને બી-2 ગ્રેડ મેળવેલા વિદ્યાર્થીઓ માન્ય ગણાશે.

આ માટેનાં નિયત ફોર્મનું વિતરણ શરૂ છે. ફોર્મ રાજકોટ શહેરની અને બહારગામની તમામ શાખાઓમાંથી (બીજો-ચોથો શનિવાર, રવિવાર અને જાહેર રજાના દિવસો સિવાય) મળી શકે છે. સ્કોલરશીપનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીનું બચત ખાતુ હોવું જરૂરી છે. ફોર્મ વિતરણ તા. 10 જુલાઇ 2022 સુધી શરૂ રહેશે. ફોર્મમાં સંપુર્ણ વિગતો (ફોન/મોબાઇલ નંબર) ભરી પરત આપવાની અંતિમ તા. 15 જુલાઇ 2022 છે. ફોર્મ માટેનો સમય સોમવારથી શનિવાર સવારના 11 થી 4નો રહેશે.

ફોર્મ પરત બહારગામમાં જે તે શાખામાં અને રાજકોટ શહેરમાં ફક્ત રાજકોટ નાગરિક સહકારી બેંક લિ., હેડ ઓફિસ, ‘અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય’, સેક્રેટરી વિભાગ, ચોથો માળ, 150’ રીંગ રોડ, રૈયા સર્કલ પાસે, રાજકોટ ખાતે જ આપવાના રહેશે.

ખાસ, શૈક્ષણિક પુરસ્કાર યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીનું અથવા માતા કે પિતાનું સભ્યપદ જ માન્ય ગણાય છે. મેરિટ મુજબ 200 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે બેંક દ્વારા 10 વર્ષથી 18 વર્ષ સુધીના માયનોર બાળકોના બચત ખાતા ખોલી નિયત રકમનાં વ્યવહાર સાથે સ્વતંત્ર રીતે બેંકંગ કરવાની સુવિધા આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.