Abtak Media Google News

વીજશોક લાગ્યા બાદ અમરેલીથી આવેલા દર્દીને દાખલ કરવામાં તબીબોની ખો-ખો

માનસિક વિભાગના તબીબોએ દાખલ કરવા જણાવ્યું: ઇમરજન્સી વિભાગના તબીબોએ ‘કઈ નથી’ કહી ઘરે તગેડ્યા

રાજકોટની પીડિયુ સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે કેન્દ્રસ્થાન પર હોવાથી રોજબરોજ હજારોની સંખ્યામાં દર્દીઓ ઠેર ઠેર ગામડાઓથી આવતા હોય છે. ત્યારે તબીબો વચ્ચેના સવાંદના અભાવને કારણે અનેક દર્દીઓ અને તેના પરિવારજનો રઝળી પડે છે. તેવો જ એક કિસ્સો આજરોજ પીડિયુ સિવિલ હોસ્પિટલમાં સામે આવ્યો છે. જેમાં જાણે તબીબોની માનવતા મરી પરવારી હોય તેમ એક દર્દી અને તેના વાલીઓને સારવાર માટે ગોટે ચડાવ્યા હતા અને તે અંતે પોતાના વતન જતા રહ્યા હતા.

આ અંગેની પરિવારજનોથી પ્રાપ્ત વિગત મુજબ અમરેલીના આંબરડી ગામે રહેતા કિરણબેન ચંદુભાઈ કારેલા (ઉ.વ.21) નામની યુવતીને ગઇ કાલે બપોરના દોઢેક વાગ્યાની આસપાસ પોતાના ઘરે વીજશોક લાગતા તેને પ્રથમ અમરેલી બાદ વધુ સારવાર માટે રાજકોટ પીડિયુ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પોતાના વતનથી દર્દી કિરણબેન તથા તેમના પિતા ચંદુભાઈ અને માતા માત્ર રૂ.4000 લઈને રાજકોટ આવવા માટે નીકળી ગયા હતા.

જેમાં અત્રે પહોંચવા માટે રૂ.2500 ચાર્જ એમ્બ્યુલન્સને ચૂકવવો પડ્યો હતો. ત્યાર બાદ યુવતીની સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ થોડીવાર બાદ યુવતીને વહેલી સવારે તબીબોએ રજા આપી દીધી હતી. પરંતુ તેમ છતાં તેણીની તબિયત સારી ન જણાતા તેના પિતા ચંદુભાઈ ઠેર ઠેર ફર્યા હતા પરંતુ કોઈ પણ વિભાગમાં સરખો જવાબ મળ્યો ન હતો.

આખરે યુવતીને ઓપીડી બિલ્ડિંગમાં બીજા માળે વોર્ડ નંબર 27માં મોકલ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબે યુવતીને તાત્કાલિક સારવાર માટે દાખલ કરવાનું કહ્યું હતું. જેથી પરિવારજનો યુવતીને તાત્કાલિક વિભાગ લઈ ગયા હતા. પરંતુ ત્યાં ફરજ પર હાજર તબીબે યુવતીને ’કહી નથી’ તેવું કહી દવા લખી દઈ ઘરે તગડી મૂક્યા હતા.

ત્યાર બાદ મૂંઝાયેલા વાલી અને દર્દી યુવતી ભર તડકે હેરાન થતા રહ્યા અને ભૂખ્યા તરસ્યા ભોજન માટે આમથી આમ વલખાં મારતા રહ્યા હતા. આખરે સિવિલ હોસ્પિટલના તબીબોની ખો ખોથી કંટાળી વાલી પોતાની પુત્રીને લઈને વતન પરત જતાં રહ્યાં હતાં.

ત્યારે લોકોના મુખે એવું ચર્ચાઈ રહ્યું છે કે સિવિલ હોસ્પિટલમાં સવાંદના અભાવના કારણે આવી રીતે દર્દીઓ અને તેમના સબંધીઓને ક્યાં સુધી રઝડશે કે તેનો કોઈ નિવેડો આવશે તે જોવાનું રહ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.