Abtak Media Google News

ટોચ મર્યાદા ધારા હેઠળ બે ભાઈઓની 730 એકર જમીન સરકારશ્રી થઈ હતી
ચોટીલા મામલતદારે એક આસામીનું સાટાખત ગ્રાહ્ય રાખી ખાનગી ઠેરવી દીધી હતી

કલેકટરના આદેશથી ચાર માસ તપાસ કર્યા બાદ કૌભાંડ ખુલ્લુ પાડયું

ચોટીલા તાલુકાનાં બામણબોરમાં 730 એકર 34 ગુંઠા સરકારી જમીન આજથી 4વર્ષ પહેલાં તત્કાલીન મામલતદારે કલમના એક જ ઝાટકે ખાનગી માલિકીની ઠરાવી દીધી હતી. આ વિસ્તાર સુરેન્દ્રનગર જિલ્લામાંથી રાજકોટ જિલ્લામાં  ભળી ગયા બાદ આ શંકાસ્પદ કરતૂતનો ભાંડાફોડ થયો છે અને કલેકટરે મામલતદારનો એ હુકમ રિવિઝનમાં લીધો છે. નજીકનાં હીરાસર ગામે હવે ઈન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનવા લાગ્યું હોવાથી આ જમીનનાં ભાવ વધી જતાં હાલ તેની અંદાજિત કિંમત રૂા 290 કરોડ જેવી આંકવામાં આવે છે.

બામણબોરના સર્વે નંબર 47માં આવેલી ખેતીની જમીન પૈકી ખાતેદાર સાતાભાઈ ભાણાભાઈની 364 એકર 31 ગુંઠ ાતથા દાનાભાઈ ભાણાભાઈની 364 એકર 11 ગુંઠા જમીન ફાજલ ગણીને 1981માં જ સરકારી જમીન તરીકેની નોંધો ગામ દફતરે પાડી દેવામાં આવી ત્યારથી કુલ 730 એકરથી વધુ આ જમીન સરકારી જ હતી તેમજ છેક મહેસુલ પંચ સુધી ચાલેલા કેસોમાં અરજદારોની અપીલો પણ નામંજૂર રહી હતી. ત્યારબાદ છેક વર્ષ 2016માં કોઈ ત્રાહિત મહિલા જમીન પોતાની હોવાના દાવા સાથે હાઈકોર્ટમાં ગયા પરંતુ અગાઉની કાર્યવાહીની જાણ કરવામાં ન આવી હોવાથી તેમને સાંભળવાનો હુકમ થયો. તેમને પક્ષકાર ગણવા સંબંધી સુનવણી થતી હતી એ જ તબક્કે ચોટીલા મામલતદાર કમ કૃષિપંચે એ મહિલાનાં ખાતે જમીન ચડાવી દેવા હુકમ કરી દીધો.

વર્ષ 2018નાં મે માસમાં આ વિસ્તાર રાજકોટ જિલ્લામાં ભળી ગયા પછી જમીન દફતર સુરેન્દ્રનગરથી રાજકોટ મોકલાયું, જેની ચકાસણી વખતે રાજકોટ તાલુકા મામલતદારને આ વ્યવહાર શંકાસ્પદ જણાતા તેમણે કલેકટરનું ધ્યાન દોર્યું હતું, જેને અનુલક્ષીને સુરેન્દ્રનગર મહેસુલ તંત્ર પાસેથી કેસની ફાઈલો મગાવાઈ હતી, પણ વિગતો મોડે-મોડે અને અપૂરતી મળી એમ રાજકોટના મહેસુલ તંત્રમાંનાં સુત્રોમાંથી જાણવા મળે છે. જો કે, છેલ્લા ચારે’ક મહિનાથી બંને કેસનો અભ્યાસ કર્યા બાદ અંતે 2017ના ચોટીલા મામલતદારના એ હુકમને રિવિઝનમાં લઈ લેવામાં આવ્યો છે.

નોંધનીય છે કે એ  હુકમો ચોટીલાના નાયબ મામલતદાર જી.આર. ધાડવીએ કર્યા હતાં, જે તે વખતે તાલુકા મામલતદાર તરીકે ચાર્જમાં હતા. બામણબોર જીવાપરની અન્ય મહામૂલી જમીનના એક કેસમાં પણ તેની સંડોવણી ખૂલતાં એ.સી.બી. દ્વારા તેના વિરૂધ્ધ કાર્યવાહી થઈ ચૂકી છે. એ જમીનના ખરીદારો પૈકી અમૂક પરિવારજનો આ કેસમાં પણ ઝળખ્યાની તંત્રને આશંકા છે. સરકારી જમીન 2017માં ખાનગી ઠરાવી દેવાયા બાદ અત્યાર સુધીમાં 17 આસામીને ઉતરોત્તર વેચાણ પણ થઈ ચુક્યું છે. પરંતુ રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ તે હુકમ રેકર્ડથી વિપરિત તથા ગેરકાયદે ગણીને રિવિઝનમાં લીધો તે સાથે જ 17 આસામીના નામે પડી ગયેલી નોંધો (નંબર 1864થી 1880) પણ રિવિઝનમાં લઈ રદ્ કરવા કારણદર્શક નોટિસ તથા મનાઈ હુકમ ઈશ્યુ કર્યા છે. આ કેસમાં હવે તા.8 સપ્ટેમ્બરે મુદ્ત રાખવામાં આવી છે. ખરીદારો તરીકે કે પડદા પાછળ તેમાં રાજકીય વગદાર સહિત કેટલાંક મોટાં માંથા પણ સામેલ હોવાનું ચર્ચાય છે. હાલ ત્યાં જમીનના એકર દીઠ બજારભાવ રૂા 40 લાખ ગણાય છે.

આસામીએ અલગ-અલગ 17 વ્યકિતને જમીન વેચી દેતા તેની નોંધ કરી દેવામાં આવી હતી

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.