નિષ્ઠાભેર ચૂંટણી ફરજ નિભાવનાર દરેક કર્મચારીઓને અભિનંદન પાઠવતા રાજકોટ કલેકટર

ચૂંટણી સ્ટાફની અથાક મહેનત રંગ લાવી, એકદંરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ, તમામ સ્ટાફે ચૂંટણી પંચ અને જિલ્લા ચૂંટણી તંત્રની સુચનાઓનું શિસ્ત સાથે પાલન કર્યું : જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુ

રાજકોટ જિલ્લાની આઠેય બેઠકોમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ત્યારે હોંશભેર ફરજ બજાવનારા દરેક ચૂંટણી સ્ટાફને જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશબાબુએ અભિનંદન પાઠવ્યા છે.

રાજકોટ જિલ્લાની રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય, ગોંડલ, જેતપુર, ધોરજી અને જસદણ આ ચારેય બેઠકો ઉપર વિધાનસભા ચૂંટણી અંતર્ગત મતદાન પ્રક્રિયા ગત ગુરૂવારના રોજ પૂર્ણ થઇ છે. આ ચૂંટણી પ્રક્રિયામાં અંદાજે 12000 જેટલા ચૂંટણી સ્ટાફે ફરજ બજાવી હતી. આ તમામ સ્ટાફની મહેનત રંગ લાવી છે એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં કોઈ મોટી ફરિયાદ વગર મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ તમામ ચૂંટણી સ્ટાફની પીઠ થાબડી તેઓને અભિનંદન પાઠવ્યા છે.  ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે તમામ સ્ટાફે ચૂંટણી પંચ અને જિલ્લા ચૂંટણી તંત્રના તમામ આદશોનું શિસ્ત  સાથે પાલન કરીને નિષ્ઠાભેર ફરજ બજાવી છે.

ઉલ્લેખનીય છે કે ચૂંટણી સ્ટાફે  મતદાનનાં આગલા દિવસે સાંજે જ તમામ મતદાનનો કબ્જો સંભાળી લીધો હતો. રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકોમાં મતદાનની પ્રક્રિયા 1 ડિસેમ્બરે સાંજે પાંચ વાગ્યે પૂર્ણ થયા બાદ ઈ.વી.એમ.ને સલામત રીતે સ્ટ્રોંગરૂમમાં સીલ કરવાની જહેમતભરી કામગીરી શરૂ થઈ હતી. તમામ ચૂંટણી અધિકારીઓ, ચૂંટણી સ્ટાફ, પોલીસ અને પેરા મિલિટરી ફોર્સના જવાનોએ આખી રાત કવાયત હાથ ધરીને આ કામગીરીને પૂર્ણ કરી હતી.

જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુના માર્ગદર્શન મુજબ, આઠ વિધાનસભાના ચૂંટણી અધિકારીઓના નિરિક્ષણમાં મતદાન પછી ઈ.વી.એમ. સૌથી પહેલાં જી.પી.એસ.વાળા વાહનોમાં ડિસ્પેચિંગ સેન્ટર પર લવાયા હતા. બાદમાં ત્યાંથી હથિયારધારી પોલીસની ચુસ્ત સુરક્ષા સાથે આ ઈ.વી.એમ. કણકોટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે બનાવાયેલા રિસિવિંગ સેન્ટરમાં રાતોરાત પહોંચાડાયા હતા. આ દરમિયાન ઈ.વી.એમ.વાળા વાહનોનું સતત ટ્રેકિંગ પણ થયું હતું. બાદમાં તેને સ્ટ્રોંગરૂમમાં સીલ કરી દેવાયા હતા.

68-રાજકોટ પૂર્વના ચૂંટણી અધિકારી સુરજ સુથાર, 69-રાજકોટ પશ્ચિમના ચૂંટણી અધિકારી ડો. સંદીપ વર્મા, 70-રાજકોટ દક્ષિણના ચૂંટણી અધિકારી કે.જી. ચૌધરી, 71-રાજકોટ ગ્રામ્યના ચૂંટણી અધિકારી વિવેક ટાંક, 72-જસદણના ચૂંટણી અધિકારી રાજેશ આલ, 73-ગોંડલના ચૂંટણી અધિકારી કે.વી. બાટી, 74-જેતપુરના ચૂંટણી અધિકારી નિમેશ પટેલ તેમજ 75-ધોરાજી જે. એન. લિખિયા અને તેમની ટીમના સહાયક ચૂંટણી અધિકારી, નાયબ મામલતદારો વગેરે આ કામગીરી માટે આખીરાત તહેનાત રહ્યા હતા. બીજી ડિસેમ્બરે સવારે આશરે સાડા પાંચ વાગ્યા આસપાસ ઈ.વી.એમ.ને આઠ અલગ-અલગ સ્ટ્રોંગરૂમમાં સીલ કરવાની કામગીરી પૂર્ણ થઈ હતી.

ઈ.વી.એમ. સ્ટ્રોંગરૂમમાં સીલ થયા બાદ બહાર પેરા મિલિટરીફોર્સના હથિયારધારી જવાનોને સુરક્ષાની કમાન સોંપાઈ છે. જ્યારે પરિસરમાં એસ.આર.પી.ના હથિયારધારી જવાનો તેમજ ગેટ પર પોલીસના જવાનોની સુરક્ષા ગોઠવવામાં આવી છે. હવે 8મી ડિસેમ્બર-મતગણતરીના દિવસ સુધી આ સ્ટ્રોંગરૂમની બહાર હથિયારધારી જવાનોની કિલ્લેબંધી રહેશે.