Abtak Media Google News

નવું શૈક્ષણિક વર્ષ શરૂ થવાના લીધે મામલતદાર કચેરી ખાતે ધસારો વધે તે પૂર્વે જ તમામ પ્રાંતને સજ્જ થવા સૂચના

નવું શૈક્ષણિક વર્ષ શરૂ થાય તે પૂર્વે જ મામલતદાર કચેરીએ આવકના દાખલા કઢાવવા ભારે ભીડ થવાની છે. તેવામાં લોકોને વધુ સરળતા રહે તેવી વ્યવસ્થા ગોઠવવા જિલ્લા કલેક્ટરે તમામ પ્રાંતને સૂચનાઓ આપી છે.

રાજકોટ જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓ ખાતે આવકના દાખલા કાઢવાની કામગીરી થાય છે. જો કે શહેરની એકાદ- બે મામલતદાર કચેરીઓ જ એવી છે જ્યાં સેમ ડે આવકના દાખલા નીકળી જાય છે. બાકીની  કચેરીઓમાં એકાદ દિવસ રાહ જોવી પડે છે. ઉપરથી હવેના દિવસોમાં અરજદારોનો ધસારો વધવા તરફ છે. તેવામાં કાળઝાળ ગરમી પણ પડી રહી છે. કતારોમાં કોઈને અગવડતા ન પડે તે માટે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ તમામ પ્રાંત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી છે.

આ સૂચનાઓમાં કલેકટર તરફથી પ્રાંત અધિકારીઓને જણાવવામાં આવ્યું છે કે તેમના કાર્યક્ષેત્રમાં આવતી મામલતદાર કચેરીઓમાં જરૂરી વ્યવસ્થાઓનું અપગ્રેડેશન થાય અને અરજદારોને કોઈ અગવડતા ન પડે તે માટે પગલાં લેવા. ઉલ્લેખનીય છે કે તમામ મામલતદાર કચેરીઓમાં હાલ ઉનાળાના તડકામાં કોઈ અરજદારને ઉભું ન રહેવું પડે તેનું ખાસ ધ્યાન રખાશે. આ ઉપરાંત સીટીંગ વ્યવસ્થા પણ ગોઠવાય તેવા સંકેતો મળી રહ્યા છે.

તાલુકા ઇ ધરા સહિતની ખખડધજ કચેરીઓનું રીનોવેશન થવાના એંધાણ

રાજકોટ કલેકટર તંત્રની અમુક કચેરીઓ વર્ષોથી ખખડધજ હાલતમાં છે. જેને કારણે ભૂતકાળમાં અનેક અણબનાવો પણ બન્યા છે. આવી જ કચેરી રાજકોટ તાલુકા ઇ ધરાની છે. જ્યાં જીવના જોખને સ્ટાફ ફરજ બજાવે છે અને અરજદારો ઉપર પણ જીવનું જોખમ મંડરાય છે. આ કચેરી ઉપરના સ્લેબ પડે તેવી સ્થિતિમાં હોય, તેને તો કાઢી નાખવામાં આવ્યા છે. પણ જોખમ હજુ ટળ્યું નથી. આ અંગે જિલ્લા કલેક્ટરને જાણ થતાં તેઓએ હકારાત્મક અભિગમ દાખવ્યો છે. એટલે હવે ટૂંક સમયમાં આ કચેરીનું રીનોવેશન થાય તેવા સંકેતો મળી રહ્યા છે.

24મીથી ત્રણ દિવસ તાલુકા સ્વાગત કાર્યક્રમ કલેકટર, એસપી અને ડીડીઓ પ્રશ્ર્નો સાંભળશે

રાજકોટ જિલ્લામાં તા.24, 25 અને 26ના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવનાર છે. આ ત્રણ દિવસ દરમિયાન જિલ્લા કલેકટર પ્રભવ જોશી, જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ અને જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી વિવિધ તાલુકાઓમાં જઈ લોકોના પ્રશ્નો સાંભળશે. આ કાર્યક્રમ દરમિયાન લોકો કોર્ટમાં પેન્ડિંગ ન હોય તેવા તમામ વિભાગ સંબંધિત પ્રશ્નો મૂકી શકશે. થોડા દિવસોમાં વિગતવાર કાર્યક્રમ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.