Abtak Media Google News

ઝનાના હોસ્પિટલની બાંધકામ કામગીરીનો સાપ્તાહિક અહેવાલ રજૂ કરવાના અને ઝડપી કાર્યવાહી કરવાના આદેશો આપતા જિલ્લા કલેકટર

રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ સપ્ટેમ્બર-2022 સુધીમાં ઝનાના હોસ્પિટલનું ગુણવત્તાયુકત બાંધકામ પૂર્ણ કરવાના આદેશો જારી કર્યા હતા.

મુખ્યમંત્રીના ડ્રીમ પ્રોજેકટ સમા ઝનાના હોસ્પિટલના બાંધકામની ચાલી રહેલી કામગીરીની કલેકટરએ સ્થળ પર જઇને સમીક્ષા કરી હતી, અને કામગીરીનો દર અઠવાડિયાનો અહેવાલ કલેકટરશ્રીના અંગત ધ્યાન પર મુકવા તેમણે  પ્રોજેકટ ઇમ્પ્લીમેન્ટેશન યુનિટના ઇજનેર શિવાંગ દવેને સૂચના આપી હતી.

હોસ્પિટલ ચોક સ્થિત ઝનાના હોસ્પિટલના અંદાજે રૂ. 7.5 કરોડના ખર્ચે બંધાઇ રહેલા 13 માળના બિલ્ડીંગના કોન્ટ્રેકટરને કલેકટર અરૂણ મહેશ બાબુએ તાકીદ કરી હતી કે નિયત સમયમર્યાદામાં ઝનાના હોસ્પિટલની કામગીરી પૂર્ણ કરવાની જવાબદારી તેમની છે. અન્યથા આ અંગે શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું. ઝનાના હોસ્પિટલની મુલાકાતે આવેલા કલેકટરને પંડિત દિનદયાલ હોસ્પિટલના રેસિડેન્ટ મેડિકલ ઓફિસર ડો. ચાવડાએ ઝનાના હોસ્પિટલની બાંધકામ સંબંધી સમગ્ર હકીકતોથી વાકેફ કર્યા હતા.

કલેકટરએ તમામ પેપરવર્ક તપાસ્યું હતું, અને જરૂરી તમામ માર્ગદર્શિકાઓના પાલન સાથે ઝડપી કામગીરી કરવાના હુકમો કર્યા હતા. ફલોરવાઇઝ અપડેટસથી કલેકટરને વાકેફ કરવા અને તબક્કાવાર ચાલતી કામગીરીમાં બનતી ત્વરા કરવા તેમણે સંબંધિતોને આદેશો આપ્યા હતા. કલેકટરની આ મુલાકાત વેળાએ પંડિત દિનદયાલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદી, પીડીયાટ્રીશ્યન ડો. પંકજ બુચ, ગાયનેકોલોજિસ્ટ ડો. કમલ  ગોસ્વામી,  ઇલેક્રટિકલ એન્જીનીયર મકવાણા, નર્સિંગ હેડ ઉપેન્દ્ર, ડો. જે.કે.નથવાણી વગેરે ઉપસ્થિત રહયા હતા.

હોસ્પિટલમાં ઉપલબ્ધ સાધનો તથા સુવિધાઓની સમીક્ષા કરતા કલેકટર અને ડીડીઓ

હોસ્પિટલના બિલ્ડિંગમાં પ્રાર્થના રૂમ બનાવવા કલેકટરનું માનવીય સૂચન

રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીએ પદ્મકુવરબા હોસ્પિટલનું સ્થળ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તથા હોસ્પિટલમાં ઉપલબ્ધ સાધનો અને સુવિધાઓ અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. અને રોગી કલ્યાણ સમિતિના પ્રતિનિધિઓ સાથે પરામર્શ કર્યો હતો. કલેકટરશ્રીએ માનવીય સૂચન કરતા જણાવ્યું હતું કે હોસ્પિટલના બિલ્ડિંગમાં એક પ્રાર્થના રૂમ પણ કાર્યરત કરવામાં આવે, જેથી દર્દીઓને માનસિક શાતા મળી રહે. હોસ્પિટલના અધિકારીઓએ આ બાબતે સત્વરે યોગ્ય કરવા કલેકટરશ્રીને ખાતરી આપી હતી.

ગત બેઠકની નોંધને આ બેઠકમાં બહાલી આપવામાં આવી હતી. હોસ્પિટલ પરિસરમાં ફાયર સેફટી અંગેના સ્મોક ડીટેકટર તથા સ્પ્રીંક્લર જેવા સાધનો તાત્કાલિક કાર્યાન્વિત કરવા માટે કલેકટરએ સંબંધિતોને સ્થળ પર જ સૂચનાઓ આપી હતી. હોસ્પિટલમાં ઉપલબ્ધ દવાના જથ્થા વિષે કલેકટરશ્રીએ માહિતી મેળવી હતી અને જરૂરી દવાના જથ્થાનો સ્ટોક જાળવી રાખવા માટે તાકીદ કરી હતી.

કલેકટર અરુણ મહેશ બાબુએ બાયોમેડીકલ વેસ્ટના યોગ્ય નિકાલ માટે, દર્દીઓને ગુણવત્તાયુક્ત સેવાઓ પૂરી પાડવા માટે, હોસ્પિટલમાં એપ્રેન્ટીસની જગ્યાઓ તાકીદે ભરવા માટે, સામાજિક સંસ્થાઓના સહયોગથી દર્દીઓને સુખડી, ફળો તથા ખાખરા જેવા આરોગ્યપ્રદ આહારનું વિતરણ કરવા માટે, સી.સી.ટી.વી.નું યોગ્ય નિરીક્ષણ કરવા માટે જરૂરી આદેશો આપ્યા હતા. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સને કંપની સોશિયલ રિસ્પોન્સિબિલિટી અન્વયે પદ્મકુવરબા હોસ્પિટલમાં જરૂરી સાધનો તથા સવલતો પૂરી પાડવા કલેકટરશ્રીએ ભલામણ કરી હતી.

આ પ્રસંગે પદ્મકુવરબા હોસ્પિટલના અધિક્ષક ડો. કેતન પીપળીયા, રેસિડેન્ટ મેડિકલ ઓફિસર ડો. નૂતન લૂંગાતર, હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટર ડો. ખ્યાતિ દવે, રોગી કલ્યાણ સમિતિના પ્રતિનિધિશ્રી શાંતિલાલ સોલંકી, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ  વિનોદભાઈ કાછડીયા, પદ્મકુવરબા હોસ્પિટલના વિવિધ તબીબી વિભાગોના વડાઓ, સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ, હોસ્પિટલના એકાઉન્ટસ-સિક્યુરિટી- એડમિનિસ્ટ્રેશન-નર્સિંગ વગેરે વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.