Abtak Media Google News

કેકેવી ચોક અને જડ્ડુસ ચોકમાં બ્રિજના કામમાં ભેદી ઢીલ, રામાપીર ચોકડી અને નાના મવા સર્કલે પણ બ્રિજનું નિર્માણ કામ સ્પીડ પકડતું નથી: રણજીત બિલ્ડકોનને સતત ચોથી નોટિસ ફટકારાઇ

ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે કોર્પોરેશન દ્વારા શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં રૂા.239 કરોડના ખર્ચે 4 સ્થળોએ ઓવરબ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યુ છે. બ્રિજના નિર્માણ કામમાં એજન્સી દ્વારા ભેદી ઢીલ દાખવવામાં આવતી હોવાના કારણે રણજીત બિલ્ડકોમને તાજેતરમાં નોટીસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન આવતીકાલે અધિકારીઓ અને એજન્સી વચ્ચેની બેઠકમાં બ્રિજનું કામ ઝડપથી આગળ વધારવા માટે કડક ભાષામાં તાકીદ કરવામાં આવે તેવી પણ સંભાવના હાલ જણાઇ રહી છે.

ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે કોર્પોરેશન દ્વારા કાલાવડ રોડ કેકેવી ચોક તથા જડ્ડુસ ચોકમાં રૂા.158 કરોડના ખર્ચે અને 150 ફૂટ રીંગ રોડ પર નાનામવા સર્કલ તથા રામાપીર ચોકડી ખાતે રૂા.82.34 કરોડના ખર્ચે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગત 21મી જાન્યુઆરીના રોજ આ ચારેય બ્રિજનું ખાતમુહુર્ત કર્યું હતું. 10 મહિના વિતવા છતાં હજુ સુધી 25% કામ પણ પૂર્ણ થયું નથી. કેકેવી ચોકમાં હયાત ઓવરબ્રિજ પર બની રહેલા મલ્ટીલેવલ બ્રિજ અને જડ્ડુસ ચોકમાં બની રહેલા ઓવરબ્રિજનું કામ ખૂબ જ ધીમી ગતિએ આગળ ધપી રહ્યું છે.

જ્યારે રામાપીર ચોકડી અને નાનામવા સર્કલ બ્રિજના કામમાં જોઇએ તેટલી પ્રગતિ જોવા મળતી નથી. સમયસર પેમેન્ટ ચૂકવી દેવામાં આવતું હોવા છતાં બ્રિજના નિર્માણ કામમાં ઝડપ ન વધારવામાં આવતાં ચારેય બ્રિજના કોન્ટ્રાક્ટર એવા રણજીત બિલ્ડકોમને તાજેતરમાં કોર્પોરેશન દ્વારા સતત ચોથી નોટીસ ફટકારવામાં આવી છે અને કડક ભાષામાં તાકીદ કરવામાં આવી છે કે હવે નિર્માણ પ્રોગ્રેસમાં વધારો કરો અન્યથા શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રામાપીર ચોકડી અને નાનામવા સર્કલ ખાતે બ્રિજ નિર્માણનું કામ પુરૂં થવાની મુદ્ત આગામી જુલાઇ 2022 સુધીમાં પૂરી થાય છે જ્યારે કેકેવી  સર્કલ અને જડ્ડુસ રેસ્ટોરન્ટ ચોક પાસેના બ્રિજના નિર્માણ કામની મુદ્ત જાન્યુઆરી-2023માં પૂર્ણ થાય છે. આવામાં જે રીતે હાલ નિર્માણ કામ ચાલી રહ્યું છે તે જોતા એવું લાગતું નથી કે સમય અવધીમાં એકપણ બ્રિજનું કામ પૂર્ણ થાય.

શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 6 સ્થળોએ હાલ બ્રિજ બની રહ્યા હોવાના કારણે મુખ્ય રાજમાર્ગો જ બંધ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે લોકોએ રોજ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આવામાં નિર્માણ કામમાં એજન્સીની ઢીલ રાજકોટવાસીઓની યાતનામાં સતત વધારો કરતી રહેશે તેવું લાગી રહ્યું છે. પદાધિકારી અને અધિકારીઓ બ્રિજના નિર્માણ કામગીરીની સમિક્ષા કરી એજન્સીને ઝડપથી કામ કરવાની તાકીદ ચોક્કસ કરે છે પરંતુ એજન્સી પણ રીઢા ગુનેગારની જેમ વારંવાર તાકીદ કરવા છતાં પોતાની મરજી મુજબની કામગીરી કરી રહી છે.

બ્રિજ કોન્ટ્રાક્ટર રણજીત બિલ્ડકોન પર ચાંપતી નજરો રાખો: વિપક્ષી નેતા

અમદાવાદમાં ગઇકાલે જે બ્રિજ પડ્યો હતો તે આજ એજન્સીએ બનાવ્યો હતો: ભાનુબેન સોરાણી

મહાપાલિકાના બ્રીજનું કામ રણજીત બીલ્ડકોન એજન્સી કરી રહી છે, તમામ બ્રીજોમાં અમદાવાદ જેવા બનાવો ન બને અને જાનહાની ન થાય તે અંગે પગલા ભરવા મ્યુનિ.કમિશનર અમિત અરોરાને વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણીએ પત્ર લખ્યો છે.

શહેરમાં અલગ અલગ જગ્યાએ બ્રીજો બનાવવામાં આવી રહ્યા છે જે તમામ બ્રીજોમાં રણજીત બીલ્ડકોન એજન્સી હસ્તક  છે. બ્રીજોમાં કે.કે.વી. ચોક, જડુસ બ્રીજ, નાનામૌવા બ્રીજ, રામદેવપીર બ્રીજ સહિતના કામો આ જ એજન્સી દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે રાજકોટમાં આજીડેમ પાસે જે બ્રીજ પડ્યો હતો. જેમાં નિર્દોષ લોકોના જીવ ગયા હતા

ત્યારે આજે અમદાવાદમાં બ્રીજ પડ્યો છે ત્યારે આ એજન્સી દ્વારા જે કામો કરવામાં આવે છે તે તમામ કામોમાં રોજબરોજ મટીરીયલ ટેસ્ટીંગ કરવામાં આવે અને ખાસ તકેદારી રાખવામાં આવે તેવી અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.