કાલે રાજકોટ કોર્પોરેશનનું બજેટ: પાણી વેરામાં વધારો નિશ્ચિત

બજેટનું કદ ર400 થી 2500 કરોડ રૂપિયા આસપાસ રહે તેવી શકયતા: પાણી વેરાો બમણો કરવા દરખાસ્ત કરશે મ્યુનિ. કમિશ્નર: કરોડો રૂપિયાનો કરબોજ ઝીંકાશે

રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2023-24 નું ડ્રાફટ બજેટ અને વર્ષ 2022-23 નું રિવાઇઝડ બજેટ મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરા દ્વારા આવતીકાલે સવારે સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ દરખાસ્ત સ્વરુપે રજુ કરશે જેમાં પાણી વેરાના હયાત દરમાં વધારો કરવામાં આવે તો લગભગ નિશ્ર્ચીત માનવામાં આવી રહ્યું છે. જો કે કરબોજ ખડી સમિટી દ્વારા માન્ય રાખવામાં આવશે કે કેમ? તેના પર શહેરીજનોની મીટ મંડાયેલી રહેશે કોર્પોરેશનની પોતીકી આવકમાંથી પગાર ખર્ચ પણ નીકળતો નથી આવામાં બજેટ ગ્રાન્ટ આધારીત બની રહેશે.મ્યુનિ. કમિશ્નર અમિત અરોરા દ્વારા રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2023-24 નું રજુ કરવામાં આવનાર ડ્રાફટ બજેટનું કદ આશરે 2400 થી 2500 કરોડ રહે તેવી સંભાવના રહેલી છે.

કોર્પોરેશન દ્વારા છેલ્લે વર્ષ 2008માં પાણી વેરામાં વધારો કરવામાં આવ્યો હતો. હાલ આખુ વર્ષ માત્ર 840 રૂપિયામાં શહેરીજનોને પાણી આપવામાં આવે છે. દર મહિને 70 રૂપિયામાં પાણી અપાય છે. એક રીક્ષા પાણીનો ભાવ પણ 150 થી વધુ રૂપિયા ચાલી રહ્યા છે. સ્થાનીક જળાશયો ચોમાસામાં ઓવર ફલો થવા બાદ ચાર મહિનામાં ડુંકી જાય છે. નર્મદના વેચાતા પાણી લઇ શહેરીજનોની તરસ છીપાવવામાં આવે છે દોઢ  દાયકાના લાંબા અંતરાલ બાદ પાણી વેરામાં વધારો કરવામાં આવે તો લગભગ ફાઇનલ મનાય રહ્યું છે.

રહેણાંક હેતુની મિલ્કત માટે પાણી વેરા પેટે વર્ષ રૂ. 840 અને બિન રહેણાંક હેતુની મિલ્કત પાસેથી રૂ. 1680 વસુલવામાં આવે છે. વધારીને અનુક્રમે 1000 થી 1ર00 અને ર000 થી ર400 રૂપિયા કરવામાં આવે તેવી શકયતા હાલ દેખાય રહી છે. પગાર સહિતના ખર્ચમાં સતત વધારો થઇ રહ્યો છે જેથી સામે આવકમાં વધારો થતો નથી. સરકાર જમીન વેચાણની પણ મંજુરી આપતી નથી આવામાં આખુ વર્ષ કોર્પોરેશને આર્થિક સંકડામણ વેઠવી પડે છે. આવકમાં આત્મ નિર્ભર બનવા માટે નવા બજેટમાં શહેરીજનો પર કરબોજ ઝીંકવામાં આવે તે ફાઇનલ મનાય રહ્યું છે.

પાણી વેરાની સાથે વાહન વેરાના દરમાં પણ વધારો સુચવવામાં આવે તેવી શકયતા નકારી શકાતી નથી. મ્યુનિ. કમિશ્નર દ્વારા દરખાસ્ત સ્વરુપે રજુ કરવામાં આવેલા બજેટ પર સ્ટેન્ડીંગ કમિટી દ્વારા અભ્યાસ કર્યા બાદ જરુરી સુધારો વધારો કરાયા બાદ બજેટને બહાલી આપી આખરી મંજુરી અર્થે જનરલ બોર્ડ સમક્ષ રજુ કરવામાં આવશે. આ વર્ષ કોઇ ચુંટણી યોજાવાની નથી. વિધાનસભાની ચુંટણીમાં રાજકોટની ચારેય બેઠકો ભાજપ તોતીંગ લીડ સાથે જીતી ચુકયું છે. લોકસભાના ચુંટણીના આડે હજી સવા વર્ષનો સમય બાકી છે આવામાં જો મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા પાણી વેરા સહિતના વિવિધ પ્રકારના વેરામાં વધારો સુચવવામાં આવશે તો તેમાં થોડો ઘણો સુધારો કર્યા બાદ મહાપાલિકાના ભાજપના શાસકો દ્વારા બહાલી આપવામાં આવે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.