Abtak Media Google News

શ્રાવણ મહિનામાં ફરાળી ચીજ-વસ્તુનું વેંચાણ વધુ માત્રામાં થતું હોય છે. વધુ નફો કમાવવાની લાલચમાં વેપારીઓ દ્વારા ભાવિકોની શ્રધ્ધા સાથે ચેડા કરી ફરાળી ચીજવસ્તુમાં ભેળસેળ કરવામાં આવતી હોવાના શંકાના આધારે આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરાળી પેટીસનું વેંચાણ કરતા 14 ધંધાર્થીને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બે સ્થળેથી તેલના નમુના અને ત્રણ સ્થળેથી દૂધના નમુના લેવામાં આવ્યા હતા.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ફૂડ વિભાગ દ્વારા આજે મિલપરા મેઈન રોડ પર ન્યુ રાજહંસ ફરસાણ, મહાદેવ ફરસાણ, લક્ષ્મીવાડી મેઈન રોડ પર ભારત ફરસાણ માર્ટ, કેવડાવાડી રોડ પર જય અંબે ફરસાણ માર્ટ, કોઠારીયામાં શિવ પેટીસ, બોલબાલા માર્ગ પર માગ્યલક્ષ્મી રેસ્ટોરન્ટ, સીતારામ ડેરી ફાર્મ, આનંદનગર મેઈન રોડ પર ભગવતી ફરસાણ, બાલાજી ફરસાણ, સહકાર મેઈન રોડ પર જયસીયારામ  ફરસાણ, ગાયત્રીનગર મેઈન રોડ પર બલરામ ડેરી ફાર્મ, ગોપાલ સ્વીટ, બાલાજી ફરસાણ અને ભક્તિનગર સર્કલ સ્થિત ધારેશ્ર્વર ડેરીમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની સુચના મુજબ મુંજકાથી બોલેરો પીકઅપ વાહનમાં દૂધની હેરફેર કરવામાં આવે છે તેમાં ભેળસેળ કરવામાં આવતી હોવાની શંકાના આધારે આ ફેરીયા દ્વારા જ્યાં દૂધનું વેંચાણ કરવામાં આવે છે તે અલગ અલગ ત્રણ વિસ્તારોમાં આજે મિક્સ દૂધના નમુના લેવામાં આવ્યા હતા. આશાપુરા રોડ પર આશાપુરા ડેરી ફાર્મ, પેડક રોડ પર શિવશક્તિ ડેરી ફાર્મ અને મુંજકા ગામમાં એક સ્થળેથી દૂધનો નમુનો લઈ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત મનહરપ્લોટ શેરી નં.7માં શાક માર્કેટ સામે ગુરૂનાનક અનાજ ભંડારમાંથી ડબલ ફિલ્ટર સીંગતેલ અને તીન એક્કા રિફાઈન સોયાબીન તેલના નમુના લેવામાં આવ્યા હતા.

અગાઉ સોરઠીયાવાડી ચોકમાં જય જગદંબે ટ્રેડીંગમાંથી કેવીન ગોલ્ડ ડાર્ક સ્ટાઈલ સેન્ટર ફિલ્ડ ઓરીજીનલ લવ કેન્ડીનો નમુનો લેવામાં આવ્યો હતો. જેમાં મેન્યુફેકચરીંગ તારીખ ન હોવાના કારણે નમુનો નિષ્ફળ ગયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.