- ફૂડ લાયસન્સ, હાઇજેનીંક કન્ડિશન જાળવી રાખવા અને પાણીના નિયમિત રિપોર્ટ કરાવવા નોટિસ ફટકારાઇ
- આઇસ્ક્રીમ, શ્રીખંડ અને ગાયના દૂધના નમૂના લેવાયા, 5ને આરોગ્ય શાખાની નોટિસ
હાલ કાળઝાળ ગરમીમાં બરફનો ઉપયોગ વધુ માત્રામાં થતો હોય છે. જેને ધ્યાનમાં રાખી આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આઠ આઇસ ફેક્ટરીઓમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. પાંચ ફેક્ટરીને ફૂડ લાયસન્સ, હાઇજેનીંક ક્ધડીશન જાળવી રાખવા અને પાણીના નિયમિત રિપોર્ટ કરાવવા માટે નોટિસ આપવામાં આવી છે.
આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરના ગોંડલ રોડ ચોકડી પાછળ શિવમ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં લાભ આઇસ ફેક્ટરી, સોમનાથ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં મહાદેવ આઇસ ફેક્ટરી, વાવડી વિસ્તારમાં મહાલક્ષ્મી મીલ પાસે નવદુર્ગા આઇસ ફેક્ટરી, માધાપર ચોકડી પાસે એચ.પી. પેટ્રોલ પંપની પાછળ રાજ આઇસ ફેક્ટરી અને કુવાડવા રોડ પર ડિલક્ષ ચોકમાં નૂતન સૌરાષ્ટ્ર આઇસ ફેક્ટરીમાં ચેકીંગ દરમિયાન પાંચેય ફેક્ટરીને ફૂડ લાયસન્સ, હાઇજેનીંક ક્ધડીશન અને નિયમિત પાણીનો રિપોર્ટ કરાવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત લક્ષ્મીનગર મેઇન રોડ પર નવરંગપરા વિસ્તારમાં ક્રિષ્ના ફ્રીઝીંગ આઇસ ફેક્ટરી, મોચી બજાર મેઇન રોડ પર ભાગ્યોદય આઇસ ફેક્ટરી અને કોઠારીયા રીંગ રોડ પર રેલવે ઓવરબ્રિજની પાસેમાં રણુજા નગરના કાંઠે સંગમ આઇસ ફેક્ટરીમાં પણ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ફૂડ વિભાગની ટીમ દ્વારા યુનિવર્સિટી રોડ પર અક્ષર એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી રંગોલી કોલ્ડ્રિંક્સ નામની દુકાનમાંથી કેશર પીસ્તા લૂઝ આઇસ્ક્રીમ અને લૂઝ બોર્નબોર્ન શ્રીખંડનો નમુનો લેવામાં આવ્યો હતો. જ્યારે નાના મવા કોર્નર પર પંચવટી મેઇન રોડ સ્થિત અર્હમ હોસ્પિટલ પાસે ચામુંડા ડેરીમાંથી લૂઝ ગાયના દૂધનો નમૂનો લેવાયો છે. જ્યારે નંદનવન રોડ તથા બીગ બજારથી ઇન્દિરા સર્કલ સુધીના વિસ્તારમાં ખાણીપીણીની 38 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. 38 ખાદ્ય ચીજોની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. ક્લાસીક કોલ્ડ કોફી, આર.વી. સેલ્સ એજન્સી, નાગદાદા રેસ્ટોરન્ટ, શ્રીહરિ પુડલા, બાપા સિતારામ નાસ્તાગૃહ, રામેષ્ટ આઇસ્ક્રીમ, ટી એન્ડ સ્ટોરીસ, પાનવાલા કોલ્ડ કોફી, શિવશક્તિ હોટેલ, સંજુ ગાંઠીયા, પટેલ વડાપાઉં અને સંતોષ ભેળને ફૂડ લાયસન્સ સંદર્ભે નોટિસ આપવામાં આવી છે.
લાભ આઇસ ફેક્ટરી, મહાદેવ આઇસ, નવદુર્ગા આઇસ ફેક્ટરી, રાજ આઇસ ફેક્ટરી અને નૂતન સૌરાષ્ટ્ર આઇસ ફેક્ટરીને નોટિસ ફટકારાય: રંગોલી કોલ્ડ્રિંક્સમાંથી આઇસ્ક્રીમ અને શ્રીખંડના જ્યારે ચામુંડા ડેરીમાંથી લૂઝ ગાયના દૂધનો નમૂનો લેવાયો હતો.