Abtak Media Google News

બજરંગવાડીમાં 12 કિલો જલેબી અને 45 કિલો જલેબી બનાવવાનો આથો નાશ કરી વેપારીને નોટિસ ફટકારાઈ

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના કોઠારીયા વિસ્તારમાં અલગ અલગ 5 કેળાની વખારોમાં ચેકિંગ હાથ ધરી વેપારીને નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત બજરંગવાડી વિસ્તારમાં જલેબીનું ઉત્પાદન અને વેંચાણ કરતા વેપારીને ત્યાં ચકાસણી હાથ ધરી 45 કિલો આથો, 12 કિલો જલેબીનો નાશ કરી અનહાઈજીનીક કંડીશન સબબ નોટિસ ફટકારવામાં આવી હતી.

ફૂડ વિભાગ દ્વારા દૂધસાગર રોડ પર વિશ્ર્વાસ ફૂડ, કોઠારીયા રોડ પર નંદા હોલ પાસે વિશ્ર્વાસ કેળા, કેદાર સોસાયટીના ગેટ સામે રોઝ ફૂડ સેન્ટર, કોઠારીયા રોડ પર નંદા હોલ પાસે જલારામ ફૂટ સેન્ટર અને રામનગર-2માં રોયલ કેળા કોલ્ડમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં રોયલ કેળા કોલ્ડને પ્લાન્ટમાં વપરાતા ગેસ અંગેનું બિલ રજૂ કરવા અને ફૂડ લાયસન્સ અંગે નોટિસ ફટકારવામાં આવી હતી જ્યારે જલારામ ફૂટ સેન્ટરને ગેસનું બિલ રજૂ કરવા તાકીદ કરાઈ છે.

આ ઉપરાંત બજરંગવાડી શેરી નં.6માં બજરંગ પ્રો.સ્ટોર્સ સામે જલેબીનું ઉત્પાદન અને વેંચાણ કરતા જગદીશભાઈ રઘુભાઈ લાઠીયા નામના વેપારીને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને નમુના લેવામાં આવ્યા હતા. સ્થળ પર મળેલા અખાદ્ય ખોરાક અને બિનઆરોગ્યપ્રદ જલેબીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.  જેમાં 45 કિલો જલેબી બનાવવાનો આથો, 12 કિલો તૈયાર જલેબી અને 5 કિલો દાઝયા તેલનો નાશ કરી અનહાઈજીનીક કંડીશન સબબ વેપારીને નોટિસ ફટકારવામાં આવી હતી.

આ ઉપરાંત કોઠારીયા મેઈન રોડ પર યમીઝ એગ્ઝ, આર.કે.ચાઈનીજ, સાવરીયા પાણીપૂરી, રોશની પાણીપુરી, શ્રદ્દા અમેરિકન મકાઈ, બિસ્મીલા એગ્ઝ, જલારામ ગાઠીયા, જલારામ પાઉંભાજી, બાપાસીતારામ પાઉંભાજી, સુરતી મૈસુર કાફે, ફેમસ વડાપાઉં, સીતારામ ભજીયા, બાલાજી સીતારામ દાળપકવાન અને જોલી ગાઠીયામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન 2 કિલો વાસી મન્ચ્યુરન, 2 કિલો મીઠી ચટણી, 2 કિલો વાસી બટેટાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો છે.

કોર્પોરેટર જયમીન ઠાકરની સુચના બાદ જલેબીના વેપારીને ત્યાં આરોગ્ય શાખા ત્રાટકી

અડધા રાજકોટને જલેબી સપ્લાય કરનાર વેપારી મોટાપાયે ભેળસેળ કરતો હોવાની શંકા

શહેરના બજરંગવાડી શેરી નં.6માં જગદીશભાઈ રઘુભાઈ લાઠીયા નામના વેપારી દ્વારા અડધા રાજકોટને જલેબીની સપ્લાય કરવામાં આવે છે. જલેબીમાં મોટા પ્રમાણમાં ભેળસેળ કરવામાં આવતી હોવાની ફરિયાદ વોર્ડ નં.2ના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમીટીના સભ્ય જયમીનભાઈ ઠાકરને મળતા તેઓએ આ અંગે આરોગ્ય શાખાના અધિકારીઓને જાણ કરી હતી. દરમિયાન ગઈકાલે સાંજે આરોગ્ય શાખાની ટીમ જલેબીના વેપારીને ત્યાં ત્રાટકી હતી જ્યાં 45 કિલો આથાનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્થળ પર બેફામ ગંદકી મળી આવતા વેપારીને નોટિસ ફટકારવામાં આવી હતી અને જલેબીના નમુના લઈ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.