રાજકોટ: પેટીશના વેપારીઓ પર કોર્પોરેશનના દરોડા: 70 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

ધનલક્ષ્મી ફરસાણ, શ્રીનાથજી ફરસાણ, ભગવતી ફરસાણ અને સંતોષ ડેરીમાંથી કદડો ખાદ્યસામગ્રી મળી આવી

શ્રાવણ માસમાં ફરાળી પેટીશનું વેચાણ વધુ માત્રામાં થતું હોય છે. વેપારીઓ વધુ નફો કમાવવાની લાલચમાં હલકી ગુણવતાની ખાદ્ય સામગ્રીનો ઉપયોગ કરતા હોવાની શંકાના આધારે કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમો દ્વારા શહેરનાં અમીન માર્ગ, યુનિવર્સિટી રોડ, રૈયા રોડ, કોટેચા ચોક, સંતકબીર રોડ, સાધુ વાસવાણીકુંજ રોડ, રેલનગર વિસ્તાર સહિત ફરસાણના 33 વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 70 કિલો વાસી અને અખાદ્ય ખોરાકનો નાશ કરી 4 વેપારીઓને નોટીસ ફટકારવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ફુડ શાખા દ્વારા પાયલ ડેરી ફાર્મ, બજરંગ ફરસાણ, શ્રીરામ કૃપા ડેરી ફાર્મ, ભારત ડેરી, ચામુંડા ફરસાણ, શ્રીબહુચરાજી સ્વીટ, પ્રજાપતિ ફરાળી ખીચડી, કૈલાસ ફરસાણ, રાજશકિત ફરસાણ, સંતોષ ડેરી, ભગવતી ફરસાણ, જોકર ગાંઠીયા, બાલાજી ફરસાણ, ભગવતી સ્વીટ એન્ડ નમકીન, પ્રણામી ફરસાણ, અંબિકા ફરસાણ, રસિકભાઈ ચેવડાવાળા, મહાકાળી ફરાળી ખીચડી, ચામુંડા ડેરી, ચામુંડા ફરસાણ, જય ભગીરથ ફરસાણ, કિશન ફરસાણ, શ્રીમોમાઈ ફરસાણ, માટેલ ફૂડ ઝોન, વરીયા ફરસાણ, શ્રીનાથજી ફરસાણ, ન્યુભારત ફરસાણ, ધનલક્ષ્મી ફરસાણ, રવિરાંદલ ફરસાણ, નવરંગ ફરસાણ, બાલાજી સ્વીટ, મહાદેવ ફરાળી પેટીશમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જે અંતર્ગત સાધુ વાસવાણીકુંજ રોડ પર ધનલક્ષ્મી ફરસાણમાં 50 કિલો પેટીશ અને લોટનો નાશ કરાયો હતો જયારે સંતકબીર રોડ પર શ્રીનાથજી ફરસાણમાં 10 કિલો પેટીશનો નાશ કરી બંને વેપારીઓને હાઈજેનિક કંડીશન બાબતે નોટીસ આપવામાં આવી છે. ઈન્દિરા સર્કલ પાસે ભગવતી ફરસાણમાં 7 કિલો અને સંતોષ ડેરી ફાર્મમાંથી 3 કિલો દાઝયા તેલના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.

ફરાળી પેટીશ, સ્ટાર્ચ પાઉડરના નમુના લેવાયા

શ્રાવણ માસના તહેવારને ધ્યાનમાં રાખી અલગ-અલગ 4 સ્થળેથી ખાદ્ય સામગ્રીના નમુના લેવામાં આવ્યા હતા જેમાં લાતી પ્લોટમાં સુરેશ ક્ધફેશનરીમાંથી એવર સ્ટાર મેઈઝ સ્ટાર્ચ અને ગ્લોબલ ફુડઝ સ્ટાર્ચ પાઉડરનો જયારે સીતારામ સોસાયટીમાં વરીયા ફરસાણમાંથી ફરાળી પેટીશ અને પેડક રોડ પર શ્રીનાથજી ફરસાણમાંથી પણ ફરાળી પેટીશના નમુના લેવામાં આવ્યા છે.

શ્રીખંડ, ડ્રાયફ્રુટ આઈસ્કીમ અને માવા બદામ આઈસ્ક્રીમનો નમુનો ફેઈલ

કોર્પોરેશનની ફુડ શાખા દ્વારા લેવામાં આવેલા શ્રીખંડ અને આઈસ્ક્રીમના નમુના પરીક્ષણમાં નાપાસ જાહેર કરવામાં આવ્યા છે. સદર બજારમાં શ્રીસત્યવિજય સોડા ફેકટરમાંથી લુઝ કેસર શ્રીખંડનો નમુનો લેવામાં આવ્યો હતો જેમાં સિન્થેટિક ફુડ કલરની હાજરી મળી આવી હતી જયારે કોઠારીયા રોડ પર સિંદુરીયા શોપીંગ સેન્ટરમાં નકલંક ડેરીમાંથી લુઝ મેંગો શ્રીખંડના નમુનામાં સિન્થેટિક ફુડ કલર અને સન્સેટ યેલો એપની હાજરી મળી આવતા નમુનો નાપાસ જાહેર કરવામાં આવ્યો હતો. ગોકુલનગર મેઈન રોડ પર ભગવતી આઈસ્ક્રીમમાંથી અજન્તાઝ અમેરિકન ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમનો નમુનો લેવામાં આવ્યો હતો જેમાં ધારાધોરણ કરતા ફેટનું પ્રમાણ ઓછું મળી આવ્યું હતું જયારે પેડક રોડ પર શ્રીશકિત કોઠી આઈસ્ક્રીમમાંથી માવા બદામ આઈસ્ક્રીમનો નમુનો લેવાયો હતો જે પરીક્ષણમાં ધારાધોરણ કરતા ફેટનું પ્રમાણ ઓછું મળી આવતા નાપાસ જાહેર કરવામાં આવ્યો છે.