રાજકોટઃ કોર્પોરેટર ડૉ. નેહલ શુક્લ યુનિવર્સિટીનું સિન્ડિકેટ પદ છોડશે ??

પ્રદિપ ડવ પણ નગરસેવક બનતા સેનેટમાં રહેશે કે નહીં તે સવાલ?

તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકોટમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપે ૭૨ માંથી ૬૮ સીટ કબજે કરી લેતા કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા હતા. ત્યારે પ્રથમવાર ભાજપે વોર્ડ નં.૭માં ડો.નેહલ શુકલ અને વોર્ડ નં.૧૨માં પ્રદિપ ડવને કોર્પોરેટરના ઉમેદવાર પદે ટિકિટ આપી હતી અને હવે બન્ને કોર્પોરેટર બની જતાં સવાલ અહીં એ ઉભો થાય છે કે, યુનિવર્સિટીનું સિન્ડીકેટ સભ્યનું પદ નેહલ શુકલ છોડશે કે કેમ ? અને પ્રદિપ ડવ પણ હવે નગરસેવક બની જતા સેનેટમાં રહેશે કે નહીં તે મોટો સવાલ છે. ડો.નેહલ શુકલ હવે કોર્પોરેટર બનતા સિન્ડીકેટ સભ્યનું પદ છોડે તે ક્યાંકને ક્યાંક નક્કી લાગી રહ્યું છે. સૌરાષ્ટ્ર યુનિ.ના સિન્ડીકેટ સભ્ય ડો.નેહુલ શુકલ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના એક્ઝીક્યુટીવ સભ્ય અને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય તરીકે પણ તેઓ ફરજ બજાવી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે મોટી ઘોષણા કરતા જણાવ્યું હતું કે, હવે ભાજપ સંગઠનમાં પ્રતિ ઘર દીઠ એક જ હોદ્દો મળશે અને કોઈપણ વ્યક્તિ જો એક પદનો દાવેદાર હોય તો તે બીજુ પણ સંભાળી નહીં શકે તેમાંથી તેને રાજીનામું આપવું પડશે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વરિષ્ઠ સિન્ડીકેટ સભ્ય તરીકે છેલ્લી છ ટર્મથી પદ સંભાળતા નેહલ શુકલ હવે કોર્પોરેટર બનતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ સિન્ડીકેટનો હવાલો સંભાળશે કે કેમ તે મુદ્દો હવે ચર્ચાસ્પદ બન્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રાજકારણમાં નેહલ શુકલનો અમુલ્ય ફાળો છે. યુનિવર્સિટીના તમામ પ્રકારના વહીવટો મોટાભાગે મેહુલ રૂપાણી અને નેહલ શુકલ જ કરતા હોય છે. ત્યારે હવે કોર્પોરેટર બની ગયેલા ડો.નેહલ શુકલ જો યુનિવર્સિટીના સિન્ડીકેટનો હવાલો છોડે તો યુનિવર્સિટીમાં તેના બદલામાં ક્યો એવો ચહેરો સક્ષમ છે કે જે આ પદ સંભાળી શકે તે પણ જોવાનું રહેશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છ મહાનગરપાલિકાઓમાં પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે હવે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડીકેટની ચૂંટણી પણ યોજાવાની છે. જેમાં મળતી માહિતી મુજબ આ ચૂંટણીમાં અનેક ફેરફારો આવે તેવું લાગી રહ્યું છે. આગામી ૨૩ મે ના રોજ સિન્ડીકેટ સભ્યનો કાર્યકાળ પૂર્ણ થઈ જતો હોય  ૨૩ મે પહેલા ચૂંટણી યોજાય જશે અને આગામી દિવસોમાં સિન્ડીકેટ સભ્ય તરીકે કોણ લડશે તેનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ જશે.

સિન્ડીકેટની ચૂંટણીમાં અનેક ફેરફારો થવાની સંભાવના

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડીકેટની ચૂંટણી પણ નજીક છે ત્યારે આ વર્ષે સિન્ડીકેટની ચૂંટણીમાં પણ સ્થાનિક સ્વરાજ્યની જેમ અનેક નવા નામો આવે તેવી પ્રબળ સંભાવના છે. જેમાં ખાસ તો ડો.નેહલ શુકલ કોર્પોરેટર બન્યા બાદ સિન્ડીકેટનું સભ્ય પદ છોડે તેવી સંભાવના છે અને તેની જગ્યાએ ડો.કલાધર આર્ય, ડો.નિલામ્બરીબેન દવે સહિતના નામોની ચર્ચાએ જોર પકડ્યું છે. આ ઉપરાંત ધમસાણીયા કોલેજના પ્રિન્સીપાલ ડો.વિજય ભટાસણાનો પણ નિવૃતિનો સમય નજીક હોય તેની જગ્યાએ કણસાગરા કોલેજના પ્રિન્સીપાલ ડો.રાજેશ કાલરીયા અને ડો.યજ્ઞેશ જોશીનું નામ મોખરે ગણાય રહ્યું છે. આ ઉપરાંત બીજીબાજુ જો યુનિવર્સિટીમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જેમ પાટીલ ફોર્મ્યુલા અપનાવવામાં આવે તો ડો.ગીરીશ ભિમાણી, ડો.ભાવીન કોઠારી, ડો.ભરત રામાનુજ સહિતનાઓનું સિન્ડીકેટ પદ પર જોખમ તોળાઈ રહ્યું છે.