રાજકોટ: ગોંડલ રોડ પર કાર-મોબાઇલ શોરૂમ, રેસ્ટોરન્ટ સહિત 25 સ્થળે ડિમોલીશન

માર્જીન-પાર્કિગમાં ખડકાયેલા રેલીંગ, સાઇન બોર્ડ, ઓટા, લોખંડની એંગલ સહિતના દબાણો દૂર કરી 2745 ચો.મી. જમીન ખૂલ્લી કરાવાઇ

કોર્પોરેશનની ટીપી શાખા દ્વારા આજે વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત શહેરના વોર્ડ નં.13ના સમાવિષ્ટ ગોંડલ રોડ પર જસાણી સ્કૂલથી ગોંડલ રોડ ચોકડી સુધીના વિસ્તારમાં કાર શોરૂમ, મોબાઇલ શોરૂમ, રેસ્ટોરન્ટ સહિત અલગ-અલગ 25 સ્થળોએ માર્જીન-પાર્કિંગની જગ્યામાં ખડકાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતાં. 2750 ચો.મી. જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી.

આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાએ જણાવ્યું હતું કે વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે ગોંડલ રોડ પર ઓપરેશન ઓટલા તોડ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જસાણી સ્કૂલથી ગોંડલ રોડ ચોકડી સુધીના વિસ્તારમાં શિવ હ્યુન્ડાઇ, સર્ધન પ્રિન્ટ, અમૃત લેમીનેટ્સ, કૈલાશ હાર્ડવેર, પવન પ્લાયવુડ, મટુકી રેસ્ટોરન્ટ, લેમીનેટ ઝોન, જયશિવ મેટલ, પલક હાઇડ્રોલીક, એપીએલ ઇન્ડસ્ટ્રીઝ, ભાવના ઇન્ડસ્ટ્રીઝ, શ્રીરામ ટીમ્બર, આર.કે. મારબલ, મર્સિડીઝ શોરૂમ સામે શ્રીજી મોટર્સ, સોમનાથ ઓટો, આશાપુરા ટેમ્બર, ક્રિેએટીવ ઓટો, વિજેતા ટુલ્સ, ઉમિયા સર્વિસ સેન્ટર, રાજ મંદિર રેસ્ટોરસન્ટ, હરસિદ્વિ ઓટોમોબાઇલ, લુક્કાસ સર્વિસ સ્ટેશન સહિત કુલ 25 સ્થળોએ માર્જીન અને પાર્કિંગમાં ખડકાયેલી રેલીંગ, સાઇન બોર્ડ, રોડને નડતરરૂપ ઓટા, લોખંડની એંગલ સહિતના દબાણો દૂર કરી 2750 ચો.મી. જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી.

આ કામગીરીમાં સેન્ટ્રલ ઝોનના ડેપ્યુટી કમિશ્ર્નર, સીટી એન્જીનીયર સેન્ટ્રલ ઝોન તેમજ સેન્ટ્રલ ઝોનની ટાઉન પ્લાનીંગ શાખા, દબાણ હટાવ શાખા, રોશની શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખાના તમામ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે સુરક્ષા વિભાગના અધિકારી તથા તેમનો તમામ સ્ટાફ સ્થળ પર હાજર રહ્યા હતાં.