રાજકોટ: વોર્ડ નં.3માં સૂર્યા પાર્ક વિસ્તારમાં ટીપીના રોડ ખૂલ્લા કરાવવા ડિમોલીશન

24 મીટર અને 12 મીટર રોડ પર ખડકાયેલા દબાણો દૂર કરી 350 ચો.મી. જગ્યા ખૂલ્લી કરાવાઇ

શહેરના વોર્ડ નં.3માં ટીપીના બે અલગ-અલગ રોડ ખૂલ્લા કરાવવા માટે આજે ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા સૂર્યા પાર્ક વિસ્તારમાં ડિમોલીશન કરવામાં આવ્યું હતું. જેમાં 24 મીટર અને 12 મીટર ટીપીના રોડ પર આશરે 350 ચો.મી. જમીન પર ખડકાયેલા દબાણો હટાવી દેવામાં આવ્યા હતાં.

કમિશ્નર અમિત અરોરાની સૂચના અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઑફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા વોર્ડ નં.3 માં ટી.પી. સ્કીમ-19(રાજકોટ) ગુજરાત સરકાર દ્વારા તા.31/12/2020 થી અંતિમ મંજુર કરવામાં આવેલ હોઈ, અમલીકરણના ભાગરૂપે યોજનામાં સમાવિષ્ટ ટી.પી. રોડ પૈકી સુર્યા પાર્ક પાસે, રેલનગર ટાંકાની સામેના 24 મીટર ટી.પી. રોડ તથા રેલ્વે ટ્રેકને લાગુ 12 મી. ટી.પી. રોડ પરના ગેરકાયદેસર બાંધકામ અન્વયે નોટીસ ઇસ્યુ કરી દબાણ દુર કરવા જણાવવામાં આવી તેમજ આ બાબતે દબાણગ્રસ્તોને ગેરકાયદેસર બાંધકામ જાતે દુર કરવા મૌખિક સુચના આપવામાં આવી. આજે દબાણો દુર કરી, અંદાજે 1.75 કરોડની કિંમતની 350 ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવી છે.