Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંગત રસ લઈ સૌની યોજના અંતર્ગત માગ્યાના એક પખવાડીયા અગાઉ જ આજી ડેમમાં નર્મદાના નીર ઠાલવવાનું શરૂ કરાવી દીધું છે. પરંતુ મહાપાલિકાની અણઆવડતના કારણે રાજકોટવાસીઓ સતત પાણી કાપોત્સવ ભોગવી રહ્યાં છે. 10 દિવસમાં આજી ડેમની સપાટીમાં 5 ફૂટનો વધારો ચોક્કસ થયો છે પરંતુ શહેરીજનોને પાણી કાપમાંથી મુક્તિ મળી નથી. ગઈકાલે શહેરના અલગ અલગ 5 વોર્ડમાં પાણી વિતરણ બંધ રખાયા બાદ આજે નવનિયુક્ત ડે.મેયર ડો.દર્શિતાબેન શાહના મત વિસ્તાર એવા વોર્ડ નં.2 અને દંડક સુરેન્દ્રસિંહ વાળાના મત વિસ્તાર એવા વોર્ડ નં.13 સહિત અલગ અલગ 7 વોર્ડના લાખો લોકો તરસ્યા રહ્યાં છે. આવતીકાલે સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલના મત વિસ્તાર એવો વેર્ડ નં.9 આખો પાણી વિના વલખા મારશે. પાણી કાપોત્સવ વચ્ચે નવનિયુક્ત પદાધિકારીઓ હાલ શુભેચ્છશ સ્વીકારવામાં અને વડીલોના આશિર્વાદ લેવામાં વ્યસ્ત છે.

જીડબલ્યુઆઈએલ દ્વારા એનસી-32, એનસી-33 અને એનસી-34ના સંપ ખાતે સફાઈ અને મેન્ટેનન્સની કામગીરી માટે શટડાઉન લેવામાં આવ્યું છે જેના કારણે રાજકોટને જરૂરીયાત મુજબ નર્મદાના નીર મળતા નથી. આવામાં ગઈકાલે શહેરના વોર્ડ નં.1,2,8,9 અને 10માં પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું હતું. પાણી કાપે પદાધિકારીઓને આવકાર્યા હતા. દરમિયાન આજે મવડી ઈએસઆર, જીએસઆર હેઠળના એવા વિસ્તાર કે જ્યાં બપોરે 12 વાગ્યા બાદ અને ચંદ્રેશનગરના એવા વિસ્તાર વોર્ડ નં.8 (પાર્ટ), વોર્ડ નં.11 (પાર્ટ), વોર્ડ નં.13 (પાર્ટ), બજરંગવાડી અને રેલનગર ઈએસઆર જીએસઆર હેઠળ આવતા વોર્ડ નં.2 અને 3ના વિસ્તારો, જ્યુબેલી પમ્પીંગ સ્ટેશન હેઠળ આવતા કેનાલ રોડ અને જંકશન સાઈટના વોર્ડ નં.2 (પાર્ટ), 3 (પાર્ટ), 7 (પાર્ટ) અને 14 પાર્ટમાં લાખો લોકો તરસ્યા રહ્યાં છે. દરમિયાન આવતીકાલે રૈયા ફિલ્ટર પ્લાન્ટ હેઠળ આવતા વોર્ડ નં.1, વોર્ડ નં.2 (પાર્ટ), વોર્ડ નં.8 (પાર્ટ), વોર્ડ નં. 9 અને વોર્ડ નં.10 (પાર્ટ)ના ગાંધીગ્રામ રીંગ રોડ અને સોજીત્રાનગર વિસ્તારમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવશે.ગઈકાલે સત્તા સંભાળ્યા બાદ શાસકોએ એવી બાંહેધરી ચોક્કસ આપી કે હાલ ટેકનીકલ કારણોસર પાણીકાપ લાદવામાં આવ્યો છે પરંતુ હવે રાજકોટવાસીઓએ ચોમાસા સુધી એક પણ દિવસ પાણી કાપ મુકવો ન પડે તેવુ આયોજન ગોઠવીશું પરંતુ હવે શાસકોની આ ખાતરી કેવી નિવડે છે તે તો આવનાર સમય જ બતાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.