રાજકોટ: અનુબંધમ વેબ પોર્ટલથી નોકરી દાતા અને નોકરી ઇચ્છુક વચ્ચે રચાયો રોજગાર સેતુ

રાજ્ય સરકાર દ્વારા રોજગારી ક્ષેત્રે ક્રાંતિકારી અભિગમ  તાલીમબધ્ધ ઉમેદવારો તેમજ  ઉદ્યોગકારોની મેનપાવરની જરૂરિયાત પૂર્તી માટે  વેબ પોર્ટલ દ્વારા નિ:શુલ્ક સેવા ઉપલબ્ધ: જિલ્લામાં 2,226 નોકરીવાંછુક લોકોએ અને 145 નોકરી દાતા એકમોએ નોંધણી કરાવી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રોજગાર દિવસ નિમિત્તે રોજગારી ક્ષેત્રે નિ:શુલ્ક સુવિધા પુરી પાડતું  અનુબંધમ વેબપોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ વેબ પોર્ટલનો ઉદ્દેશ નોકરી દાતા અને રોજગાર ઇચ્છુક વચ્ચે સેતુ બનાવી રોજગારી પૂરો પાડવાનો છે.

આ વેબ પોર્ટલ પર જેને કામ આપવું છે તેવા તમામ નોકરી દાતા પોતાના એકમની નોંધાવી કરાવી  શકે છે, જયારે જેને કામની જરૂર છે તેવા ઉમેદવાર પોતાની લાયકાત, આવડત નોધાવી શકે છે. કોઈપણ એકમને જે પણ મેન પાવરની જરૂરત હોઈ તેઓ પોર્ટલ પર ઉપલબ્ધ નોકરી વાંછુક ઉમેદવારોનો ડેટા તપાસી યોગ્ય ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવી રોજગારી પુરી પાડી શકે છે.

રોજગાર કચેરી, રાજકોટના નિયામકશ્રી ચેતન દવેએ જણાવ્યું છે કે, રાજકોટ રીજીયનમાં ટૂંકા ગાળામાં જ 2,226 નોકરી વાંછુક લોકોએ તેમનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જયારે 145 નોકરી દાતા એકમોએ પણ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. હવે તેઓ જરૂરિયાત મુજબ ઉપલબ્ધ ડેટામાંથી સમયાંતરે રોજગારી પુરી પાડશે.

રાજકોટ રીજીયનમાં ખાસ કરીને સૂક્ષ્મ અને મધ્યમ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝ આવેલી હોઈ સ્કિલ બેઝ આઈ.ટી.આઈ. સંલગ્ન યુવાઓને વધુમાં વધુ રોજગારીના વિકલ્પ ખુલ્લા હોવાનું પણ શ્રી ચેતન દવેએ જણાવ્યું છે. આ સાથે શ્રમિક કક્ષાએ પણ રોજગારીની વિપુલ તકો હાલ ઉપલબ્ધ છે.

અનુબંધમ વેબ પોર્ટલ પર આ રીતે કરી શકાશે નોંધણી

રોજગાર વાંચ્છુ ઉમેદવારોએ www.anubandham .gujarat.gov.in વેબ પોર્ટલ પર જવું. ત્યાર બાદ રજીસ્ટર બટન પર ક્લિક કરવું. ત્યારબાદ જોબ સીકર પસંદ કરી મોબાઈલ નંબર અથવા ઇમેઇલ આઈડી દ્વારા વિગતો ભરવી. ત્યારબાદ એપ્લિકેશન ફોર્મમાં નામ, સરનામા સહિતની વિગત ભરવી. સાઈન અપ થયા બાદ વધારાની માહિતી જેવી કે શૈક્ષણિક લાઇકાત, અનુભવ વગેરેની માહિતી પુરી પાડવી.

કંપની કે ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પણ જોબ પ્રોવાઇડર / એમ્પ્લોયર તરીકે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. વધુ માહિતી માટે રોજગાર નિયામકની કચેરી, રાજકોટનો સંપર્ક કરવા જણાવાયું છે.