રાજકોટ: બેડીનાકા ટાવરના યુવાનના આપઘાત અંગે જવાબદાર પોલીસ સામે ગુનો નોંધો

  • જસદણના એટીએમમાં થયેલી રૂ.17.33 લાખની ચોરીનો ભેદ ઉકેલવા કીડનીના બીમાર યુવકને પિતાની નજર સામે પોલીસે માથામાં પટ્ટા માર્યા
  • પોલીસે થર્ડ ડીગ્રીથી કરેલી પૂછપરછના કારણે ભયભીત બનેલા યુવાને ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું: લાશ સ્વીકારવા મૃતકના પરિવારનો ઇન્કાર

જસદણના ગીતાનગર વિસ્તારમાં બેન્ક ઓફ બરોડાના એટીએમનો ડોવર ચાવીથી ખોલી રૂા.17.33 લાખની થયેલી ચોરીનો ભેદ ઉકેલવા જસદમ પોલીસે શકદાર મનાતા રાજકોટના યુવકની અટકાયત કરી કીડનીની બીમારી હોવા છતાં તેના પિતાની નજર સામે થર્ડ ડીગ્રીથી કરાયેલી પૂછપરછના કારણે પોલીસના ડરથી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા જવાબદાર પોલીસ સ્ટાફ સામે જયાં સુધી ગુનો નહી નોંધાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો મૃતકના પરિવારે ઇન્કાર કરતા પોલીસમાં દોડધામ મચી ગઇ છે.

જસદણમાં બે દિવસ પૂર્વે ગીતાનગરમાં આવેલા બેંક ઓફ બરોડાની શાખાના એટીએમમાંથી રૂ. 17.33 લાખની ચોરી થયાની ઘટના સામે આવી હતી જેમાં ત્રણ શંકાસ્પદ શખસો સામે ફરિયાદ નોંધાયા બાદ આ ચકચારી બનાવમાં રાજકોટના યુવાનને જસદણ પોલીસે ઢોર માર મારતા હતાસ થઈ ગયેલા યુવાને ગઈકાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે પોલીસે આ યુવાનના માથામાં બેલ્ટ મારતા હોવાનો મૃતકના આક્ષેપ કર્યો હતો અને તેને ચોરીની કબુલાત કરવા માટે પ્રેશર કરવામાં આવતું હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.જે મામલે જો કોઈ જવાબદાર અધિકારી દ્વારા ચોક્કસ ન્યાયની બાહેધરી આપવામાં આવશે ત્યારે જ મૃતકની લાશ સ્વીકારવાનું જણાવ્યું હતું.

બનાવની વિગતો મુજબ રાજકોટના બેડીનાકા ટાવર પાસે રહેતા અને એટીએમ સેન્ટરમાં નાણા ટ્રાન્સફ્ટ કરતી સિક્યોર કંપનીમાં નોકરી કરતા જયપુરી અતુલપૂરી ગોસ્વામી નામના 23 વર્ષીય યુવાને ગઈકાલ સાંજે સાડા પાંચે પોતાના ઘરે ઓરડીમાં ચાદર બાંધી આપઘાત કરી લીધો હતો આ બનાવ અંગે તેના પિતરાઈ ભાઈ દીપએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જસદણના એ ટી એમ માં પૈસા નાખ્યાના બે દિવસ બાદ ચોરી થઇ હતી જેથી જયને મેનેજરે નિવેદન માટે જસદણ પોલીસ સ્ટેશને જવાનું છે તેમ કહેતા પિતા સાથે ગયા હતા ત્યાં કોઈ પોલીસમેને મારકૂટ કરી હતી.

ત્યારે સાથે ગયેલા પિતાએ તેને એક જ કીડની છે અને ઓપરેશન કરાવ્યું છે મારકૂટ ન કરવા વિનંતી કરતા પોલીસે તમે બહાર નીકળો અમે અમારી કાર્યવાહી કરીશું કહી બહાર કાઢ્યા બાદ પોલીસ મેને મૃતક યુવકના માથામાં બેલ્ટ માર્યા હતા અને વહેલી સવારે ફરિયાદ નોંધી જવા દીધા હતા મારકૂટથી હતાસ થયેલા યુવાને આ પગલું ભરી લીધું હતું એકના એક આધારસ્તંભ દીકરાના મોતથી દંપતી શોકમાં ગરકાવ થઇ ગયું છે અને મૃતકના પરિવારજનોએ ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો છે.

જન્મ દિવસની પૂર્વ સંધ્યાએ કરી આત્મહત્યા

શહેરના બેડીનાકા ટાવર પાસે રહેતા અને એટીએમમાં નાણા જમા કરાવવાનો કોન્ટ્રાકટ ધરાવતા સિક્યોર કંપનીના કર્મચારી જયપુરી અતુલપુરી ગૌસ્વામીનો આવતીકાલે જન્મ દિવસ છે. જન્મ દિવસની પરિવારમાં ખુશીનો માહોલ છવાયેલો હતો તે પૂર્વે જ જસદણ પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા કરેલી આકરી પૂછપરછથી ડરીને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ ગઇ છે.

મૃતકના સગા-સંબંધીઓએ પોસ્ટમોર્ટમ રૂમ પાસે રામધૂન બોલાવી

જસદણ પોલીસ દ્વારા કરાયેલી આકરી પૂછપરછના કારણે ભયભીત બની ગયેલા જયપુરી અતુલપુરી ગૌસ્વામીએ ગળાફાંસો ખાઇ કરેલી આત્મહત્યા બાદ પોતાને ન્યાય મળી રહે તે માટે અંદાજે સૌથી વધુ જયપુરી ગૌસ્વામીના પરિવાર, સગા-સંબંધીઓ દ્વારા રામધૂન બોલાવી હતી. પોતાને ન્યાય મળી રહે તે માટે પ્રભુ પાસે પાર્થના કરી હતી.