Abtak Media Google News

અમુક અપક્ષ ઉમેદવારોની બાદબાકી થઈ જશે, ચૂંટણી તંત્ર ઉમેદવારોની અંતિમ યાદી પ્રસિદ્ધ કરી તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેશે

વિધાનસભાના જંગમાં આજે સાંજે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. અમુક અપક્ષ ઉમેદવારોની બાદબાકી થઈ થશે બાદમાં ચૂંટણી તંત્ર ઉમેદવારોની અંતિમ યાદી પ્રસિદ્ધ કરી તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીનું મતદાન બે તબક્કામાં થવાનું છે. સૌરાષ્ટ્રની બેઠકોમાં પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર 2022ના દિવસે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બર 2022ના દિવસે થશે. જ્યારે મતગણતરી 8 ડિસેમ્બર 2022ના રોજ થશે. જ્યારે રાજકોટ જિલ્લામાં અગાઉ ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફોર્મની ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. ત્યારબાદ હવે આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. આજે સાંજ સુધીના કેટલા ઉમેદવારો મેદાનમાં રહેશે. તે અંગેનું ચિત્ર સ્પષ્ટ થઈ જવાનું છે.જો કે અમુક અપક્ષ ઉમેદવારો પોતાનું ફોર્મ ખેંચશે. બાદમાં આજે સાંજે ઉમેદવારોની અંતિમ યાદી પ્રસિદ્ધ કરી ચૂંટણી તંત્ર બેલેટ પેપર છપાવવાની કામગીરી શરૂ કરી દેશે. ત્યારબાદ ઉમેદવારોને ચિહ્નની ફાળવણી સહિતની આગળની કામગીરી  હાથ ધરવામાં આવનાર છે.

તાલીમમાં ઉપસ્થિત ન રહેનાર 18 જેટલા સ્ટાફને નોટિસ

રાજકોટ જિલ્લામાં ગત રવિવારના રોજ તમામ ચૂંટણી સ્ટાફની વિધાનસભા બેઠક વાઇઝ તાલીમ યોજાઈ હતી. જેમાં ચૂંટણી ફરજ સોંપાઈ હોય તેવા કર્મચારીઓને અધિકારીઓ દ્વારા અલગ અલગ સેશનમાં તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં ગેરહાજર રહેનાર 18 જેટલા સ્ટાફને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા નોટિસ ફટકારીને જવાબ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે.

જિલ્લામાં હાલ 32 ચેકીંગ પોઇન્ટ : 72 સ્ટેટિક સર્વેલન્સ અને 24 ફ્લાઈંગ સ્કોવડ કાર્યરત

રાજકોટ જિલ્લામાં ચૂંટણી કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે હાલ 32 ચેકીંગ પોઇન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે.આ સાથે 72 સ્ટેટિક સર્વેલન્સ અને 24 ફ્લાઈંગ સ્કોવડ કાર્યરત કરવામાં આવી છે. આ ટિમો વિવિધ વિસ્તારોમાં ફરીને ચેકીંગની કામગીરી કરી રહી છે.

ટ્રક, કાર અને બસ ચાલકોને હેરફેર અંગેની બાતમી આપવા ચૂંટણી તંત્રે કરી અપીલ

રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્રે ટ્રક એસોસિએશન, બસ એસોસિએશન, ઓટો ડ્રાઇવર અને કેબ એસોસિએશનના સભ્યો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી તંત્રે તમામને જો કોઈ નાણાની કે અન્ય વસ્તુની ગેરકાયદે હેરફેર નજરે પડે તો તુરંત બાતમી આપવાની અપિલ કરી હતી.

જિલ્લામાં 26 અને શહેરમાં 7 જગ્યાએ ફ્લેગ માર્ચ કરાઈ

રાજકોટ શહેર અને જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થાય તે માટે તંત્ર દ્વારા સતત પ્રયત્નો હાથ કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત પેરામિલટરી ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે આ ફોર્સ દ્વારા રાજકોટ જિલ્લામાં 26 સ્થળોએ તેમજ સિટીમાં સાત જગ્યાએ ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.

જિલ્લામાં 2264 મતદાન મથકો, 725 સંવેદનશીલ

રાજકોટ જિલ્લાની આઠેય વિધાનસભામાં મળીને કુલ 2264 મતદાન મથકો છે. અગાઉ આ મતદાન મથકોની સંખ્યા 2253 હતી. પણ આ વખતે 11 મતદાન મથકો વધારવામાં આવ્યા હતા. આ પૈકીના 725 મતદાન મથકો સંવેદનશીલ હોવાનું જિલ્લા કલેકટર દ્વારા જણાવાયું છે. જેમાં મોટાભાગના ગોંડલ, રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણમાં છે.

હાલ જિલ્લામાં પેરામિલિટરી ફોર્સની પાંચ કંપનીઓનો બંદોબસ્ત

ચૂંટણી વખતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પેરા મિલિટરી ફોર્સની મદદ લેવામાં આવતી હોય છે. રાજકોટ જિલ્લામાં પેરામિલટરીની 5 કંપનીનો હાલ બંદોબસ્ત છે. જેમાં 2 કંપની સિટીમાં છે અને 3 કંપની ગ્રામ્યમાં છે. અંદાજે 700 જેટલા જવાનો હાલ અહીં છે. હજુ બે કંપની વધુ મળે તેવી શકયતા છે.

મતદાનના 83 હજાર સંકલ્પપત્રો ભરાયા : વોટ્સએપ મારફતે પણ જાગૃતિ અભિયાન

રાજકોટ જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 83000 સંકલ્પ પત્રો લોકો પાસે ભરાવવામાં આવ્યા છે.જેમાં લોકોએ અવશ્યપણે મતદાન કરવાનો સંકલ્પ લીધો છે. આ ઉપરાંત મતદાન અંગે જાગૃતિ લાવવા ચૂંટણી તંત્ર વોટ્સએપની પણ મદદ લેવાનું છે. અંદાજે 23 હજાર જેટલા યુવા મતદારોના ગ્રુપ બનાવી જાગૃતિ ફેલાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.