રાજકોટ: વીજ વાયર ચોરતી ગેંગના પાંચ શખ્સો પાસામાં

  • મોરબી રોડ પરના કાગદડી પાસેથી રૂ.6 લાખની કિંમતના 1300 કિલો પીજીવીસીએલનો વાયરની ચોરી કરી’તી
  • પાંચેય શખ્સો પાસા હેઠળ જેલમાં ધકેલવા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે વોરન્ટ ઇસ્યુ કર્યુ
  • પાંચેયને અમદાવાદ, સુરત, વડોદરા, ભૂજ અને મહેસાણા જેલ હવાલે કરાયા

મોરબી રોડ પર આવેલા કાગદડી પાસે તાજેતરમાં થયેલી વીજ વાયર ચોરીના ગુનામાં સંડોવાયેલા પાંચ શખ્સોની કુવાડવા રોડ પોલીસે ધરપકડ કરી તેની પાસેથી રૂા.6 લાખની કિંમતના 13 કિલો પીજીવીસીએલનો વાયર કબ્જે કરાયો હતો. પાંચેય શખ્સોની પાસા હેઠળ અટકાયત કરવા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે વોરન્ટ ઇસ્યુ કરતા કુવાડવા રોડ પોલીસે પાસાના વોરન્ટની બજવણી કરી અમદાવાદ, સુરત, વડોદરા, ભૂજ અને મહેસાણા જેલ હવાલે કરાયા છે.

કુવાડવા રોડ પોલીસે તાજેતરમાં જ કાગદડી પાસેની વીજ વાયર ચોરી કરતી ગેંગના રાજકોટ તાલુકાના પીપીળીયા ગામના સુરેશ ચના રાતડીયા, સંત કબીર રોડ ગોકુળનગરના રવિ નરશી ગાંગળીયા, ગોંડલ તાલુકાના મોવૈયા ગામના વતની અને જસદણના રાણીંગપર ગામે રહેતા સુરેશ વિહા સોમાણી, ચોટીલા તાલુકાના રાજપરા ગામના રઘુ સામત દુધરેજીયા અને રાજકોટના ગઢકા ગામના વિજય વાલજી દુધરેજીયા નામના શખ્સોની રૂા.6 લાખની કિંમતના 1300 કિલો વીજય વાયર સાથે ધરપકડ કરી હતી.

તમામની પાસા હેઠળ અટકાયત કરવા પીસીબીના પી.આઇ. એમ.બી.નકુમ અને અજયભાઇ શુકલ સહિતના સ્ટાફે પાંચેય શખ્સોની પાસા હેઠળ અટકાયત કરવા દરખાસ્ત તૈયાર કરતા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પાસાના વોરન્ટ ઇસ્યુ કર્યા હતા.

કુવાડવા રોડ પોલીસ મથકના પી.આઇ. ભાર્ગવ ઝણકાંત, પીએસઆઇ મેહુલ રાઠોડ, હેડ કોન્સ્ટેબલ હિતેશભાઇ ગઢવી, અરવિંદભાઇ મકવાણા, અજીતભાઇ લોખીલ અને રોહિતદાન ગઢવીએ પાસાના વોરન્ટની બજવણી કરી સુરેશ રાતડીયાને અમદાવાદ સાબરમતી જેલ, રવિ ગાંગળીયાને સુરત, સુરેશ સોમાણીને વડોદરા, રઘુ દુધરેજીયાને ભૂજ પાલારા જેલ અને વિજય દુધરેજીયાને મહેસાણા જેલ હવાલે કરાયા છે.