Abtak Media Google News

મોદી સ્કૂલથી એસ્ટ્રોન નાલા સુધીનો, દસ્તુર માર્ગની સામે રાજ મંદિર ફાસ્ટફૂડવાળો, વિરાણી હાઈસ્કૂલ પાસેના વન-વેની પહોળાઈ 9 મીટરથી વધારી 15 મીટર સુધી કરાશે: ભારત

ટ્રાવેલ્સ પાસેથી નીકળતો અને ભક્તિનગર સ્ટેશન તરફ જતો હયાત 9 મીટરનો રોડ 24 મીટર સુધી પહોળો થશે: લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ લાગુ કરવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત

શહેરમાં વિકરાળ બની રહેલી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે કોર્પોરેશન દ્વારા અલગ અલગ રાજમાર્ગો પર અંડરબ્રિજ અને ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યાં છે. જૂના રાજકોટ અને નવા રાજકોટને જોડતા લક્ષ્મીનગર બ્રિજનું કામ હાલ પૂર્ણતાના આરે છે. ટૂંક સમયમાં વાહન ચાલકો માટે આ અંડરબ્રિજ ખુલ્લો મુકી દેવામાં આવશે. ત્યારે લક્ષ્મીનગર બ્રિજને લાગુ અલગ અલગ ચાર રોડ 15 થી 24 મીટર સુધી પહોંળા કરવા માટે લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ દાખલ કરવા સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ દરખાસ્ત અંગે આગામી બુધવારે મળનારી ખડી સમીતીની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, લક્ષ્મીનગર અંડરબ્રિજની પૂર્વ દિશા તરફના તમામ રસ્તા પર લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ દાખલ કરી રસ્તા પહોળા કરવામાં આવશે જેમાં લક્ષ્મીનગર મેઈન રોડથી બ્રિજમાંથી પસાર થયા બાદ રોડની ડાબી તરફ મોદી સ્કૂલથી એસ્ટ્રોન નાલા સુધીનો હયાત 9 મીટરનો રસ્તો પહોળો કરી 15 મીટર સુધી કરવામાં આવશે.

આ ઉપરાંત આજ રોડને લાગુ એવા ટાગોર રોડ પર હોમી દસ્તુર માર્ગની સામે આવેલો રાજમંદિર ફાસ્ટફૂડ વાળો રોડ જે હયાત 9 મીટર છે તેને 15 મીટર સુધી પહોળો કરવામાં આવશે. જ્યારે વિરાણી હાઈસ્કૂલની દિવાલ પાસેનો હયાત વન-વે જે 9 મીટર છે તેને પણ 15 મીટર કરવામાં આવશે. જ્યારે ટાગોર રોડથી લક્ષ્મીનગર નાલા તરફ જવાનો રસ્તો જે હાલ 9 મીટર છે તેને મોદી સ્કૂલના સામેના ભાગ સુધી 9 મીટર રાખવામાં આવશે અને ત્યાંથી લઈ ભક્તિનગર સ્ટેશન પ્લોટ સુધી રોડની પહોળાઈ પેરેલલ 24 મીટર કરવામાં આવશે.

આમ બ્રીજને લાગુ અલગ અલગ ચાર રસ્તાઓ પૈકી 3 રસ્તાઓની પહોળાઈ 9 મીટરથી વધારી 15 મીટર અને 1 રસ્તાની પહોળાઈ હયાત 9 મીટરથી વધારી 24 મીટર કરવામાં આવશે. જેના કારણે જૂના અને નવા રાજકોટને જોડતા મુખ્ય રસ્તા પર લોકોને ટ્રાફિકજામની સમસ્યાથી મુક્ત વાહન વ્યવહારની સુગમતા મળી રહેશે.

તેઓએ ઉમેર્યું હતું કે, બ્રિજને લાગુ ચાર રસ્તા પહોળા કરવા માટે એવીપીટી કોલેજ, વિરાણી હાઈસ્કૂલ અને રેલવેની જમીન કપાતમાં લેવામાં આવશે. ખાનગી માલીકીની કોઈ જમીન કપાતમાં જશે નહીં. રોડ પહોળા કરવાની કામગીરીના કારણે બ્રિજનું લોકાર્પણનું કામ અટકશે તેવી કોઈ જ શકયતા નથી. કારણ કે બ્રીજ ખુલો મુકી દેવાયા બાદ પણ રોડ પહોળા કરવાની કામગીરી ચાલુ રાખી શકાય તેમ છે.

કોર્પોરેશનને પણ નડ્યો ભાવ વધારો: પેટ્રોલ ડીઝલનો ખર્ચ કાઢવા 2 કરોડનો થશે વર્ગ ફેર

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ બેરલના ભાવ સતત વધી રહ્યાં છે. જેના કારણે પેટ્રોલ અને ડીઝલ સદી ફટકારી ચૂક્યા છે. સતત ભાવ વધારાના કારણે મોંઘવારીએ માજા મુકી છે જેની અસર મહાપાલિકાની તીજોરી પર પણ પડી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ખર્ચ માટે બજેટમાં કરવામાં આવેલી રૂા.6.32 કરોડના ખર્ચની જોગવાઈ વપરાઈ ગઈ છે. હવે 2 કરોડ રૂપિયાનો વર્ગ ફેર કરવા સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

ચાલુ નાણાકીય વર્ષમાં પેટ્રોલ-ડીઝલ, ઓઈલ અને લુબ્રિક્ધટની ખરીદી માટે રૂા.6.32 કરોડ રાખવામાં આવ્યા હતા. ડીઝલના ભાવમાં વધારો થયો છે અને જનરેટરની સંખ્યા પણ વધારવામાં આવી હોવાના કારણે આ રકમ વપરાય ચૂકી છે. નાણાકીય વર્ષ પૂરું થવાના આડે હજુ 6 મહિનાનો સમય બાકી રહ્યો છે ત્યારે જેસીબી મેટેનન્સ માટે કરવામાં આવેલી 2 કરોડના ખર્ચની જોગવાઈનો વર્ગફેર કરી તેનો ઉપયોગ પેટ્રોલ અને ડીઝલની ખરીદી કરવામાં આવશે.

સાવધાન… ઘર પાસે વાહન પાર્કિંગના પણ નાણા ચૂકવવા પડશે

સુપ્રીમનના આદેશ મુજબ કોર્પોરેશન બનાવશે પાર્કિંગ પોલીસી અને બાય-લોઝ

ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓને પાર્કિંગ પોલીસી બનાવવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. જેને પગલે કોર્પોરેશન દ્વારા પાર્કિંગ પોલીસી અને બાય-લોઝ તૈયાર કરવામાં આવશે. ભવિષ્યમાં રાજકોટવાસીઓએ ઘર પાસે વાહન પાર્ક કરવાના પણ નાણા ચૂકવવા પડશે. બુધવારે મળનારી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં પાર્કિંગ પોલીસી બનાવવા માટે સૈધ્ધાંતિક નિર્ણય લેવામાં આવશે.

ભવિષ્યમાં રાજ્ય સરકારની માર્ગદર્શિક મુજબ શહેરના અલગ અલગ રાજમાર્ગો પર ઓન અને ઓફ પાર્કિંગ ચાર્જીસ નિયત કરવામાં આવશે. જેમાં ભવિષ્યમાં એવું પણ બની શકે કે, રાજકોટવાસીઓએ ઘર પાસે વાહન પાર્ક કરવા પણ પૈસા ચૂકવવા પડશે.  હાલ ભલે માત્ર પોલીસી નિયત કરવામાં આવી રહી હોય પરંતુ જે રીતે શહેરની ટ્રાફિકની સમસ્યા દિન-પ્રતિદિન વકરી રહી છે તેના નિરાકરણ માટે લોકો આંતરીક પરિવહન તરફ વળે તેવા આશય સાથે વાહન પાર્કિંગનો પણ ચાર્જ વસુલ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.