રાજકોટ: કાલથી કોર્પોરેશન આવતા તમામ લોકોનું કરાશે સ્ક્રિનિંગ

શહેરમાં હાલ 258 વિસ્તારો ક્ધટેન્મેન્ટ ઝોન હેઠળ: નવા ટેસ્ટીંગ બૂથ શરૂ કરવાની પણ વિચારણાં

બપોર સુધીમાં શહેરમાં કોરોનાના નવા 51 કેસ નોંધાતા આરોગ્ય શાખામાં દોડધામ

રાજકોટ ક્રિમીનલ કોર્ટના જજ, છ કર્મચારી અને બાર એસો.ના ઉપપ્રમુખ સીઘ્ધરાજસિહ જાડેજા કોરોના પ્રોઝિટિવ

શહેરમાં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન સતત વધી રહ્યું છે. ગઇકાલે કોરોનાના 244 કેસો નોંધાયા હતાં, એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો ન હતો. હાલ શહેરમાં 1517 લોકો કોરોનાની સારવાર લઇ રહ્યા છે. કોર્પોરેશન કચેરીમાં હાલ આવતા અરજદારોએ વેક્સીનના બંને ડોઝ લઇ લીધા છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી રહી છે. દરમિયાન આવતીકાલથી કોર્પોરેશનની કચેરીમાં દરવાજે જ સ્ક્રીનીંગ બૂથ ઉભું કરવામાં આવશે. જ્યાં તમામ લોકોનું સ્ક્રીનીંગ કર્યા બાદ જ પ્રવેશ કરવામાં આવશે. જો શંકાસ્પદ લક્ષણ જણાય તો તેનો રિપોર્ટ પણ કરવામાં આવશે.

હાલ શહેરમાં 258 વિસ્તારો માઇક્રો ક્ધટેન્મેન્ટ ઝોન હેઠળ છે. જે રીતે કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે જે જોતા આગામી દિવસોમાં નવા ટેસ્ટીંગ બૂથ પણ શરૂ કરવાની વિચારણાં ચાલી રહી છે. સૌથી વધુ કોરોનાના કેસ ન્યૂ રાજકોટમાં નોંધાઇ રહ્યા છે અને ક્ધટેન્મેન્ટ ઝોન પણ વેસ્ટ ઝોનમાં જ સૌથી વધુ ધમધમી રહ્યા છે.

કોર્પોરેશનના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે મહાપાલિકા સંતર્ક થઇ ગયું છે. હાલ 150 ધન્વંતરી અને સંજીવની રથ દોડવવામાં આવી રહ્યા છે. જે વિસ્તારમાંથી કોરોનાના કેસ મળે ત્યાં ધન્વંતરી રથ દ્વારા સઘન ટેસ્ટીંગ ઝુંબેશ પણ ચલાવવામાં આવી રહી છે. હાલ મહાપાલિકાની કચેરી આવતા તમામ અરજદારોએ કોરોના વેક્સીનના બંને ડોઝ લીધા છે કે કેમ તે અંગે ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

દરમિયાન હવે આવતીકાલથી મહાપાલિકાની ઓફિેસમાં ગેઇટ પાસે સ્ક્રીનીંગ શરૂ કરવામાં આવશે. જેમાં તમામ અરજદારોનું સ્ક્રીનીંગ કરવામાં આવશે. જો કોઇ વ્યક્તિને કોરોના શંકાસ્પદ લક્ષણો જણાય તો તાત્કાલીક તેનો આરટીપીસીઆર અને એન્ટીજન રિપોર્ટ પણ કરવામાં આવશે. બીજી લહેરમાંથી સબક લઇ તંત્ર સંતર્ક બની ગયું છે. આજે બપોર સુધીમાં કોરોનાના નવા 21 કેસો નોંધાયા હોવાની જાહેરાત મહાપાલિકા દ્વારા કરવામાં આવી છે. શહેરમાં આજ સુધીમાં કોરોનાના 42,714 કેસ નોંધાયા છે. રિક્વરી રેટ 95.67 ટકા છે. ગઇકાલે કુલ 4622 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે પૈકી 244 કેસ મળી આવતાં પોઝીટીવીટી રેટ 5.28 ટકા જેવો રહેવા પામ્યો છે.