રાજકોટ-જનરલ બોર્ડ બે મિનિટમાં પૂરું:જમીન હેતુફેરની દરખાસ્ત નામંજૂર

કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે ભાજપ અને કોંગ્રેસની સમજૂતીથી પ્રથમવાર જનરલ બોર્ડમાં પ્રશ્નોત્તરી કાળ રદ:   ચાર દરખાસ્ત સર્વાનુમતે મંજુર, એક દરખાસ્ત નામંજૂર એક બહુમતીથી મંજૂર

હોસ્પિટલ હેતુ માટેના પ્લોટનું વાણિજ્ય વેચાણ માટે હેતુફેર કરવાની દરખાસ્ત નામંજૂર કરતા કોંગ્રેસ ફટાકડા ફોડયા 

રાજકોટ મહાનગરપાલિકામાં આજે સવારે મેયર ડો.પ્રદીપ ડવના અધ્યક્ષ સ્થાને મળેલી જનરલ બોર્ડની બેઠક બે મિનિટમાં જ પૂર્ણ થઈ હતી. શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું હોય શાસક પક્ષ ભાજપ અને વિરોધ પક્ષ કોંગ્રેસ અરસ પરસ સમજૂતી કરી જનરલ બોર્ડમાં એક કલાકનો પ્રશ્નોત્તરી કાળ રદ કરી નાખ્યો હતો.બોર્ડમાં સાત પૈકી ચાર દરખાસ્તો સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી. જ્યારે હોસ્પિટલ હેતુ માટેના પ્લોટનું વાણિજ્ય હેતુ માટે હેતુફેર કરવાની દરખાસ્ત સર્વાનુમતે નામંજૂર કરાઇ હતી.એક દરખાસ્ત બહુમતીથી પસાર કરવામાં આવી હતી.જમીન હેતુફેરની દરખાસ્ત નામંજૂર થતાં કોંગ્રેસે આ ઘટનાને પ્રજાનો વિજય ગણાવી ફટાકડા ફોડ્યા હતા.

મહાપાલિકામાં આજે જનરલ બોર્ડની બેઠકમાં માત્ર દરખાસ્તો અંગે જ નિર્ણય લેવામાં આવશે તેવી જાહેરાત ગઈકાલે જ મેયર ડો.પ્રદીપ ડવ દ્વારા કરવામાં આવી હતી.કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું હોય પ્રશ્નોત્તરી કાળ રદ કરવામાં આવશે તેવી ઘોષણા અગાઉથી જ કરી દેવામાં આવી હોય આજે બોર્ડમાં વંદે માતરમ ગાન  પૂર્ણ થયા બાદ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં સાધુવાસવાણી રોડ પર ટીપી સ્કીમ નંબર ૪ ના હોસ્પિટલ હેતુ બનાવવા માટેના પ્લોટનું વાણિજ્ય વેચાણ માટે હેતુફેર કરવાની દરખાસ્ત સર્વાનુમતે નામંજૂર કરવામાં આવી હતી.

જ્યારે ગુજરાત સરકાર દ્વારા સૂચવવામાં આવેલી જૈવ વિવિધતા વ્યવસ્થાપનની રચના કરવા અને વોર્ડ નંબર ૬માં શીતળા માતાના મંદિર નજીક પાંજરાપોળ પાસે આવેલ શુલભ શૌચાલય હટાવવાની દરખાસ્તને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી.જ્યારે એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્ષ અંગેની કામગીરી માટેની દરખાસ્ત બહુમતીથી મંજૂર કરવામાં આવી હતી.બોર્ડમાં બે અરજન્ટ બિઝનેસ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.જેમાં મેડીકલ ઓફિસર ઓફ હેલ્થની જગ્યા પર ડો. વિજય વકાણીની નિમણૂક કરવા તથા સિટી એન્જિનિયરની જગ્યા પર પરેશ અઢીયાની નિમણૂક કરવા અંગેની દરખાસ્તને બહાલી આપવામાં આવી હતી.

હોસ્પિટલ હેતુ માટેના સાથેના પ્લોટનું વાણિજ્ય વેચાણ માટે હેતુફેર કરવાની દરખાસ્ત સર્વાનુમતે નામંજૂર કરવામાં આવતા આ ઘટનાને વિરોધ પક્ષ કોંગ્રેસે પ્રજા ની જીત ગણાવી પૂર્ણ બોર્ડ પૂર્ણ થયા બાદ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. હોસ્પિટલ હેતુ માટેના પ્લોટ પર અમદાવાદ મહાનગર પાલિકાની માફક રાજકોટ મહાનગરપાલિકાએ પણ અત્યાધુનિક સુવિધાથી સજજ હોસ્પિટલ બનાવી જોઈએ તેવી દરખાસ્ત વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા મૂકવામાં આવી હતી.જેનો અસ્વીકાર કરાયો હતો.

મ્યુનિસિપલ કમિશનરની તબિયત નરમ: બોર્ડમાં હાજર ન રહ્યા!

મ્યુનિસિપલ કમિશનર અમિત અરોડાની તબિયત થોડી નરમ ગરમ હોવાના કારણે આજે તેઓ જનરલ બોર્ડની બેઠકમાં હાજર રહ્યા ન હતા.તેઓના સ્થાને બોર્ડમાં ડીએમસી આશિષ કુમારે હવાલો સંભાળ્યો હતો.ડીએમસીએ જણાવ્યું હતું કે આજે સવારે જ્યારે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા ઓફિસે આવ્યા ત્યારે તેઓને થોડી શરદી ઉધરસ જેવું લાગતું હતું અને માથું પણ દુઃખતું હોવાના કારણે તેઓ તકેદારીના ભાગરૂપે જનરલ બોર્ડની બેઠકમાં આવ્યા ન હતા.તેઓ કોરોના સંક્રમિત થયા હોવાની વાતનો ડીએમસીએ  સ્પષ્ટ ઈનકાર કર્યો હતો.માત્ર થોડી તબિયત નરમ હોવાના કારણે તેઓએ બોર્ડ માં હાજરી આપી ન હતી.

ભાજપના પાંચ કોર્પોરેટર ગેરહાજર 

મહાપાલિકામાં આજે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં ભાજપના પાંચ કોર્પોરેટરો ગેરહાજર રહ્યા હતા. પાંચ પૈકી ચાર કોર્પોરેટર કોરોનાથી સંક્રમિત થયા છે.  જ્યારે વોર્ડ નંબર ૧૩ ના નગરસેવિકા જયાબેન ડાંગર  કોઈ અંગત કારણોસર આજે જનરલ બોર્ડમાં આવ્યા ન હતા. જોકે આજે જનરલ બોર્ડની બેઠકની કામગીરી માત્ર બે મિનિટમાં આટોપી લેવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ વોર્ડ નંબર ૨ના કોર્પોરેટર જૈમિન ભાઈ ઠાકર ,વોર્ડ નંબર ૯ના કોર્પોરેટર આશાબેન ઉપાધ્યાય,વોર્ડ નંબર ૧૧ ના કોર્પોરેટર ભારતીબેન પાડલીયા અને વોર્ડ નંબર ૧૩ના કોર્પોરેટર જયાબેન ડાંગર આજે બોર્ડમાં રજા પર રહ્યા હતા.ભાજપના ૬૮ માંથી ૬૩ નગરસેવકો જ્યારે કોંગ્રેસના તમામ ચારેય નગરસેવકો જનરલ બોર્ડમાં હાજર રહ્યા હતા.

 હોસ્પિટલ હેતુના પ્લોટ પર કોર્પોરેશન હોસ્પિટલ જ બનાવે કોંગ્રેસની:દરખાસ્ત ફગાવાઇ 

શહેરના વોર્ડ નંબર ૯ માં સાધુ વાસવાણી સાધુ વાસવાણી રોડ પર ટીપી સ્કીમ નંબર ચારમાં હોસ્પિટલ હેતુ માટેના અનામત પ્લોટ નંબર ૪૦૭ નો વાણિજ્ય વેચાણના હેતુમાં હેતુફેર કરવાની દરખાસ્ત સર્વાનુમતે નામંજૂર કરવામાં આવી હતી.દરમિયાન વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા ભાનુબેન સોરણીએ પૂર્વ નેતા વશરામભાઈ સાગઠીયાના ટેકા સાથે જનરલ બોર્ડ સમક્ષ એવી દરખાસ્ત રજૂ કરી હતી કે હોસ્પિટલ હેતુના અનામત પ્લોટ ઉપર અમદાવાદ મહાપાલિકા દ્વારા જે રીતે હોસ્પિટલનું સંચાલન કરવામાં આવી રહ્યું છે તેમ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલ બનાવવી જોઈએ.જો કે વિપક્ષ ની દરખાસ્ત ફગાવી દેવામાં આવી હતી.