રાજકોટ: રામનાથ મંદિર ડેવલપમેન્ટ- આજી રિવરફ્રન્ટ માટે 187 કરોડ ફાળવવા સરકારમાં દરખાસ્ત કરાશે

સ્ટેન્ડિંગમાં દરખાસ્ત મંજૂર કરાયા બાદ રાજ્ય સરકાર સમક્ષ માંગણી કરાશે

આજી નદીના પશ્ર્ચિમ કિનારે બિરાજમાન 500 વર્ષથી વધારે પ્રાચીન અને સ્વયંભૂ શ્રીરામનાથ મહાદેવ મંદિરનું ડેવલપમેન્ટ કરવાની કામગીરી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ દ્વારા એક વર્ષ પૂર્વે કોર્પોરેશનને સુપરત કરવામાં આવી છે.

રામનાથ મંદિર ડેવલપમેન્ટ અને આજી રિવરફ્રન્ટ માટે 187 કરોડ રૂપિયાની ફાળવણી કરવા માટે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા રાજ્ય સરકાર સમક્ષ દરખાસ્ત કરવામાં આવશે. આ પૂર્વે આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્તને બહાલી આપ્યા બાદ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ હાલ કોર્પોરેશન દ્વારા શ્રીરામનાથ મહાદેવ મંદિર ડેવલપમેન્ટ અને આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં ઇન્ટરસેપ્ટર લાઇનની કામગીરી ચાલુ છે. જ્યારે રામનાથ મહાદેવ મંદિરનું પણ ડેવલપમેન્ટ રિવરફ્રન્ટ પ્રોજેક્ટને ધ્યાનમાં રાખી કરવાનું નક્કી કરાયું છે. આ માટે ક્ધસલ્ટન્ટ એચપીસી ડિઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલી ડિઝાઇનનું તાજેતરમાં મુખ્યમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક પ્રશ્ર્નો અને સ્થળ સ્થિતિ તથા નાણાકીય પરિસ્થિતિને અનુરૂપ 11 કિ.મી.ની હાલ ડેવલપ કરવું શક્ય ન હોય આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટની 11 કિ.મી. લંબાઇમાં પ્રાચીન રામનાથ મહાદેવ મંદિરને લાગૂ ડેવલપમેન્ટ અને આનુસાંગીક જરૂરી વિકાસ કામગીરી હાથ ધરવાની થાય છે. જેમાં મંદિરનો વિકાસ મુખ્ય છે. પ્રથમ ફેઇઝમાં 187 કરોડનો ખર્ચ થાય છે. જેમાં ગુજરાત મ્યુનિ.ફાઇનાન્સ બોર્ડ દ્વારા આર્થિક મદદ લેવાની થશે.

આ પ્રોજેક્ટમાં શ્રીરામનાથ મહાદેવ મંદિરના જીણોધ્ધાર ઉપરાંત વિશાળ પાર્કિંગ એરિયા, ટેમ્પલ પ્લાઝા, કિયોક્સ લેન્ડ સ્ક્રેપિંગ અને ભવિષ્યમાં વધુ ડેવલપ માટેની જગ્યા રાખવામાં આવશે. આજી નદીમાં મંદિરના પાછળના ભાગે ચેકડેમ પણ બનાવવામાં આવશે. આ કામ માટે રૂ.187 કરોડનો ખર્ચ થશે. જે મેળવવા માટે રાજ્ય સરકાર સમક્ષ ખાસ દરખાસ્ત રજૂ કરવામાં આવશે.