Abtak Media Google News

યુનિવર્સિટી રોડ પર શિવશક્તિ સ્કૂલમાં સામાન્ય રકઝક: અપુરતા ડોઝની ફાળવણીના કારણે સર્જાતી અવ્યવસ્થા

વેપારીઓએ આગામી 31મી જુલાઈ સુધીમાં કોરોનાની વેક્સિન લેવી ફરજિયાત બનાવી દેવામાં આવી છે. વેક્સિન ન લીધી હોય તો વેપારીઓ દુકાનના શટર ઉઘાડી શકશે નહીં તેવી પણ ધમકી આપવામાં આવી રહી છે. હવે માત્ર ચાર દિવસ બાકી રહ્યાં હોય વેક્સિનેશન સેન્ટરો પર વેપારીઓની રીતસર લાંબી લાઈનો લાગે છે પરંતુ અપુરતા ડોઝની ફાળવણીના કારણે રોજ માથાકૂટ સર્જાય છે અને ભારે અવ્યવસ્થા થવા પામે છે. આજે બપોર સુધીમાં 6044 લોકોને વેક્સિન આપી દેવામાં આવી હતી.

કોરોનાને નાથવા માટે એકમાત્ર હાથવગુ હથિયાર વેક્સિન છે ત્યારે તંત્ર રાજ્ય સરકાર દ્વારા 100 ટકા વેક્સિનના ટાર્ગેટને પૂર્ણ કરવા માટે આગામી 31મી જુલાઈ સુધીમાં તમામ વેપારીને ઓછામાં ઓછો એક ડોઝ ફરજિયાત કરવામાં આવ્યો છે. જો કોરોનાની વેક્સિન નહીં લીધી હોય તો વેપારીઓ 1લી ઓગષ્ટથી દુકાન ખોલી નહીં શકે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે.

જેના કારણે છેલ્લા કેટલાંક દિવસોથી વેક્સિનેશન સેન્ટર પર વેપારીની લાઈનો લાગે છે. ગઈકાલે રાજકોટને કોવિશિલ્ડના 7600 ડોઝ અને કો-વેક્સિનના 400 ડોઝની ફાળવણી કરવામાં આવી હતી. આજે અલગ અલગ 25 સેશન સાઈટ પર કોવિશિલ્ડ અને 2 સાઈટ પર કો-વેક્સિન આપવામાં આવી હતી. સવારથી મોટાભાગના સેન્ટરો પર લોકોની લાંબી કતારો જોવા મળી હતી. યુનિવર્સિટી રોડ પર આવેલ શિવશક્તિ સ્કૂલમાં સામાન્ય માથાકૂટ સર્જાવા પામી હતી.

અપુરતા ડોઝના કારણે ભારે અવ્યવસ્થા સર્જાઈ છે. આ ઉપરાંત મોટાભાગના સેન્ટરો પર માથાકૂટ ટાળવા એસઆરપી કે વિજીલન્સનો સ્ટાફ મુકવાની ફરજ પડે છે. છેલ્લા એક મહિનાથી વેક્સિનના પર્યાપ્ત ડોઝની ફાળવણી કરવામાં આવતી નથી જેના કારણે ભારે અવ્યવસ્થા જેવી સ્થિતિ સર્જાય છે.

એક તરફ રાજ્ય સરકાર વેપારીઓ માટે વેક્સિન ફરજિયાત કરી રહી છે તો બીજી તરફ જરૂરીયાત મુજબ વેક્સિનના ડોઝની ફાળવણી કરવામાં આવતી ન હોવાના કારણે સ્થિતિ વધુ કથળી રહી છે. સેન્ટરો પર રકઝક અને કતારો જોવા મળી રહી છે. બપોર બાદ મોટાભાગના સેન્ટરોને તાળા લગાવી દેવા પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.