રાજકોટ: કોર્પોરેશનની સોખડા ડમ્પીંગ સાઇટે મૃત પશુઓના ઢગલા

લમ્પીગ્રસ્ત મૃત પશુઓને દાટવાનું શરૂ કરાતા આસપાસના ગામોના લોકોનો વિરોધ, વિજીલન્સ દોડાવવી પડી: વ્યવસ્થા વધારવા ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહની રજૂઆત

લમ્પી વાયરસે રાજકોટ સહિત રાજ્યભરમાં હાહાકાર મચાવ્યો છે. ગાય સહિતના પશુઓ ટપોટપ મરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી કોર્પોરેશનની સોખડા ગામ પાસે આવેલી ડમ્પીંગ સાઇટે મૃત પશુઓના ઢગલા થઇ રહ્યા છે. લમ્પીગ્રસ્ત મૃત પશુઓને અહિં દાટવામાં આવતા હોય આસપાસના ગામોના લોકોમાંથી વિરોધ વંટોળ ઉઠી રહ્યો છે.

આજે સવારે લોકોનું ટોળું એકઠુ થઇ ગયું હતું. જેના કારણે તાત્કાલીક અસરથી વીજીલન્સ અને તાલુકા પોલીસને દોડાવવાની ફરજ પડી હતી. સોખડા સાઇટે 24 કલાક મૃત પશુઓને દાટવાની કામગીરી ચાલુ રાખવા અને અન્ય સુવિધા વધારવાની માંગણી સાથે આજે ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહે ડીએમસી અને પર્યાવરણ ઇજનેરને ટેલીફોનિક રજૂઆત કરી હતી. આ અંગે વધુ માહિતી આપતા ડે.મેયરે જણાવ્યું હતું કે લમ્પી વાયરસના કારણે પશુઓના મૃત્યુઆંકમાં વધારો થયો છે.

જૂન માસમાં સોખડા સ્થિત કોર્પોરેશન ડમ્પીંગ સાઇટ ખાતે 680 મૃત પશુઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. દરમિયાન ચાલુ મહિને 29 દિવસમાં જ બમણાંથી પણ વધુ એટલે કે 1408 મૃત પશુઓને અહિં દાટવામાં આવ્યા છે. લમ્પી વાયરસના કારણે મોતને ભેટેલા પશુઓને જો મીઠુ નાખી દફનવિધી કરવામાં આવે તો આ વાયરસ અન્યત્ર પ્રસરતો અટકે છે. આવામાં સોલીડ વેસ્ટ વિભાગના અધિકારીઓને ડમ્પીંગ સાઇટ પર મીઠાનો ટ્રક રાખવા સૂચના આપી દેવામાં આવી છે. અહીં જેસીબીની સુવિધા વધારવા પણ જણાવવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટરને ગાડી અને માણસો વધારવા સૂચના આપવામાં આવી છે.

તેઓએ ઉમેર્યું હતું કે સોખડા ખાતે લમ્પીગ્રસ્ત મૃત પશુઓના મૃતદેહને દફનાવવામાં આવતા હોવાના કારણે આસપાસના ગામોના લોકોએ તેનો વિરોધ કરતા આજે સવારે કામગીરી અટકાવી દીધી હતી. જેના કારણે તાત્કાલીક અસરથી વીજીલન્સ પોલીસ અને તાલુકા પોલીસને દોડાવવાની ફરજ પડી હતી. ગ્રામજનોને સમજાવટ બાદ મામલો થાણે પડી ગયો છે અને હાલ મૃત પશુઓની દફનવિધી સોખડા સાઇટ ખાતે ચાલી રહી છે. કોર્પોરેશન દ્વારા પશુ પાલન વિભાગ અને જિલ્લા પંચાયત દ્વારા હાલ પશુઓ માટે ખાસ વેક્સીનેશન ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં આજ સુધીમાં 9712 પશુઓને વેક્સીન આપી દેવામાં આવી છે. સંસ્થાઓ દ્વારા પણ સહયોગ આપી વેક્સીન પુરી પાડવામાં આવી રહી છે.