Abtak Media Google News

પાટીદાર અગ્રણી ડો.દિનેશ ચોવટીયાની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને રજૂઆત

રાજકોટના પાટીદાર અગ્રણી અને સામાજિક કાર્યકર ડો. દિનેશ ચોવટિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખીને રાજ્યભરના સ્ટેટ અને નેશનલ હાઈવેની ખરાબ હાલત અંગે ધ્યાન દોર્યું છે એટલું જ નહીં પણ જ્યાં સુધી સરકાર આ રસ્તાની મરમ્મત ન કરાવે ત્યાં સુધી ટોલ ટેક્સની વસૂલાત મોકૂફ રાખે. રસ્તાની હાલત ખરાબ હોવાથી મુસાફરીનો સમય વધી ગયો છે અને ઈંધણ પણ બગડે છે. સરકારે હાલ પૂરતું ટોલ ટેક્સની વસૂલાત તાત્કાલિક ધોરણે ટકાવીને પ્રજાને રાહત આપવી જોઈએ.

રાજ્યના આંતરિક રસ્તાની જેમ જ સ્ટેટ હાઇવે અને નેશનલ હાઈવેની હાલત પણ ખૂબ જ ખરાબ છે. રાજ્યનો એક પણ રસ્તો એવો નથી કે જ્યાં ખાડા ન પડ્યા હોય. આવી હાલતમાં વાહન ચાલકોની હાલત કફોડી થઈ ગઈ છે. રસ્તા ઉપર ખાડા હોવાને કારણે અકસ્માતો પણ થાય છે અને વાહનોની આવરદા પણ ઘટે છે.

રાજ્યના સ્ટેટ હાઇવે અને નેશનલ હાઇવે ઉપર ટોલ ઉઘરાવવામાં આવે છે. ટોલ ઉઘરાવવા પાછળનો હેતુ વાહન ચાલકોને સારું ઇન્ફ્રાસ્ટ્રકચર આપવાનો હોય છે. જે ટોલ વસૂલવામાં આવે છે તેના બદલામાં સારા રસ્તાની સુવિધા આપવી એ સરકારની ફરજમાં આવે છે પણ કમનસીબે ગુજરાતમાં આવું થતું નથી અને એક પણ રસ્તો સારી હાલતમાં નથી. આપ જાણતા જ હશો કે ગોંડલના રાજવી સર ભગવતસિંહજીએ દૂરંદેશી વાપરીને ગોંડલમાં જે રસ્તા બનાવ્યા હતા. તેની આવરદા 100 વર્ષ કરતાં પણ વધુ છે. જો એ સમયના રાજવી આવું કરી શકે તો આજે તો સરકાર પાસે કુશળ ઇજનેરોની ફોજ અને અદ્યતન ટેકનોલોજી છે. આપ પણ રાજ્યમાં રોડ-રસ્તાની હાલત સુધરે એવી કાળજી લ્યો તો તે પ્રજાની મોટી સેવા કરી ગણાશે.

અત્યારે ખરાબ રસ્તાને કારણે મુસાફરીનો સમય પણ વધી ગયો છે અને ઈંધણનો બગાડ પણ થાય છે. તો આ સ્થિતિને ધ્યાનમાં રાખીને મારી આપને વિનંતી છે કે, જ્યાં સુધી રસ્તાની હાલતમાં સરકાર સુધારો ન કરે ત્યાં સુધી ટોલની વસૂલાત બંધ કરવી જોઈએ. અત્યારે રસ્તા ખરાબ છે અને ઉપરથી પ્રજા ઉપર ટોલટેક્સનો બોજો આવે છે. એટલે હાલ પૂરતું ટોલ ટેક્સ વસૂલવાનું બંધ કરાવો અને પ્રજાને રાહત આપો તેવી રજૂઆત ડો.દિનેશ ચોવટીયાએ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.