રાજકોટ: હોસ્પિટલ ચોક બ્રિજનું આવતા મહિને લોકાર્પણ

નાના મવા બ્રિજ નવરાત્રિ આસપાસ વાહન ચાલકો માટે ખૂલ્લો મૂકી દેવાશે: એક મહિનામાં કોઇપણ ભોગે ત્રણ બ્રિજના કામ પૂરા કરવા એજન્સીને તાકીદ

શહેરમાં 150 ફૂટ રીંગ રોડ, કાલાવડ રોડ અને સિવિલ હોસ્પિટલ ચોક ખાતે એમ ત્રણ સ્થળોએ પાંચ બ્રિજનું નિર્માણ કામ હાલ ચાલી રહ્યું હોવાના કારણે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન આગામી એક મહિનામાં કોઇપણ ભોગે ત્રણ બ્રિજના કામ પૂરા કરવા માટે ગઇકાલે એજન્સીને કડક તાકીદ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ ચોક બ્રિજનું આવતા મહિને 15 થી 25 સપ્ટેમ્બરની વચ્ચે લોકાર્પણ કરી દેવામાં આવશે. આ માટે વડાપ્રધાન પાસે સમય પણ માંગવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન નવરાત્રિ આસપાસ નાના મવા બ્રિજ પણ વાહન ચાલકો માટે ખૂલ્લો મૂકી દેવામાં આવશે.

કરોડો રૂપિયાની ઓન ચૂકવવા છતાં બ્રિજના કામ સમયસર પૂરા થતાં નથી. જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચૂંટણી વર્ષમાં લોકરોષ પાલવે તેમ ન હોય ગઇકાલે મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, શાસકપક્ષના નેતા વિનુભાઇ ઘવા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને દંડક સુરેન્દ્રસિંહ વાળા સહિતના પદાધિકારીઓ અને મ્યુનિ.કમિશનર અમિત અરોરા સહિતના પદાધિકારીઓએ અલગ-અલગ પાંચ બ્રિજનું નિર્માણ કામ કરતી એજન્સીના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

હોસ્પિટલ ચોક બ્રિજનું કામ 95 ટકા પૂર્ણ થઇ ગયું છે. જે 19મી સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવા સૂચના આપી દેવામાં આવી છે. જ્યારે નાના મવા ચોક બ્રિજનું કામ 90 ટકા કામ પૂર્ણ થઇ ગયું હોય 30 સપ્ટેમ્બર સુધીમાં અને રામાપીર ચોકડીએ આકાર લઇ રહેલા બ્રિજનું કામ 85 ટકા પૂર્ણ થઇ ગયું હોય જે 15 ઓક્ટોબર પહેલા કોઇપણ ભોગે પૂર્ણ કરવા કડક તાકીદ કરવામાં આવી છે. જ્યારે જડ્ડુસ ચોક ખાતે આકાર લઇ રહેલા બ્રિજનું કામ 70 ટકા જેટલું પૂર્ણ થઇ ગયું છે. જે 15 નવેમ્બર સુધીમાં અને કેકેવી સર્કલ ખાતે હયાત બ્રિજ પર બની રહેલા મલ્ટીલેવલ ઓવરબ્રિજનું કામ જાન્યુઆરી-2023 સુધીમાં પૂર્ણ કરવા અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યું છે. શિડ્યુલ મુજબ કામ સમય મર્યાદામાં પૂર્ણ કરવા જણાવી દેવામાં આવ્યું છે.

દરમિયાન આગામી 15 થી 25 સપ્ટેમ્બર સુધીમાં સિવિલ હોસ્પિટલ ચોક બ્રિજ વાહન ચાલકો માટે ખૂલ્લો મૂકી દેવામાં આવશે. આ બ્રિજ સહિતના અલગ-અલગ પ્રોજેક્ટો લોકાર્પણ અને ખાત મુહુર્ત માટે વડાપ્રધાન પાસે સમય માંગવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણી આચારસંહિતા પૂર્વે નવરાત્રિ આસપાસ નાના મવા સર્કલ બ્રિજ અને દિવાળી પૂર્વે રામાપીર ચોકડી ખાતે આકાર લઇ રહેલા બ્રિજનું લોકાર્પણ કરી દેવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાઇ રહી છે.

રૈયાધાર અને કોઠારિયા વોટર ફિલ્ટર પ્લાનની કામગીરીની પણ સમીક્ષા

વેસ્ટ ઝોન અને કોઠારીયા વિસ્તારના લોકોની પાણીની સમસ્યા હળવી થાય તે માટે રૂ.2973 કરોડના ખર્ચે રૈયાધાર ખાતે બની રહેલ 50 એમએલડી ફિલ્ટર પ્લાન્ટ અને રૂ.42.50 કરોડના ખર્ચે જેટકો ચોકડી પાસે બની રહેલ 50 એમએલડી ફિલ્ટર પ્લાન્ટની કામગીરીની સમીક્ષા કરવામાં આવેલ. કામગીરીમાં ઝડપ લાવવા જરૂરી માણસો તથા મશીનરી વધારી આગામી ડિસેમ્બર સુધીમાં બને ફિલ્ટર પ્લાન્ટ કાર્યરત થાય તે માટે જણાવવામાં આવ્યું છે.