રાજકોટ: રૂ.35 હજારની ઉઘરાણીમાં સાંગળવા ચોક ખાતે થયેલી યુવાનની હત્યા મામલે ચુકાદો, બે આરોપીને….

સાંગણવા ચોકમાં છ વર્ષ પહેલાં રૂા.35 હજારની ઉઘરાણીના પ્રશ્ર્ને છરીના ઘા ઝીંકી યુવાનની હત્યાના ગુનામાં સંડોવાયેલા બે શખ્સો સામેના કેસની કોર્ટમાં સુનાવણી પુરી થતા અદાલતે બંનેને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.

રૂ.35 હજારની ઉઘરાણીના પ્રશ્ર્ને છરીના ઘા ઝીંકી છ વર્ષ પૂર્વે ઢીમઢાળી દીધું’તું

મૃતકના ઓરલ ડીડી અને સાંયોગિક પુરાવાના આધારે ફટકારી સજા

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ રામનાથપરામાં રહેતા યાસિન અલીભાઇ જલવાણી નામના યુવાનની ગત તા.17-3-15ના રોજ હાથીખાનામાં રહેતા રાજેશ ઉર્ફે મિતેન ઉર્ફે રાજુ અરવિંદ દુબલ અને યાજ્ઞિક રોડ પર પીડબલ્યુડીના કવાર્ટરમાં રહેતા સંજય ઉર્ફે બબલુ લાલસીંગ રાજપૂત નામના શખ્સોએ સાંગણવા ચોકમાં છરીના ઘા ઝીંકી હત્યા કર્યાની આરિફ અલીભાઇ જલવાણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

યાસિન જલવાણીએ મિત્રતાના દાવે રાજેશ ઉર્ફે મિતેશને રૂા.35 હજાર ઉછીના આપ્યા હતા. તે પરત માગી વારંવાર ઉઘરાણી કરતો હોવાથી રાજેશ ઉર્ફે મિતેને પોતાના મિત્ર સંજય ઉર્ફે બબલુએ રૂા.35 હજાર લઇ જવા સાંગણવા ચોકમાં બોલાવી છરીના ઘા ઝીંકી હત્યા કર્યાનું ફરિયાદમાં જણાવ્યું હતું.

ગંભીર રીતે ઘવાયેલા યાસિન જલવાણીએ પોતાના ભાઇ આરિફ જલવાણીની સાથે મોબાઇલમાં વાત કરી રાજેશ ઉર્ફે મિતેન અને સંજય ઉર્ફે બબલુએ છરીના ઘા માર્યાનું જણાવ્યું હતું. યાસિન જલવાણીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

હત્યાના ગુનામાં રાજેશ ઉર્ફે મિતેશ અને સંજય ઉર્ફે બબલુની ધરપકડ કરી જેલ હવાલે કર્યા બાદ બંને સામેના કેસની સુનાવણી થતા અદાલતે આરિફ અને મિત્ર રમેશ બાલાસરા સાથે મોબાઇલમાં કરેલી વાતને ઓરલ ડીડી સમાન પુરાવો ગણવામાં આવ્યો હતો. સરકાર પક્ષે 22 સાહેદને તપાસવામાં આવ્યા હતા. 40 જેટલા દસ્તાવેજી પુરાવા ધ્યાને લઇ અધિક સેશન્સ જજ ડી.એ.વોરાએ બંને શખ્સોને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં સરકાર પક્ષે આબીદ સોસન, તરૂણ માથુર અને મુળ ફરિયાદી વતી ભગીરથસિંહ ડોડીયા ઉપસ્થિત રહ્યા હતા.